જો મેરેથોનમાં પાછી પાની થશે તો ‘પાડાના વાંકે પખાલીને ડામ’ રાજુ જૂંજા
રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી મ્યુ.કોર્પોરેશન અને સહયોગી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ફેબુઆરી મહિનામાં યોજાતી મેરેથોનમાં આ વર્ષે મ્યુ.કોર્પોરેશનના સત્તાધીશો મેરેથોન અંગે મગનું નામ મરી પાડતા નથી. તેથી મેરેથોન યોજાશે કે નહીં એ અંગે રાજકોટમાં શહેરીજનો અને સ્પર્ધકો અવઢવમાં મુકાયા છે. ગત વર્ષે મેરેથોનના ખર્ચ અંગે મનપાના અધિકારીઓ પદાધિકારીઓ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપો થતા આંતરીક જૂથવાદ બહાર આવ્યો હતો. અંદરો-અંદરની ખેંચતાણના પગલે રાજકોટના શહેરીજનોનો આનંદ ઉલ્લાસ ન છીનવાઈ તે જ‚રી છે. આ બાબતે મ્યુ.કમિશ્નરે તાત્કાલીક સ્પષ્ટતા કરી દેવી જોઈએ તેવી સામાજીક અગ્રણી રાજુભાઈ જુંજા અને કિશોરભાઈ વિરમગામાએ માંગણી ઉઠાવી છે. આ વખતની મેરેથોનમાં કોર્પોરેશન દ્વારા વધુ સંખ્યા ભેગી કરવાની લ્હાયમાં આયોજન ન બગડે અને મેરેથોનની ગરીમા જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જો વહેલી જાહેરાત કરવામાં આવે તો મેરેથોન માટે વધુ સ્પોન્સર મળી રહે તેમજ વિવિધ સંસ્થાઓ મોટા પ્રમાણમાં જોડાઈ શકે તેમ છે. જેથી જેમ બને તેમ વહેલી તકે મેરેથોનની જાહેરાત કરી દેવા લોકમાંગ ઉઠી છે.