વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી20 સમીટમાં ભાગ લેતા પૂર્વે કેથલિક ચર્ચના પ્રમુખની મુલાકાત લેશે, તેઓને ભારત આવવા નિમંત્રણ પાઠવે તેવી પણ શકયતા
અબતક, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે 8.30 વાગ્યે વેટિકન ખાતે કેથલીક ચર્ચના પ્રમુખ પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરશે. મોદી દ્વારા આવતા વર્ષની શરૂઆતમાં ગોવા વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તેમજ વર્ષ 2024ના 400 પ્લસ બેઠકના મિશનને સફળ બનાવવા માટે ખ્રિસ્તી સમુદાયને આકર્ષવા માટેનું આ મહત્વપૂર્ણ પગલું છે.
વડાપ્રધાન પોપને ભારત આવવાનું આમંત્રણ પણ આપી શકે છે. સંઘ સાથે જોડાયેલા કેટલાક લોકોના વિરોધને કારણે થોડા સમય માટે પોપની મુલાકાત પેન્ડિંગ રહી હતી. ભાજપ ખ્રિસ્તી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. ખાસ કરીને કેરળમાં મોટા પાયે ખ્રિસ્તી સમુદાય છે. જ્યાં પાર્ટી પગદંડો જમાવવાનો પ્રયાસ કરી રહી છે. ખ્રિસ્તીઓ પરંપરાગત રીતે કોંગ્રેસને મત આપે છે. પણ આ મુલાકાત બાદ ખ્રિસ્તીઓ પણ ભાજપ તરફ વળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલથી 2 નવેમ્બર દરમિયાન વિદેશ મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ ઈટાલીની મુલાકાતે જશે અને 16મી જી20 સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત યુકેના ગ્લાસગો ખાતે સીઓપી-26 સમિટમાં પણ વૈશ્વિક નેતાઓની સાથે તેઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીના રોમ ખાતે 30-31 ઓક્ટોબરે યોજાનારી જી20 સમિટમાં ભાગ લેશે.
ઈટાલીના વડાપ્રધાન મારિયો દ્રાગીએ પીએમ મોદીને નિમંત્રણ આપ્યું છે. આ સમિટમાં જી20 દેશોના વડા હાજર રહેશે. તેમાં યુરોપીયન યુનિયન દેશોનો સમાવેશ છે અને અન્ય આમંત્રિત દેશો અને વૈશ્વિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. વડાપ્રધાન આ સતત 8મી જી20 સમિટમાં હાજરી આપશે. આ સમિટ વૈશ્વિક આર્થિક સહયોગ માટેનું આ મહત્વનું મંચ બની ગઈ છે. ભારત સૌપ્રથમ 2023માં જી20 સમિટનું આયોજન કરશે એટલે કે યજમાન બનશે.
ખ્રિસ્તી સમુદાયના કોંગ્રેસના મત તોડવા ભાજપે ચોગઠા ગોઠવી દીધા
કોંગ્રેસ લઘુમતી સમુદાયના મતના આધારે રાજકારણમાં ટક્યું છે. પણ હવે લઘુમતી મત ખેંચવા માટે પણ ભાજપે પ્રયાસો શરૂ કરી દીધા છે. તેમાં પણ ખાસ ખ્રિસ્તી સમુદાયના કોંગ્રેસના મત તોડવા માટે ભાજપે ચોગઠા ગોઠવી દીધા છે. વધુમાં સોનિયા ગાંધી પણ ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા હોય તેઓ આ સમુદાયના મતનો લાભ લેતા હતા પણ ભાજપે આ સમુદાયના મત મેળવવાના પ્રયાસો પોપ સાથે મુલાકાત ગોઠવીને શરૂ કરી દીધા છે.
પોપ સાથેની મુલાકાત ખ્રિસ્તી દેશો સાથે ભારતને નજીક લઈ આવશે
પોપ ફ્રાન્સિસ ખ્રિસ્તી સમુદાયમાં ખૂબ માન સન્માન ધરાવે છે. તેઓની સાથેની મુલાકાત સફળ રહે તો અનેક ખ્રિસ્તી દેશો સાથે ભારત વધુ ગાઢ સંબંધ બનાવી શકે છે. ખાસ કરીને યુરોપ અને અમેરિકાના દેશો સાથે ભારતના સબંધ જેટલા મજબૂત બને તેટલો અર્થતંત્રને ફાયદો છે. આ દેશો વ્યાપાર વધે તે માટે પણ સબંધો મહત્વનો ભાગ ભજવવાના છે.