યુવાવસ્થામાં પ્રવેશ્યા બાદ મુસ્લિમ યુવતી પોતાની મરજીથી લગ્ન કરી શકે છે: હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
પરિવારજનો અને સંબંધીઓની ઈચ્છા વિરુદ્ધ એક હિન્દુ છોકરાએ 17 વર્ષની એક મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. આ મુદ્દે હાઇકોર્ટે પોલીસને આ કપલને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, યૌનઅવસ્થામાં પહોંચ્યા બાદ મુસ્લિમ યુવતી કોની સાથે લગ્ન કરવા તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે. જો સંબંધ બરાબરીનો હોય તો બીજા કોઈને પણ હસ્તક્ષેપ કરવાનો કોઈ જ અધિકાર નથી.
હવે એક તરફ દેશભરમાં યુવતીની લગ્નની લઘુતમ વય મર્યાદા 21 કરવા અંગે ગતિવિધિઓ ચાલુ છે ત્યારે બીજી બાજુ મુસ્લિમ પર્સનલ લો મુજબ કોઈ પણ યુવક કે યુવતી યૌવન અવસ્થામાં પ્રવેશ્યા બાદ કોની સાથે લગ્ન કરવા તે અંગેનો નિર્ણય લેવા સક્ષમ છે અને તેમાં પરિવારજનો કે અન્ય કોઈ ઓણ ત્રીજી વ્યક્તિ દખલ કરી શકે નહીં.
અન્ય મહત્વપૂર્ણ પાસું એ પણ છે કે, દેશમાં કોઈ પણ પુખ્તવયની વ્યક્તિને લગ્ન માટેના પાત્રની પસંદગી તેમજ પુખ્તવયની વ્યક્તિને લગ્ન કરવાનો બંધારણીય અધિકાર આપવામાં આવ્યો છે ત્યારે હવે લગ્નની 21 વર્ષની વયે મર્યાદાનો કાયદો અમલી બનાવવા માટે મુસ્લિમ લો અને બંધારણીય અધિકારો બંને ક્યાંક બાધારૂપ સાબિત થાય તેવું હાલના તબક્કે સ્પષ્ટ લાગી રહ્યું છે.
મામલામાં જજ જસ્ટિસ હરનરેશ સિંહ ગિલે કહ્યું, ’કાયદો સ્પષ્ટ છે કે મુસ્લિમ યુવતીના લગ્ન મુસ્લિમ પર્સનલ લો દ્વારા થાય છે. સર દિનશાહ ફરદુનજી મુલ્લાના પુસ્તક ’પ્રિન્સિપલ્સ ઑફ મોહમ્મડન લો’ની કલમ 195 મુજબ, પિટિશનર નંબર 1 (છોકરી) 17 વર્ષની ઉંમરની હોવાથી તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સક્ષમ છે. અરજદાર નંબર 2 યુવતીની સાથીની ઉંમર આશરે 33 વર્ષની હોવાનું કહેવાય છે. જો કે અરજદાર નંબર 1 મુસ્લિમ પર્સનલ લો મુજબ લગ્નપાત્ર વયની જ છે.
ન્યાયાધીશ જસ્ટિસ ગિલે કહ્યું, ’અરજીકર્તાઓની આશંકાઓ દૂર કરવાની જરૂર છે. માત્ર એટલા માટે કે અરજદારોએ તેમના પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, તેથી તેઓને બંધારણના મૂળભૂત અધિકારોથી વંચિત કરી શકાય નહીં.
અરજદારના વકીલે દલીલ કરી હતી કે, મુસ્લિમ કાયદા હેઠળ એવું માનવામાં આવે છે કે વ્યક્તિ 15 વર્ષની ઉંમરે પુખ્ત બને છે. વકીલે એવી પણ દલીલ કરી હતી કે, મુસ્લિમ છોકરો અથવા મુસ્લિમ છોકરી યૌનઅવસ્થામાં પ્રવેશ્યા પછી તેની પસંદગીની કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે અને તેમના પરિવારના સભ્યોને દખલ કરવાનો કોઈ અધિકાર નથી.
મુસ્લિમ લો યૌવન અવસ્થામાં લગ્નની આપે છે છૂટ!!
મુસ્લિમ સમાજમાં સર દિનશાહ ફરદુનજી મુલ્લાના પુસ્તક ’પ્રિન્સિપલ્સ ઑફ મોહમ્મડન લો’ને અનુસરવામાં આવે છે. જેની કલમ 195માં સ્પષ્ટપણે યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યા બાદ યુવક કે યુવતી લગ્ન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, યુવતીને જ્યારે માસિક ધર્મ શરૂ થઈ જાય ત્યારે તેને યૌવન પ્રાપ્ત થયું તેમ ગણવામાં આવે છે ત્યારે તે નિયમ મુજબ કોઈ પણ મુસ્લિમ સમાજની યુવતી 15 વર્ષ બાદ લગ્ન કરવા માટે સ્વતંત્ર છે.
પુખ્ત વ્યક્તિને પોતાની મરજીથી લગ્ન કરવાનો બંધારણીય અધિકાર!!!
ભારત દેશના બંધારણમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પુખ્ત વ્યની વ્યક્તિ પોતાની સહમતીથી લગ્ન કરવાનો અધિકાર ધરાવે છે. ત્યારે 18 વર્ષ કે તેથી વધુનો યુવક કે યુવતીને લગ્ન કરવાની સ્વતંત્રતા બંધારણ જ આપે છે. ત્યારે હવે બંધારણીય અધિકાર યુવતીના લગ્નની લઘુતમ વયને 21 કરવાની જોગવાઈ માટે ચોક્કસપણે બાધારૂપ બને તેવી શકયતા છે. ત્યારે હવે આ કાયદો અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારની પણ ચોક્કસ કસોટી થનારી છે.