વિશુધ્ધતા વિના દેશનો કે ગુજરાતનો વિશુધ્ધ વિકાસ અસંભવ
આપણો દેશ વિવિધતાઓનો દેશ છે. આપણે જુદા જુદા ધર્મો પાળીએ છીએ. જુદી જુદી ભાષાઓ બોલીએ છીએ. આપણી જમવાની ટેવો અને જીવનધોરણ જુદા જુદા છે. છેલ્લી ઘણી સદીઓથી આપણે ઈતિહાસના જુદા જુદા પાસાંઓનાં સાથી રહ્યા છીએ. સ્વતંત્રતા માટેના સંઘર્ષે આ વિવિધતાઓને એક મજબૂત સાંકળમાં જકડી લીધી છે. ‘વિવિધતામાં એકતાનું સૂત્ર આપણા હૃદયોમાં દ્દઢ પણે કોતરાઈ ગયું છે. આનો દરેક શબ્દ એટલે બલિદાન, કુરબાની, દશાભિમાન અને દેશના ભાવિમાં દ્દઢ આસ્થા….
ગાંધીજીએ સૈનિકોનું એક અજોડ લશ્કર ઉભું કર્યું હતુ, જેની પાસે શસ્ત્રો ન હોતા. હિંસા વિષે વાત કરવાની પણ તેમણે મનાઈ કરી હતી. એમના આ લશ્કરનું શસ્ત્ર અહિંસા હતું.
ગાંધીજીએ આપેલી વીરતાની આ એક નવી વ્યાખ્યા હતી. ગાંધીજીમાંની લોકોની શ્રધ્ધાએ વકીલોને વકીલાત કરતા અટકાવી દીધા હતા. વિદ્યાર્થીઓએ તેમની શાળા, કોલેજો છોડી દીધા અને બધા જેલોમાં ભરતી થવા માંડયા. ખેડુતોએ તેમનાં ખેતરો છોડી દીધા. કામદારોએ કારખાનાઓ છોડી દીધાં. આ સંઘર્ષનાં છેલ્લા દિવસોમા પરિસ્થિતિ એટલી હદે પહોચી કે ભારતીય નૌકાદળ સાથે કામ કરનારા યુવાનોએ બળવો કર્યો. આખો દેશ બધી જાતના બળવાને નિહાળી રહ્યો હતો. સંઘર્ષનાંએ દોરમાં સામ્રાજયવાદનાં મૂળ હચમચવા લાગ્યા હતા.
જો ગાંધીજીનું નેતૃત્વ હોય અને દેશના સામાન્ય માનવીઓનો ઉપર દર્શાવ્યો તેમ સબળ અને સ્વયંભૂ ટેકો હોય તો સ્વાતંત્ર્ય પ્રાપ્તી જેવું લક્ષ્ય પણ સિધ્ધ બની શકે એ વાતનું આ ઉદાહરણ છે.
ગાંધીજીની નમે આ દેશમાં રામ રાજય લાવવાની હતી. પરંતુ રાજનેતાઓ અને રાજકર્તાઓની બુધ્ધિ બગડી અને ભ્રષ્ટાચારના રાક્ષસ એને નડયો. મતિભ્રષ્ટતા શિક્ષણથી માંડીને સંસ્કૃતિ સુધી પહોચી ગઈ. રાજકીય ક્ષેત્રે તો આખા સમાજ અને સમૂળગા રાષ્ટ્રને છિન્નભિન્ન કરી દે એટલી હદે સડો પેસી ગયો…
છેલ્લા કેટલાક વરસોમાં ભ્રષ્ટાચાર અને શ્રેણીબધ્ધ કૌભાંડોએ વૈશ્ર્વિક્સ્તર પર ભારતની આબરૂને એટલી હદે ખરડાવી નાંખી છે કે તેની અસર દેશના વિશાળ અર્થતંત્ર ઉપર પણ પડી રહી હોવાનું નિષ્ણાંતો માને છે. આજથી છ વર્ષ પૂર્વે આંતરરાષ્ટ્રીય નાણા બજારમાં અમેરિકી ડોલરની સરખામણીએ ભારતીય રૂપીયાનું જે મૂલ્ય હતુ તેમાં અત્યારે ચિંતાજનક હદે વીશ ટકા જેવો ઘટાહો થઈ ચૂકયો છે. આમા વિવિધ કારણોસર વૈશ્ર્વિક સ્તર પર ભારતની મુશ્કેલીઓ ક્રમશ: વધી જ રહી છે.
