૧૫૦૦ કરોડ રૂપિયા નહીં મળે તો કંપનીને લાગી શકે છે તાળા: ત્રણ માસથી પગાર ન મળતા ૧૧૦૦ પાયલોટો દ્વારા હડતાલની ચિમકી
ઘણા સમયથી જેટ એરવેઝને લઈ અનેક અટકળો સામે આવી રહી હતી જેમાં જેટ એરવેઝ ફરી સઘ્ધર થશે કે કેમ? તે પણ એક પ્રશ્ર્ન ઉભો થયો હતો પરંતુ સોમવારનો દિવસ જેટ એરવેઝ માટે ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. બેંકોએ ૧૫૦૦ કરોડ રૂપિયાની મદદ માટે જેટની મેનેજમેન્ટ પાસેથી એક નવી દરખાસ્ત માંગી હતી. આ મુદ્દે બંને પક્ષકારો સોમવારે બેઠક યોજવાના છે તેના પરીણામ પર એર લાઈન્સના કર્મચારીઓના વલણનો આધાર રહેશે. રવિવારે પાયલોટ સંગઠને પહેલા એવી જાહેરાત કરી હતી કે, તેમના દ્વારા સોમવાર સવારે ૧૦ વાગ્યાથી તેઓ વિમાન નહીં ઉડાવે.
આ નિર્ણય બાદ પછી એવું નકકી કરવામાં આવ્યું કે, બેંકોની બેઠક જે સોમવારના રોજ યોજાવાની છે તેના પર રાહ જોવામાં આવશે. દરમિયાન રવિવારે જેટના માત્ર ૫ થી ૬ વિમાને જ ઉડ્ડયન કર્યું હતું. જેટ એરવેઝના ૧૬૦૦ પાયલોટમાંથી ૧૧૦૦ પાયલોટ નેશનલ એવીયેટર ગીલ સાથે જોડાયેલા છે અને કહી શકાય કે જેટના પાયલોટ તથા એન્જીનીયરો અને સિનિયર મેનેજમેન્ટને જાન્યુઆરી માસથી વેતન મળ્યું નથી.
જેટ એરવેઝે શાર્ક અને એશિયન દેશોની ફલાઈટ અનિશ્ર્ચિત મુદત સુધી બંધ કરી દીધી છે. પશ્ર્ચિમી દેશોમાં લંડન, પેરીસ, એમ્સટડન્ટ અને ટોરેન્ટો માટે ૧૬ એપ્રીલ સુધી કોઈ પણ ફલાઈટ ઉપલબ્ધ રહી નથી. એર લાઈન્સે આ અંગે રવિવારની બેઠકમાં માહિતી આપી હતી. આ પહેલા કંપનીએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય ફલાઈટ સોમવાર સુધી બંધ રાખવાનો પણ નિર્ણય લીધો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ એમ્સટડન્ટ માટે ૧૮ એપ્રીલ અને પેરીસ માટે ૧૦ જુન સુધી ટીકીટ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. રેટીંગ એજન્સી ઈકરાના વાઈસ પ્રેસીડેન્ટ કિંજલ શાહના જણાવ્યા અનુસાર જેટ એરવેઝના બોઈંગ ૭૩૭ મેકસ-૮ વિમાન ગ્રાઉન્ડેડ થઈ ગયા હોવાના કારણે એર લાઈન્સ ઈન્ડસ્ટ્રીની ક્ષમતામાં ૧૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે ભાડામાં પણ અનેકગણો વધારો જોવા મળ્યો છે તે હજુ વધશે તેવી પણ આશા સેવાઈ રહી છે.
