પૂર્વ સૈનિક અને લોકસભા ઉમેદવારને સેનામાંથી ડીસમીસ,ભ્રષ્ટાચાર કે દેશ પ્રત્યે બિન વફાદારીને લઇ જવાબ મંગાવાયો
વારાણસી બેઠકે દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને આ બેઠક ચર્ચાનું કારણ બને તે સ્વાભાવિક છે. કારણ કે, દેશના પ્રધાનમંત્રી ફરીથી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે સેનાના પૂર્વ સૈનિક મેદાને પડ્યા છે. ત્યારે આ બેઠક દેશની સૌથી હાઇપ્રોફાઇલ બેઠક છે. પરંતુ આ બેઠક માટે એવા સમચાર સામે આવી રહ્યા છે. જેને લઈને વિપક્ષની મુશ્કેલી વધી શકે છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેમજ પૂર્વ સૈનિક તેજબહાદુરની ઉમેદવારી ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. કારણકે ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે.
લોકસભાની ચૂંટણીમાં ચોકીદારનો મુદ્દો ચર્ચાસ્પદ છે ત્યારે પ્રધાનમંત્રી મોદી સામે જ એક ચોકીદાર એટલે કે, બીએસએફના પૂર્વ જવાન તેજબહાદુરે ઉમેદવારી કરી છે. વારાણસી બેઠક પરથી પહેલા તેજબહાદુરે અપક્ષ ઉમેદવારી કરી અને ત્યાર બાદ સમાજવાદી પાર્ટીએ તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા છે ત્યારે દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે. પરંતુ તેજ બહાદુરની ઉમેદવારી પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. ચૂંટણી પંચે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજબહાદુર યાદવને નોટિસ ફટકારી છે અને એક મે સુધીમાં તેમની પાસેથી જવાબ માગવામાં આવ્યા છે.
ભ્રષ્ટાચારના આરોપમાં કરાયા છે સસ્પેન્ડ વાત જાણે એમ છે કે, તેજબહાદુરે બે વખત ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જેમાં પ્રથમ ફોર્મમાં તેમને ભ્રષ્ટાચારના આરોપીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે જ્યારે બીજા ફોર્મમાં આ વિગત દર્શાવી નથી. જેને લઈને તેમનું ફોર્મ કેમ રદ ના કરવુ તેવી નોટિસ ફટકારવામાં આવી છે.
તેજ બહાદુર યાદવ બીએસએફના એ જ જવાન છે. જેમણે જવાનોને મળતા હલ્કી ગુણવત્તાના ખોરાક વિશે સવાલો ઉઠાવ્યા હતા. તેજ બહાદુર યાદવે સેનાના જવાનોને મળતા ભોજનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા તેમને ફરજમાં બેદરકારી મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
એવામાં તેજબહાદુરે જણાવ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રી સુધી રજૂઆત પહોંચાડવા માગતા હતા પરંતુ ઉલ્ટી તેમને જ સજા મળી. આ ઘટના બાદ તેજબહાદુર યાદવે પ્રધાનમંત્રી સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને જેને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા.
વારાણસી બેઠક પર તેજ બહાદુરની ચર્ચાએ જોર પકડતા સમાજવાદી પાર્ટીએ પણ પોતના ઉમેદવાર શાલિની યાદવનું નામ પરત ખેંચીને તેજબહાદુરને ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારે સવાલ એ છે કે પ્રધાનમંત્રી સામે મજબુત મનાતા એકમાત્ર ઉમેદવારના ઉમેદવારી ફોર્મ પર સંકટના વાદળો ઘેરાતા વિપક્ષ મુશ્કેલીમાં મુકાયું છે.