બીજીબાજુ આપણા દેશમાં અત્યારે જબરી નવાજૂનીનો માહોલ પ્રવર્તે છે. રાજકીય ક્ષેત્રે તો આશ્ર્ચર્યજનક ઘટનાઓ બની રહે છે. સુરજ પૂર્વમાં ન ઉગે અને પશ્ર્ચિમમાં ઉગે તો એને ન ભૂતો ન ભવિષ્યતિ જેવું કેક બન્યું એમ કહેવું જ પડે ! હડકાયો કૂતરો માણસને બટકુ ભરે અને લોહી કાઢે તો માણસને બદલે કુતરાને હડકવા થાય એ પણ ઓછુ નવાઈજનક ન જ કહેવાય…!
આખા વિશ્ર્વમાં વૈશ્ર્વિકકરણનો પવન ફૂંકાયો તે વખતથી હમણા સુધી વિશ્ર્વની માનવજાત કોઈ રીતે એક થઈ નથી અને એ કયારેય થશે નહી એવું વિશ્ર્વનું રાજકારણ થઈ ચૂકયું છે. અને હવે પછી એ કૂદકે ને ભૂસકે વણસ્યાના ચિહ્નો નજરે પડે છે. કલ્પનામાં ન આવે એવી સનસનાટીઓ થતી રહી છે. જયાં જયાં નજર કરીએ છીએ ત્યાંબ ધે જ અવનવી નવાજૂનીઓ થતી રહી હોવાનું જોઈ શકાય છે. શાંતિ ઉપર અશાંતિ ૧૯૬૨માં ચીન જે રીતે ભારત પર આક્રમણ કરીને તેના વિશાળ પર કબ્જો જમાવીને બેઠુ છે. તેમ લગભગ બધે જ અશાંતિનો વ્યાપ વધતો ચાલ્યો છે. અને અશાંતિની સ્થિતિ અનાથ જેવી બની ગઈ છે!
આમ અકલ્પનીય ઘટનાઓ આપણા દેશને સ્તબ્ધ કરતી રહી છે. આજ રીતે રાજકારણમાં કે સામાજીક ઢાંચામાં ઉલ્ટુ સુલ્ટુ બની રહ્યું છે.
આપણા શાસકોને એવા પ્રશ્ર્નો પછાય છે કે, મોંઘવારીનો ઉકેલ ન લાવી શકયા, ભાવ વધતા ન અટકાવી શકયા, ઉત્પદન વધારીને અથવા જરૂર જોગુ બહારથી લાવીને અછત ઓછી ન કરી શકયા પણ છતે પૈસે માલ ન મળે તે સ્થિતિનો ઉકેલ પણ નથી લાવી શકયા માણસને જીવવું છે. એટલે જાત વેચીને પણ માણસ જીવવાનો, પણ જાત વેચતા ય માલ તો મળવો જોઈએ ને !
જાહેર ક્ષેત્રોમાં ઉત્પાદન વધારી શક્યા નથી. ખાનગી ઉદ્યોગોમાં વધારાવી શક્યા નથી. વેપારીઓને માઠું લગાડી શકયા નથી અને માતબર તથા મધ્યમ વર્ગના સુખી ખેડુતો સાથે બગડી ન બેસે એની જ ચિંતામાં રહ્યા છો. એટલે છતે અનાજે વેપારી કે ખેડૂત સરકારને અનાજ નથી આપતા. કારણ કે સસ્તામાં વેચવા રાજી નથી, ત્યારે ખુલ્લા બજારમાં ખુશીથી ઢગલા કરે છે, કારણ કે મોં માંગ્યાં દામ ત્યાં મળે છે, એટલે કે , પરિસ્થિતિ ઉપર તમારી પકડ જ નથી.
આમ બેકારી, મોંઘવારી, અછત, ભાવવધારો, વહેંચણી વગેેરે એક પણ બાબતમાં તમે લોકોને સંતોષ આપી શકયા છો? અને સૌથી મોટી તે આર્થિક, સાંયોગિક અને સરકારી હાડમારી ને હાલાકીમાંથી પ્રજાને આશાયેશ આપવા તમે શું કર્યું?
આ બધો ઉકળાટ દર્શાવે છે કે, સામાન્ય પ્રજામાં અસંતોષ અને અશાંતિ હવે ચરમસીમાએ પહોચ્યા છે. દેશની આવી પરિસ્થિતિના મૂળમાં ભ્રષ્ટાચારનો રાક્ષસ છે. મહાત્મા ગાંધી જેવા સુકાની નથી.
જમાનો બદલાયો છે.
પણ સમસ્યાઓ ઉમેરાતી રહી છે.
અહી એવો સવાલ ઉઠે છે કે, ભ્રષ્ટાચારના કાળમુખા કલંકને શું વડાપ્રધાનના સાનિધ્યમાં નર્મદા ઉત્સવની રંગેચંગે ઉજવણીના પ્રકાશમાં નર્મદાના ઘૂઘવતા નીર ધોઈ નાખી શકશે ખરા? કારણ કે વિશુધ્ધતા વિના દેશનો કે ગુજરાતનો વિશુધ્ધ વિકાસ અશકય જ બની રહેશે!