અબતક, રાજકોટ
ચૂંટણી વેળાએ જ રાજકારણમાં નરેશ પટેલની હાઉકલી થઈ છે. પાટીદાર સમાજનો કદાવર ચહેરો ગણાતા નરેશ પટેલે રાજકારણમાં આવવાના સંકેતો આપી દીધા છે. તેઓએ જાહેર કર્યું છે કે જો સમાજ કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. ભાજપ હાલ સતામાં હોય, વજન પણ વધુ હોય ત્યારે ચોરે અને ચોકે તેઓ ભાજપમાં
જોડાશે કે શું? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
છેલ્લા ઘણા સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની અટકળો ચાલતી આવે છે. દરેક ચૂંટણી વખતે આ અટકળો વેગ પકડતી હોય છે. બાદમાં દર વખતની જેમ નરેશ પટેલ આ અટકળોનું ખંડન કરતા હોય છે. પણ આ વખતે ચૂંટણી ટાણે નરેશ પટેલે જાતે પોતે રાજકારણમાં પ્રવેશવાના હોવાના સંકેતો આપી દીધા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ સાથે જ આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત બાદ પાટીદાર સમાજના તમામ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવવા અંગેનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.
સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ, સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય કોઈ વિકલ્પ નહિ હોય: નરેશ પટેલ
પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર ગણાતા ખોડલધામ ખાતે ચૂંટણી સમયે અલગ-અલગ પક્ષોના નેતાઓ આવતા હોય છે. જે અંતર્ગત 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પણ ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ હાલ એક પછી એક ખોડલધામની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે પ્રથમવાર રાજકારણમાં પ્રવેશના સંકેત આપ્યા છે. જેને લઈને રાજકીય પક્ષોમાં નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરવાના પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. અગાઉ નરેશ પટેલે મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી જ હોવા જોઈએ તેવી માંગ કરી હતી. ત્યારબાદ એકાએક વિજયભાઈ રૂપાણીનું રાજીનામુ પડ્યું હતું અને નવા મુખ્યમંત્રી તરીકે પટેલ સમાજમાંથી જ નેતાને બેસાડવામાં આવ્યા હતા. આવુ જોગાનુજોગ બન્યું હતું કે નરેશ પટેલની માંગણીના એટલો વજન હતો. તે હજુ સામે આવ્યું નથી.
ભાજપ અને કોંગ્રેસ બન્ને તરફથી મોટા કમિટમેન્ટ સાથે નરેશ પટેલને આમંત્રણ?
નરેશ પટેલને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તરફથી મોટા કમિટમેન્ટ સાથે આમંત્રણ મળી ગયા હોવાના અહેવાલો મળ્યા છે. અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ તેઓને મળ્યા હતા. આ પણ એક આમંત્રણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ તેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બીજી બાજુ હાર્દિક પટેલ દ્વારા પણ તેઓને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
આંદોલન વેળાએ પાટીદારો ઉપર થયેલા કેસ પાછા ખેંચવા મામલે સાંજે મુખ્યમંત્રી સાથે બેઠક
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની અગાઉ ગુજરાત સરકારે ખાતરી આપી હતી. એમ છતાં તમામ કેસો પાછા ના ખેંચાતાં પાટીદાર સમાજમાં અસંતોષ છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની આજે સાંજે 6.00 વાગ્યે બેઠક યોજાશે.આ બેઠકમાં કોઈ નિર્ણય લેવાય તેવી પ્રબળ શકયતા છે.