બહુપક્ષીય સ્વરુપની હાલની લોકશાહી શાસન પઘ્ધતિના સ્થાને હવે બે કે ત્રણ જ રાજકીય પક્ષોની પ્રથા ધરાવતું લોકશાહી રાજ?
આપણા દેશમાં દાયકાઓથી ચાલ્યા આવતા અનેક રૂઢિગત કાયદાઓમાં ફેરફાર કરીને ‘વિકાસના દ્વાર’ ખોલવા મોદી સરકાર સતત પ્રયાસો હાથ ધરી રહી છે. દેશના અલગ અલગ રાજયોમાં રહેલા ટેકસના અલગ અલગ માળખાને બદલીને ‘વન નેશન વન ટેકસ’ના ધ્યેયને હાંસલ કરવા મોદી સરકારે ૨૦૧૪માં સત્તા પર આવ્યા બાદ જીએસટીનું અમલીકરણ કર્યું છે. નવા કર માળખા અને નવી જોગવાઈઓને લઈ થોડો સમય જીએસટી સામે વિરોધ ઉઠ્યા બાદ હવે ધીમેધીમે સ્થિતિ થાળે પડી રહી છે. કરદાતા વેપારીઓ હવે જીએસટીને સ્વીકારીને સરળતાથી ઉપયોગ કરવા લાગ્યા છે. જેથી વન નેશન વન ટેકસનો લક્ષ્યાંક મોદી સરકારે હાંસલ કરી લીધો છે.
જે બાદ તાજેતરમાં બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકારે ‘વન નેશન વન ઈલેકશન’નો લક્ષ્યાંક રાખીને દેશમાં અલગ જ અલગ થતી લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીમાં થતા અબજો રૂા.નો ખર્ચને બચાવવા કમર કસી છે.આમપણ, કેન્દ્ર અને રાજયની ચૂંટણીઓમાં મતદારો અલગ અલગ મુદાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે. જેથી મોદી સરકારે આ લક્ષ્યાંકને હાંસલ કરીને દેશમાં અલગ અલગ ચૂંટણી યોજવા પાછળ થતા અબજો રૂા.ના ખર્ચને બચાવવા તાજેતરમાં સર્વપક્ષીય દળોના વડાની બેઠક યોજી હતી જેમાં સર્વસંમતિ સાધવા એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય કરાયો હતો. આગામી સમયમાં વડાપ્રધાન મોદી વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતની લોકશાહીને મજબુત કરવા અમેરિકન પધ્ધતિ પ્રમાણેની ‘વન નેશન ટુ પાર્ટી’નો લક્ષ્યાંકની અપેક્ષા રાખી રહ્યા છે.
દેશમાં રાજકીય પક્ષોની તીવ્ર નારાજી અને અસહકારના મિજાજ વચ્ચે ચુંટણી ધારામાં: સુધારાનો ચણભણાટ:હાલમાં ચૂંટણીઓ અને રાજકારણ ફારસરુપ બન્યાનો વિપક્ષી પડઘો
સર્વાગી ક્રાંતિ સર્જવાના થનગનાટ વચ્ચે આપણો દેશ ઉભો છે. લોકસભાની ચુંટણીમાં પરિણામોમાં અને તે પછીના રાષ્ટ્રીય પ્રવાહોમાં એનું પ્રતિબિમ્બ દ્રષ્ટિગોચર થયા વિના રહ્યું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉતાવળ છે ભારતને વિશ્ર્વગુરુ બનાવવાની ! તેમણે રાષ્ટ્રનાં હવે પછીના નવનિર્માણનો પ્રથમ તબકકાનો નકશો તૈયાર કરી લીધો હોવાનું ઘોષિત થઇ ચૂકયું છે!
