દોષિત પવનની ક્યુરેટીવ પીટીશન વડી અદાલતે ફગાવી : પટીયાલા હાઉસ કોર્ટે ચૂકાદો સુરક્ષીત રાખ્યો
નિર્ભયા કાંડના દોષિતોને આવતીકાલે સવારે ૬:૦૦ વાગ્યે ફાંસીના માચડે લટકાવવામાં આવે તેવી પ્રબળ શકયતા જોવામાં આવી રહી છે. દોષિત પવનની ક્યુરેટીવ પીટીશન વડી અદાલતે ફગાવી દીધા બાદ દોષિત પવને રાષ્ટ્રપતિને દયાની અરજી કરી છે. બીજી તરફ દોષિત અક્ષય અને પવન તરફી પટીયાલા હાઉસ કોર્ટમાં ફાંસી પર સ્ટે લગાવવાની અરજી ઈ છે. દરમિયાન પટીયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસમાં દોષીત પવનની ફાંસીની અરજી પર રોક લગાવવાની અરજીનો ચુકાદો સુરક્ષીત રાખતા અનેક તર્ક-વિતર્ક રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટ આજે નિર્ભયાના ચાર દોષિતોમાં સામેલ પવન ગુપ્તાની ક્યુરેટિવી પિટીશન ફગાવી દીધી છે. પવને ફાંસીને આજીવન કેદમાં બદલવાની માંગણી કરી હતી. તેના વકીલ એપી સિંહે ઓપન કોર્ટમાં સુનાવણીની માંગણી કરી હતી. આ વિસે જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી ૫ જજની બેન્ચે કહ્યું કે, સજા પર પુન:વિચાર વિશે કોઈ સવાલ જ ઉભો થતો નથી. પટિયાલા હાઉસ કોર્ટે ત્રીજુ ડેથ વોરન્ટ જાહેર કરીને ચારેયને ફાંસી આપવા માટે ૩ માર્ચની તારીખ નક્કી કરી છે. રવિવારે તેના વકીલ એપી સિંહે કહ્યું હતું કે, આ કેસ મોતની સજા સાથે જોડાયેલો છે, તેથી તેની પિટીશન વિશે ઓપન કોર્ટમાં સુનાવણી થવી જોઈએ.
આ પહેલાં શનિવારે દોષી અક્ષય સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અપીલ કરીને ૩ માર્ચે થનારી ફાંસી પર સ્ટે આપવાની માંગણી કરી હતી. તે વિશે કોર્ટે તિહાર જેલ પ્રશાસનને નોટિસ આપીને ૨ માર્ચ સુધી જવાબ આપવા કહ્યું હતું. અક્ષયે અરજીમાં કહ્યું હતું કે, તેણે નવી દયા અરજી રાષ્ટ્રપતિને મોકલી છે અને તે વિશે હજી કોઈ નિર્ણય આવ્યો નથી. તેના વકીલના જણાવ્યા પ્રમાણે ગઈ દયા અરજીમાં પૂરતા તથ્યો નહતા, તેથી તે ફગાવવામાં આવી હતી.
નિર્ભયાની માતા આશાદેવીએ આજની સુનાવણી પહેલાં કહ્યું છે કે, હું કોર્ટની નિષ્ક્રિયતાના કારણે દુખી છું. સમગ્ર દુનિયા જોઈ રહી છે કે, વકીલો કેવી રીતે કોર્ટમાં ફાંસી પર અમલ નથી થવા દેતા. આરોપીઓએ ફાંસીના બે દિવસ પહેલાં જ અરજી કરી છે. હું જાણવા માંગુ છું કે, સુપ્રીમ કોર્ટ આટલો સમય કેમ લઈ રહી છે. જ્યારે નિર્ણય થઈ ગયો છે તો અમલમાં સમય ન થવો જોઈએ. નિર્ભયાના ચારેય દોષિતોમાંથી માત્ર પવન પાસે જ કાયદાકીય વિકલ્પ બાકી છે. બાકીના ત્રણ દોષિતો વિનય, મુકેશ અને અક્ષય તેમના બધા વિકલ્પોનો ઉપયોગ કરી ચૂક્યા છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે
- પવનની સગીર હોવાની અરજી અને તેના વિશેની ક્યુરેટિવ પિટીશન ફગાવી દીધી છે.
પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતો માટે ત્રીજુ ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. પરંતુ આરોપીઓ દ્વારા કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ૨ વાર ફાંસી ટાળી દેવામાં આવી છે. હવે ફાંસીની નવી ચારીખ ૩ માર્ચ છે. પરંતુ દોષિતોના વકીલ એપી સિંહે દાવો કર્યો છે કે, લખી રાખો, આ તારીખે ફાંસી નહીં થાય. કારણકે લૂંટનો એક કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. અદાલતના ઘટનાક્રમ બાદ હવે આવતીકાલે નિર્ભયાના દોષિતોને ફાંસીના માચડે લટકાવાશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે દોષીતોને ફાંસી આપવાનો તખ્તો ઘડાઇ ચુકયો છે ત્યારે વકીલોના પેંતરાના કારણે ફરીથી ફાંસીની તારીખ ફરી જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.