ધોરણ ૧ થી ૫ ના વર્ગો ફિઝિકલી શરૂ કરવા શાળા સંચાલક મંડળની માંગ
હાલમાં કોરોના કેસોની સંખ્યા ઓછી છે, અને નિષ્ણાતો ત્રીજી લહેરની સંભાવનાને નકારી રહ્યા છે ત્યારે રાજ્યમાં ધોરણ ૧ થી ૫ ના વર્ગો ફિઝિકલી શરૂ કરવાની મંજૂરી આપવી સલામત છે તેવું ખાનગી શાળા સંચાલક મંડળે રાજ્યના શિક્ષણ સચિવ વિનોદને લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું. રજૂઆત જણાવાયું છે કે, રસીકરણ અભિયાન પણ ખૂબ જ સફળ રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોને આવરી લેવામાં આવ્યા છે અને બાળકોમાં કોવિડ-૧૯થી સંક્રમિત થવાનું જોખમ પણ ઘણું ઓછું છે.
દિવાળી વેકેશન પહેલા શાળાઓને ફરીથી ખોલવાની મંજૂરી આપવી જોઈએ જેથી રજાના સમયગાળા પછી બીજી ટર્મ સરળ રીતે શરૂ થઈ શકે તેવી માંગ શાળા સંચાલક મંડળ દ્વારા કરાઈ છે. અન્ય એક એક પત્રમાં ફેડરેશને જણાવ્યું હતું કે, સેલ્ફ-ફાઈનાન્સ્ડ સ્કૂલોને તેમના સમયપત્રક મુજબ યુનિટ ટેસ્ટ યોજવાની મંજૂરી આપવી જોઈએ જેથી વિદ્યાર્થીઓના અભ્યાસની કસોટી કરી શકાય.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજરાતની તમામ શાળાઓ માટે ૧૮ ઓક્ટોબરથી ૨૭ ઓક્ટોબર સુધી પરીક્ષા લેવા માટે સમયપત્રક બહાર પાડ્યું હતું. સરકારના સમયપત્રક મુજબ ધો. ૯ અને ૧૧ ની પરીક્ષાઓ સવારે ૧૧ થી બપોરે ૧ વાગ્યા સુધી યોજાશે. ધોરણ ૧૦ અને ૧૨ માટે બપોરે ૨ થી સાંજે ૫ વાગ્યા સુધી યોજાશે.
ફેડરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ સ્વ-નાણાંકીય શાળાઓ માટે નિયત સમયપત્રક મુજબ પરીક્ષાઓ યોજવી મુશ્કેલ છે અને તેમને તેમની સુવિધા મુજબ એકમ પરીક્ષણો કરવાની સુગમતા આપવી જોઈએ.