તેમણે તેમની સરકારના ઇરાદાઓ ચૂંટણી પ્રચાર વખતે તેમના ભાષણોમાં, ભાજપના ચૂંટણી ઢંઢેરામાં અને શપથવિધિ બાદ હમણા સુધીમાં તેમના ચુનંદા સાથીઓ સાથે કરેલા વિચાર વિમર્શ દરમ્યાન અભિવ્યકત કરી દીધા છે.
પરંતુ મોટી મોટી વાતોનાં વડાં કરવાથી કોઇ દેશનાં નળિયાં સોનાના થઇ જતાં નથી. ૬૫ કરોડ જેટલા ગરીબોની દયાજનક ગરીબાઇ અને રાષ્ટ્રની કંગાલિયનનો અંત આવી જતો નથી.
કોઇએ (અલબત વિપક્ષી ચિંતકે) તો એવી ટકોર કરી છે કે, ગર્દભો પર વિદેશી માર્કાની મ્હોર મારી દેવાથી કે એમને ‘રોલ ગોલ્ડ’નાં પાણીએ ન્હવડાવી દેવાથી તે ‘રેસ’ના પાણીદાર અશ્ર્વો બની જતાં નથી!
કહે છે કે આપણા દેશનાં રાજકીય ક્ષેત્રમાં આવા પ્રયોગો થતાં પ્રયોગો થતાં રહ્યા છે!
આ સરકાર, જેને કેન્દ્ર સરકાર કે ભાજપ પ્રેરિત એનડીએ સરકાર કહેવાને બદલે ‘મોદી સરકાર’નું હુલામણું નામ અપાયું છે તે ગત પાંચ વર્ષ સુધી આ દેશ ઉપર રાજ કરી ચૂકી છે.
ગત ‘જન્માષ્ટમી પર્વ’ની ઉજવણી વખતે આપણા દેશના અમુક રાજપુરુષોએ શ્રીકૃષ્ણ અને ચાણકયને આપતા દેશના રાજકીય પ્રવાહોના ઉપલક્ષ્યમાં યાદ કર્યા હતા અને તેને લગતી સમીક્ષા પણ કરી હતી.
સમીક્ષકે એવી ટકોર કરી હતી કે, ‘કૃષ્ણની પૂજા ઘણી કરી લીધી, હવે એમ જીવવાનું શરુ કરી દેવું પડશે, ને એના વિના છૂટકો જ નથી અર્થાત કોઇ વિકલ્પ નથી!’
આપણો દેશ અત્યારે અધાર્મિકતાના અનુ અનાચારના પડકારો વચ્ચે ઉભો છે.
આંતકવાદી તોડફોડને પણ પાછળ રાખી દે એટલી હદે રાજકીય પક્ષોમાં તોડફોડ કરવાની રીતસર સ્પર્ધા ચાલી રહી છે. અને પક્ષાંતર કરાવવાની હલકટાઇએ માઝા મુકી છે.
સંસદ સભ્યો રીતસર આ દેશને લૂંટતા હોવાનો અને પોતાના જ વર્તન દ્વારા બળ આપી રહ્યા હોવાનો ઉકળાટ આખો દેશ અનુભવે છે. ગરીબો તો કોઇ મા-બાપ એના સાતેય દીકરા લૂંટારા બનીને પોતાના દેશની આબરુના કાંકરા કરતા હોય એવો વલોપાત કરે છે. અહીં વધુ પીડાની વાત તો એ છે કે દેશના ગામડે ગામડે લોકો મોંધવારીના રાક્ષસ તેમજ ગરીબાઇની વેદનાથી ગળે આવી જઇને એમ કહેવા લાગ્યા છે, અત્યારના શાસકો કરતાં તો રાજાઓના રાજ સારાં હતા. અંગ્રેજી રાજ પણ ગુલામીના કલંક વચ્ચેય ચઢિયાતા હતા.
