નીતીશ કુમારની આગેવાનીમાં મમતા બેનર્જી અને અખિલેશ યાદવ સાથે સફળ બેઠક : યુપી, બિહાર અને બંગાળની 162 બેઠકો ઉપર વિપક્ષી એકતાનું ગણિત લગાવાયું
લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે, પરંતુ 2024ની ચૂંટણીના જંગ માટે રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે વિપક્ષી એકતાના ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે. નીતીશ કુમારની આગેવાનીમાં મમતા બેનર્જી અને અખિલેશ યાદવ સાથે સફળ બેઠક યોજાઈ છે. વિપક્ષી એકતાનો ઝંડો ઝલનાર નીતીશ કુમાર હાલ મોદીનો વિકલ્પ બની રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તાજેતરમાં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે દિલ્હી પહોંચ્યા હતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. ત્યારબાદ હવે તેઓ કોલકાતા પહોંચ્યા અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા. આ પછી તેઓ સીધા લખનૌ પહોંચશે જ્યાં તેઓ યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા હતા.
આ ત્રણેય નેતાઓની બેઠક 2024ની લોકસભા ચૂંટણી માટે પણ મહત્વની છે કારણ કે આ ત્રણેય રાજ્યો કેન્દ્રમાં સરકારની રચનાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 80 લોકસભા બેઠકો યુપીમાંથી, 40 બિહારમાંથી અને 42 બંગાળમાંથી આવે છે, જેનો અર્થ છે કે આ ત્રણ નેતાઓ 545 સભ્યોની લોકસભાની 162 બેઠકો માટેની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે.
સપાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે યુપીમાં પોતાના ગઠબંધન સાથે એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. એટલે હવે તેને વિપક્ષી છાવણીમાં સામેલ કરવા નીતીશ કુમારે તેમની સાથે બેઠક કરી હતી.
સપા તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે હવે તે કોંગ્રેસ પર નિર્ભર છે કે તે ભાજપને હરાવવા શું કરશે. આવી સ્થિતિમાં નીતીશ કુમારની આ બેઠક અખિલેશ યાદવને અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે એક થઈને ચૂંટણી લડવા માટે મનાવવાના પ્રયાસનો ભાગ છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની સાથે અન્ય કેટલાક નેતાઓ પણ વિપક્ષી પાર્ટીઓને એક છત્ર હેઠળ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન અને ભારત રાષ્ટ્ર સમિતિના વડા કે ચંદ્રશેખર રાવ, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને પણ 2024ની ચૂંટણી પહેલાં વિપક્ષી એકતાની હિમાયત કરી છે. હૈદરાબાદમાં તેલંગાણાના સીએમ કેસીઆરની પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓએ પણ ભાગ લીધો હતો.
નીતીશ કુમારની છબી સ્વચ્છ, મોદીના વિકલ્પ તરીકે એકમાત્ર નેતા!
નીતીશ કુમાર જે હાલ બિહારના મુખ્યમંત્રી છે. તેઓ સ્વચ્છ છબી ધરાવે છે. હાલના સમયમાં મોદીના વિકલ્પ તરીકે તેઓ એકમાત્ર નેતા છે. જેડીયુંએ બીજેપી સાથે પોતાનું ગઠબંધન તોડી પાર્ટીના વિકાસની પાંખો ફેલાવી છે. ખાસ વાત એ છે કે નીતીશ કુમાર પણ મોદીની જેમ જ જીવન વિતાવી રહ્યા છે. તેઓ એકમાત્ર સેવાના ઉદ્દેશ સાથે રાજકારણમાં આવ્યા હોવાનું કહે છે.
કોંગ્રેસ પાસે પીએમ પદનો ચેહરો જ નથી!
કોંગ્રેસ ધીમે ધીમે ઢીલું પડી રહ્યું છે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ છે. પંજાબ અને રાજસ્થાનની ઘટના તેનું મોટુ ઉદાહરણ છે. તેવામાં અનેક નેતાઓએ કોંગ્રેસમાં પીએમ પદના ચહેરા તરીકે રાહુલ ગાંધીને જાહેર કર્યા છે. જો કે રાહુલ ગાંધી પીએમ પદના ચહેરા તરીકે સર્વ સ્વીકૃતિ ન મેળવી શકે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.