જેટ એરવેઝના ભાવી માટે આજનો દિવસ ખુબ નિર્ણાયક પુરવાર થવાનો છે. એક તરફ કંપનીના સંચાલકો પીએમઓના અધિકારીઓ અને બેંકોના વડાઓ સાથે બેઠક કરી રહ્યા છે. જેમાં કંપનીમાં તાકીદે નવી મુડી ઠાલવવાનો નિર્ણય પણ લેવામાં આવવાનો છે ત્યારે બીજી તરફ નેશનલ એવીયેટર્સના ગીલ્ડના જણાવ્યા અનુસાર ૧૧૦૦ પાયલોટ સોમવારે ૧૦ કલાકથી કોઈ વિમાન નહીં ઉડાડે અને તેઓ હડતાલ પર ઉતરી જશે. કહેવામાં આવે છે કે જેટના શેર વહેંચવા માટે મંગાવવામાં આવેલા બીડમાં ૭ કંપનીઓએ રસ દાખવ્યો હતો ત્યારે બીડને ઓપન કરીને તેની ફાઈનલ પસંદગી કરવાની પ્રોસેસ ૭મી મે સુધીમાં પુરી થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
પીએમઓની દખલગીરી પછી બેંકોની સિન્ડીકેટ તથા સંચાલકો પાસે નવેસરથી ઓપરેશન પ્લાન મંગાવવામાં આવ્યા છે. અધિકારીઓ અને નાગરિક ઉડ્ડયનના સચિવ ખરોલાની બેઠક પછી જેટમાં ૧૫૦૦ કરોડની તાકીદ મુડી ઠલવવાનું વિચારવામાં આવી રહ્યું છે. ઓઈલ કંપનીઓને જેટ ફયુલના પૈસા આપવા માટે તેમજ કેટલાક વિમાનો ફરી લીઝ પર મેળવવા અને લીઝનું ભાડુ ચુકવવા માટે આ અંગેની મંત્રણા કરાશે તેવી પણ ગણતરી થઈ રહી છે ત્યારે કહી શકાય કે જેટ એરવેઝ માટે આજનો દિવસ ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે.
જેટનો સ્ટાફ સ્પાઈસ જેટમાં ૫૦ ટકા પગારે કામ કરવા તૈયાર
જેટ એરવેઝની આર્થિક મુશ્કેલીનો ફાયદો હાલ તેની હરીફ એરલાઈન્સ ઉઠાવી રહી છે. હમણાં સુધી અન્ય એર લાઈન્સના પાયલોટ અને એન્જીનીયરોને વધુ પગાર અને બોનસ આપીને બોલાવતી હતી પરંતુ હવે પાયલોટોને ૩૦ ટકા અને એન્જીનીયરોને ૫૦ ટકા ઓછો પગાર ઓફર કરાઈ રહ્યો છે. સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયામાં નોકરી માટે અરજી કરનારા એક મેઈનટેન્સ એન્જીનીયરે જણાવ્યું હતું કે, જેટ એરવેઝમાં મારું પેકેજ પ્રતિ માસ ૪ લાખનું હતું પરંતુ હવે સ્પાઈસ જેટમાં તેણે રૂ. દોઢ થી બે લાખ સુધીની ઓફર કરવામાં આવી રહી છે.
આ મુદ્દે સ્પાઈસ જેટના એક અધિકારીએ જણાવતાં કહ્યું હતું કે, જેટમાં પગાર ઈન્ડસ્ટ્રીની સરેરાશથી વધુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઓછો પગાર ઓફર કરવાના કારણે અનેક સિનિયર પાયલોટો હજુ જેટ એરવેઝનીનોકરી છોડવા નથી માંગતા જેમાં કો-પાયલોટને જેટમાં પ્રતિમાસ રૂ.૨.૯ લાખનો પગાર મળી રહ્યો છે. જોકે તેઓ રૂ.૨ લાખના પગાર સુધી અન્ય એરલાઈન્સમાં પણ નોકરી કરવા તૈયાર છે. જેટ સિવાય ફકત સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયા પાસે જ બોઈંગ વિમાનો છે જેના કારણે પાયલોટો પાસે નોકરીના વિકલ્પો ખુબ જ ઓછા છે.