મેડિકલના વિદ્યાર્થીઓને ભયમૂકત રીતે અભ્યાસ કરવા સૂચન કરાયું
જામનગર શહેરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ગરીબ વિદ્યાર્થીને શ્રીમંત નબીરાઓએ મારમારી હોસ્ટેલમાંથી કાઢી મૂકયાની રેગીંગની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. મંગળવારે સાંજે જિલ્લા કલેકટર મેડિકલ કોલેજ દોડી ગયા હતા અને મેડિકલના તમામ વિદ્યાર્થી્રઓને સંબોધતા જણાવ્યું હતુ કે, જિલ્લા પર ખરાબ અસર કરનાર આ ઘટનામાં કોઈપણ ચમરબંધીને છોડાશે નહી.
પ્રાપ્ત વિગત અનુસાર જામનગર એમ.પી. શાહ મેડિકલ કોલેજનાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના વિદ્યાર્થી પાર્થ સુરેશભાઈ રાઠોડને હોસ્ટેલમાં એસ.જી. ગ્રુપના લોકોએ સામાન ફેંકી મારમારી હોસ્ટેલમાંથી કાઢીમૂકી ફોન પર બિભત્સ ગાળો આપ્યાની રેગીંગની ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં હલચલ મચી ગઈ હતી.
મંગળવારે જિલ્લા કલેકટર રવિશંકરે તાત્કાલીક મેડિકલ કોલેજમાં દોડી આવી તમામ વિદ્યાર્થીઓને ભયમૂકત કરવા સંબોધન કર્યું હતુ. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, આ જિલ્લા પર ખરાબ અસર પાડનારી ઘટના છે. આ મામલે કોઈને છોડવામાં નહી આવે, આવા બનાવ ન બનવા જોઈએ તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, આવા તત્વો મારા રડારમાં આવ્યા તો કાનુની પ્રક્રિયાથી બચી શકશે નહી તેમણે વિદ્યાર્થીઆને રેગીંગ કે કોઈપણ તકલીફ હોય તો તેમનો પર્સનલ સંપર્ક કરવા જણાવ્યું હતુ.