ગુજરાતભરમાં ફિલ્મ સામે ભારે વિરોધ : હાઇકોર્ટમાં રિલીઝ ઉપરનો સ્ટે એક દિવસ લંબાવાયા બાદ આજે વધુ સુનાવણી
બોલિવુડના સુપરસ્ટાર આમીર ખાનના દીકરા જુનૈદ ખાનની લોન્ચિંગ ફિલ્મ ‘મહારાજ’ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે થયેલી રિટમાં હાઇકોર્ટે રિલીઝ ઉપરનો સ્ટે એક દિવસ લંબાવ્યા બાદ આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. તેવામાં આ ફિલ્મને હાઇકોર્ટની લીલીઝંડી મળે છે કે નહીં તેના ઉપર સૌની મીટ છે.
યશરાજ ફિલ્મ્સ તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ ધારદાર દલીલ કરી હતી કે,‘આ ફિલ્મ કાનૂની ઇતિહાસ પર આધારિત છે અને આ ઇતિહાસ ભૂંસી શકાય નહીં. ‘મહારાજ લાયબલ કેસ’ ભારતીય કોર્ટના ઇતિહાસનો ભાગ છે અને એ વર્ષોથી પુસ્તક અને હવે ઇન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ છે. ત્યારે તેના આધારે જ બનેલી ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં.’ પ્રોડ્યુસર્સ તરફથી થયેલી દલીલો બાદ અરજદાર પક્ષે દલીલો શરૂ થઇ છે અને વધુ સુનાવણી આજે બુધવારે જસ્ટિસ સંગીતા વિષેનની કોર્ટ સમક્ષ થશે.
આ કેસની સુનાવણીમાં સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ એવા મુદ્દા ઊભા કર્યા હતા કે,‘ફિલ્મની રિલીઝના કલાકો પહેલા અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરીને સ્ટે લીધો છે. અરજદારોએ 12મી જૂનના રોજ મંત્રાલયને પત્ર લખ્યો હતો અને માત્ર 24 કલાકમાં એવી દલીલ કરી હતી કે તેમની રજૂઆતમાં કોઇ પ્રત્યુત્તર મળ્યો નથી. તેમને જો વિષય અને ફિલ્મનો વાંધો હતો તો તેમણે અગાઉથી વાંધો રજૂ કરીને કાર્યવાહી કરવી જોઇતી હતી. તેઓ આટલા વખત શું ઉંઘી રહ્યા હતા. તેઓ હાઇકોર્ટ સમક્ષ સાફ હાથે આવ્યા નથી. અભિવ્યક્તિની સ્વંતત્રતા 19-1(એ) હેઠળ આપવામાં આવેલી છે અને એને વિશિષ્ટ સંજોગો સિવાય અવરોધી શકાય નહીં. ફિલ્મ્સ અને અખબારો વાણી સ્વાતંત્ર્યના દાખલા છે.’
આ ફિલ્મ ‘મહારાજ લાયબલ કેસ’ પર આધારિત છે અને આપણે એ ચુકાદાથી સમંત થઇએ કે નહીં પરંતુ એ ચુકાદો અસ્તિત્વમાં છે અને ભારતના કાયદાકીય ઇતિહાસનો એક ભાગ છે, જેને આપણે ભૂંસી શકીએ નહીં. આ ચુકાદો અને અન્ય સામગ્રી ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. ભગતસિંહ સહિતના આઝાદીના લડવૈયા, આઇએનએ ટ્રાયલ વગેરે ચુકાદા આપણને ન ગમે એ સ્વાભાવિક છે, પરંતુ એ તમામ કાનૂની ઇતિહાસનો ભાગ છે ત્યારે આવા કાયદાકીય ઇતિહાસના તથ્યોના ફિલ્માંકન પર પ્રતિબંધ ફરમાવી શકાય નહીં.
રોહતગીએ દલીલ કરી હતી કે,‘મુળજી નામના પત્રકારે એક લેખ લખ્યો હતો અને એમાં મહારાજ નામના સંતનો ઉલ્લેખ હતો કે એ વ્યભિચારી જીવન જીવે છે. તેથી સંતે બદનક્ષીનો દાવો કર્યો હતો. પરંતુ એ બદનક્ષીનો દાવો બોમ્બે કોર્ટે રદ કર્યો. આ ચુકાદો ભારતની કોર્ટનો હતો, જેના જજ બ્રિટિશરો હતો. હવે ભલે એ બ્રિટિશ જજો હોય પરંતુ કોર્ટ તો ભારતની જ હતી.’
મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે,‘બેંડિટ ક્વિન ફિલ્મમાં ફૂલન દેવી પર થયેલા દુષ્કર્મ સહિતના અત્યાચારના દ્રશ્યોનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. ત્યારે તેનો વિવાદ થતાં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો ચુકાદો ફેરવી આપતાં કહ્યું હતું કે કલાકાર સમાજમાં થતી ઘટનાઓનું ફિલ્માંકન કરે છે. ફિલ્મમાં દુષ્કર્મ સહિતના દ્રશ્યો અગમ્ય છે, પરંતુ જે સમાજમાં થયું એનું જ એ ફિલ્માંકન છે.’
મોરબી વૈષ્ણવ ભકતોએ મહારાજ ફિલ્મના વિરોધમાં કલેકટરને આપ્યું આવેદન
યશરાજ ફિલ્મના બેનર હેઠલ અભીનીત અમીરખાનના દિકરા જુનેદખાનની પ્રથમ ફિલ્મ મહારાજમા પોસ્ટર અને સ્ટોરીને લઈ વૈષ્ણવ સમાજની લાગણી દુભાય છે અને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. મોરબી વૈષ્ણવ ભકતોએ કલકેટરને આવેદન આપી યશરાજ ફિલ્મના ડાયરેકટર અને મહારાજ ફિલ્મના તમામ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવા માંગ કરી છે.