શહેરો તો ઠીક ગ્રામ્ય અને પછાત વિસ્તારની પ્રજાનું વેકસીનેશન પુરપાટ ઝડપે કરવાનો લક્ષ્યાંક
મનસુખ માંડવિયાએ ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો ચાર્જ સાંભળ્યાની સાથે જ કોરોનાની ત્રીજી લહેર સામે પ્રજાને સુરક્ષિત કરવા વેકસીનરૂપી કવચ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચાલુ વર્ષના અંત સુધીમાં દેશના તમામ પુખ્તવયના લોકોને કોરોના કવચથી સુરક્ષિત કરી દેવાનો સરકારનો લક્ષ્યાંક છે જેના માટે ફક્ત વેકસીનની સપ્લાય જ નહીં પરંતુ વેકસીનેશન કેન્દ્રો તેમજ વેકસીન લેનારાઓની સંખ્યામાં વધારો કરવો જરૂરી છે. ખાસ તો ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં વેકસીનેશનની પ્રક્રિયા પુરપાટ ઝડપે થાય તેવું આયોજન કરવું પડશે. જેના માટે માંડવિયાએ આયોજનબદ્ધ પગલાંઓ ટૂંક સમયમાં જ લેવા પડશે. હાલ માંડવીયાએ ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં વેકસીનેશન અંગે જાગૃતતા લાવવા માટે કાર્યક્રમો ઘડવા સૂચના આપી દીધાનું પણ જાણવા મળી રહ્યું છે.
દેશના હજુ અનેક રાજ્યો જેવા કે, અરૂણાચલપ્રદેશ, રાજસ્થાન, કેરળ, મણિપુર અને મેઘાલયમાં દરરોજ પોઝિટિવ રેટ ખૂબ ઊંચો છે જેને કાબૂમાં લેવો પડકારજનક છે ત્યારે આ રાજ્યોમાં કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે પણ પગલાંઓ લેવા પડશે.
મનસુખ માંડવિયાને આરોગ્ય મંત્રાલય સોંપવા પાછળનો મોદી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે કે, જે રીતે કોરોનાબી પહેલી અને બીજી લહેરને કારણે દેશમાં કોહરામ મચ્યો હતો તેવી સ્થિતિ ફરીવાર સર્જાય નહીં અને દેશના અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે દોડવા લાગે.
બ્લેક ફંગસ માટે 6 લાખ ઇન્જેક્શન આયાત કરાશે, ૧૦ દિવસમાં ડિલિવરી મળી જશે: આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા
ગુજરાત અને દેશના અન્ય રાજયો માટે સરકારે ૬ લાખ ઇન્જેક્શન ઈમ્પોર્ટ કરવાનું નક્કી કર્યું છે, જે ૧૦ દિવસમાં આવી જશે તેમ ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા બે દિવસથી ભાવનગર જિલ્લાના પ્રવાસે છે.ગ્રામ્ય વિસ્તારમાં અસરગ્રસ્તોને મળ્યા હતા. તેમજ કેટલાક પોર્ટને નુકસાન થયું છે. તેવા સ્થળની પણ મુલાકાત કરી હતી. અને જે પરિવારના વાવાઝોડાના કારણે મોત થયા છે. તેમની પણ મુલાકાત લીધી હતી. મનસુખ માંડવીયાએ સિવિલ હોસ્પિટલની મુલાકત લીધી હતી.
મુલાકાત બાદ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં કલેકટર, કમિશનર, ડીડીઓ સિવિલ સર્જન અને મેડિકલ કોલેજના ડીન હાજર રહયા હતા. આજે કેન્દ્રીય મંત્રીની અધિકારીઓ સાથે ખાનગી બેઠક ચાલુ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, તેમની ગ્રાન્ટમાંથી ભાવનગર હોસ્પિટલમાં મ્યુકર્માઈકોસિસની સર્જરી માટે સાધનો વસાવવા ૭૫ લાખની ગ્રાન્ટ ફાળવી છે.
ત્રીજી લહેરથી દેશને સુરક્ષિત બનાવવા ઘટતું કરવા માંડવિયાને છુટ્ટો દોર
વડાપ્રધાન મોદીને દેશમાં ત્રીજી લહેર કહેર મચાવે નહીં તેની ચિંતા સતાવી રહી છે. બીજી લહેર શાંત પડયા બાદ ફરીવાર લોકો કોરોના ગાઈડલાઇન્સના પાલનમાં ક્યાંક ઉણા ઉતરી રહ્યા હોય ત્યારે લોકોની આ બેવકૂફી ક્યાંક ત્રીજી લહેરને નોતરું ન આપે તે ચિંતા પણ વડાપ્રધાનને સતાવી રહી છે. ત્યારે વડાપ્રધાને કેબિનેટ વિસ્તરણ બાદની પ્રથમ બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે, હાલના સમયમાં બેદરકારીને કોઈ સ્થાન નથી.
એક નાની ભૂલ કોરોના સામેની લડાઈમાં આપણને નબળા બનાવી શકે છે ત્યારે લહુબ ઝડપથી લોકોને રસી આપવી પડશે. તે સમયમાં આ જવાબદારી મનસુખ માંડવિયાના શિરે છે. વડાપ્રધાને કોરોના સામેની લડાઈમાં લોકોને સુરક્ષિત કરવા જે કંઇ ઘટતું હોય તે કરવા માટેની છૂટ આપી છે.