બિહારમાં ‘તેજસ્વી’ તારલો!!!
આગામી ૧૦ વર્ષમાં તેજસ્વી યાદવની એક અલગ જ ઓળખ મળશે જોવા: લોકોનો પ્રેમ અને ભરોસો તેજસ્વી ઉપર અત્યંત વધુ
બિહારમાં પેટાચુંટણીના ત્રણ તબકકામાં મતદાન થયેલું છે ત્યારે આવતીકાલ ૧૦મી તારીખે બિહારની ચુંટણીનું પરિણામ સામે આવશે. હાલની પ્રાપ્ત માહિતી મુજબ આરજેડી બિહારની ચુંટણીમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરશે તેવું એકઝીટ પોલમાં સામે આવ્યું છે જયારે બીજા સ્થાન પર બીજેપી અને ત્રીજા સ્થાન પર જેડીયુ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. બિહારમાં ત્રીજા તબકકાનું મતદાન પુરુ થતા અનેકવિધ એકઝીટ પોલો જાહેર કરવામાં આવી રહ્યા છે જેમાં આરજેડી એટલે કે રાષ્ટ્રીય જનતા દળનું પલ્લુ ભારે હોવાનું પણ સામે આવ્યું છે. લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વીને લોકચાહના ખુબ વધુ પ્રમાણમાં મળી રહી છે. કયાંકને કયાંક બિહારનો નવો તારલો તેજસ્વી યાદવને માનવામાં આવે છે. તેજસ્વીના પિતા લાલુપ્રસાદ યાદવ દ્વારા જે ઘાસચારો કૌભાંડ આચરવામાં આવ્યો હતો છતાં પણ બિહારના લોકોનો ઝુકાવ તેજસ્વી તરફનો જોવા મળે છે. નીતિશકુમાર કે જે જેડીયુ પક્ષ તરફથી ચુંટણી લડી રહ્યા હતા તેઓએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમના માટે આ ચુંટણી છેલ્લી પેટાચુંટણી સાબિત થશે.
ભાજપે આ પૂર્વે જેડીયુ સાથે ગઠબંધન કર્યું હતું જેનું કારણ એકમાત્ર એ હતું કે તે સમયગાળા દરમિયાન જેડીયુનું વર્ચસ્વ બિહારમાં નિતીશકુમારના કારણે વધુ પ્રમાણમાં જોવા મળતું હતું ત્યારે હાલ આરજેડીમાં તેજસ્વી યાદવે પોતાના અનુભવ અને કુનેહથી લોકો વચ્ચે રહેવા માટે જે નિર્ણય લીધેલો છે તેનાથી તેનો સીધો જ ફાયદો ભાજપની પેટાચુંટણીમાં આરજેડીને મળશે. સાથો સાથ નિતીશના અસ્ત સાથે ભાજપને પેટાચુંટણી ફળશે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે. બિહારમાં મુખ્યમંત્રીપદ માટેના જે દાવેદારો છે તેમાં તેજસ્વી યાદવને ૪૪ ટકા લોકો પસંદ કરે છે જયારે ૩૩ ટકા લોકો નિતીશકુમાર ઉપર પોતાની પસંદગી રાખી છે. ચિરાગ પાસવાન અંગે જો વાત કરવામાં આવે તો માત્ર ૭ ટકા લોકો જ તેની તરફેણમાં જોવા મળે છે. એકઝીટ પોલ પ્રમાણે બિહારની પેટાચુંટણીમાં આરજેડી દ્વારા ચલાવવામાં આવતા મહાગઠબંધનને વિજય મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આરજેડીની જીત નિશ્ર્ચિત થતી હોવાની સાથે જ તેજસ્વી યાદવે પાર્ટીના કાર્યકરોને ઉજવણી ન કરવા જણાવ્યું હતું. સાથો સાથ તેમનું પ્રજા પ્રત્યેનું હકારાત્મક વલણ તેમનો લોકપ્રિય બનાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થયું છે.
તેજસ્વી યાદવના જણાવ્યા મુજબ ચુંટણી પરિણામ આરજેડી તરફેણનનું આવે તો પણ અન્ય પાર્ટીઓની હાર માટે ઉજવણી ન કરવા પણ સુચવવામાં આવ્યું છે. એવી જ રીતે પાર્ટીના કાર્યકરોને ૧૦મી તારીખ એટલે આવતીકાલના રોજ હેડ કવાર્ટર ખાતે પણ એકત્રિત ન થવા જણાવાયું છે. આજે તેજસ્વી યાદવનો જન્મદિવસ હોવાના કારણે તે તેનો જન્મદિવસ પણ અત્યંત સાદગીથી મનાવવા માટેનું આહવાન અને નિર્ણય જણાવ્યો હતો. આરજેડીના કાર્યકરોનું માનવું છેે કે લાલુપ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાંથી મુકિત મળશે. આરજેડીના મહાગઠબંધનનું માનવું છે કે આરજેડી ૧૨૨ બેઠકનો મેજીક આંકડો પાર કરી બિહારની સત્તાની બારડોળ સંભાળશે.