ખુદ રાજવી પરિવારો તેમના સાલિયાણા કરતાં અનેક ગણી રકમ ભ્રષ્ટાચારમાં અને લાંચરૂશ્વતમાં ઓહિયા કરી લેવાતી હોવાની બળતરા દર્શાવી તે પાછા ચાલુ કરી દેવાની માંગણી કરતા થઇ ગયા છે.
આવી માંગણી સંબંધમાં તેમનો સંઘ વિચાર વિર્મશ કરીને કાનૂની જંગ તથા પ્રજાકીય ચળવળ (આંદોલન) નો તખ્તો રચી રહ્યા હોવાની હિલચાલ કરી રહ્યા છે. આમ તો રાજાશાહી કરતાં લોકશાહી શાસન પઘ્ધતિ અનેક ગણી ચઢિયાતી ગણાઇ છે. પરંતુ રાજકર્તા અને રાજપુરૂષોએ એને વિવિધ રીતે ચૂંચી નાખતાં જબરી નવાજૂનીની શકયતા દ્રષ્ટિગોચર થયા વિના રહેતી નથી. કોઇ કયાંય સલામત નથી અને કોઇપણ ક્ષેત્રે કશું જ લીલુંછમ નથી. હવે આ દેશમાં વર્તમાન રાજકારણમાં જગડા, તકરાર, ફજીયાખોરી, દેકારો અને મારામારી- અશાંતિ તથા પક્ષાંતર ખેચતાણ હવે જાણે સામાન્ય થઇ ગયા છે. ગરીબાઇએ માઝા મૂકી છે. ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ ‘દલા તરવાડી’ની જેમ પોતાના ઠાઠમાઠને નિર્લજજ રીતે વધારવાના ઠરાવો પસાર કરે છે.
આપણે ત્યાં લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી રાજકીય પક્ષોનાં મહાગઠબંધનની રચનાથી હિલચાલ થઇ હતી. પુરતુ તે રાજકીય અને નિજી સ્વાર્થના ચક્રાવા વચ્ચે નિષ્ફળ ગઇ હતી.
ચૂંટણી-પ્રથા અને તેની ગતિવિધીઓ મતદાન મશીનોની પવિત્રતા અંગે વિપક્ષોએ ઉકળાટ ઠાલવ્યો હતો.
આ ઉકળાટ અને આક્રોશ ચૂંટણીપંચ અને છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યા હતા.
વિપક્ષોન એમની વિવિધ રજુઆતમાં સફળતા મળી ન હોતી. ચૂંટણીની અને મતદાનની પ્રક્રિયા પંદર દિવસ સુધી ચાલી, એવી સર્વપ્રથમ આ વખતની ચુંટણી હતી.
બંધારણીય પવિત્રતાની અને ત્યાયતંત્રની વિરુઘ્ધતા અંગે પણ પ્રશ્ર્નો ઊઠયા હતા.
અત્યારે પણ વિરોધ પક્ષોની નારાજી તીવ્ર સ્વરુપની છે.
સઘળું ચિત્ર નિહાળતાં એમ લાગી રહ્યું છે કે, હાલની બહુપક્ષી લોકશાહી પઘ્ધતિના શાસનના સ્થાને બે કે ત્રણ જ રાજકીય પક્ષોની લોકશાહી પઘ્ધતિનું શાસન આપણા દેશમાં લાવ્યે જ છૂટકો થશે. જો અત્યારની શાસને પ્રથામાં ફેરફાર અને ચૂંટણી ધારામાં સુધારા નહિ કરાય તો આ દેશમાં લોકશાહી અનિષ્ટો તથા સંભવત: હિંસાખોરીના દોજખમાં ધકેલાશે!
આગામી પાંચ વર્ષમાં ભારતને ‘વિશ્ર્વગુરુ’ના સ્તરે પહોંચાડી દેવોનો વડાપ્ર્રધાનનો થનગનાટ જો ‘એકાત્મતા’ નહિ પામે તો એ માત્ર સપનું જ રહી જશે એમ કહ્યા વિના છૂટકો નથી!