ચૂંટણી આવી… ઉમેદવારો પ્રચારમાં ‘ઘેલા’; માસ્ક, સોશિયલ ડિસટન્સના ‘લીરે-લીરા’
કોરોના ગયો હોય તેમ ઉમેદવારો, મતદારોને ઘેર રસોડા બંધ, દરરોજ જલસા: ઠેર-ઠેર “ફૂડ પાર્ટી
સામાન્ય માણસે માસ્ક ન પહેર્યું હોય, તો હજારનો દંડ; રાજકારણીઓને??
જો…જો…ભજીયા, પાઉં-ભાજી, ચાપડી-ઊંધીયું કોરોના ‘ન’ લાવે!!
જીવનું જોખમ; કોરોના વિસ્ફોટને આમંત્રણ નોતરતા ચૂંટણી મેળાવડા
“આર્થિક રાજધાની” પર ફરી કોરોના સંકટ; ગુજરાતમાં “મુંબઈવાળી થશે તો પરિસ્થિતિ કાબુમાં લેવી અઘરી પડશે
કોરોના વાયરસના કારણે ફેલાયેલી વૈશ્ર્વિક મહામારી સામે દુનિયાભરના દેશો ઝઝુમી રહ્યા છે. મહામારીના આ કપરાકાળમાંથી ઉગરવા દરેક રાષ્ટ્રની સરકાર, આતંરરાષ્ટ્રીય સંગઠનો તેમજ વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે. મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ પણ શરૂ થઇ ગઇ છે ત્યારે ભારતમાં પણ ડોઝ આપવાનું જોરોશોરમાં શરુ છે પરંતુ રસીકરણની ઝુંબેશને ચૂંટણી તૈયારીઓ ઝાંખપ આપે તેવી સ્થિતિ સર્જાઇ છે. દેશના ચાર રાજયોમાં વિધાનસભાની ચૂંટણી નો જમ્મુ-કાશ્મીર, પંજાબ બાદ હવે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધી રસીની ‘રસ્સા ખેંંચ’ હતી પરંતુ હવે, ચૂંટણી આવતા કોરોનાની ‘રસ્સા ખેંચ’ શરૂ થઇ હોય તેવું લાગી રહ્યું છે. દેશની ‘આર્થિક રાજધાની’ ગણાતી માયાવીનગરી મુંબઇ ફરી કોરોનાના ભરડામાં સપડાઇ છે. નાની અમથી બેદરકારી મોટું જોખમ સર્જી શકે છે. કોરોનાના કેસો વધતા મુંબઇવાસી ગુજરાતમાં થશે તો પરિસ્થિતિ કાબુમાં લેવી અધરી થઇ પડશે. આ માટે ખાસ ઉમેદવારોએ ‘ભાન’ રાખવી જરુરી છે.
ચૂંટણી આવતા મતદારોને રીઝવવા ઉમેદવારો ઉંઘેકાંઘ થયા છે પરંતુ આમાં ‘ઘેલા’ ઉમેદવારો ‘નો’ માસ્ક, ‘નો’ સોશ્યલ ડીસ્ટન્સ… અમારાથી તો ભગવાન પણ ડરે તો કોરોના શું ચીજ છે!!! તેવું વિચારી નિયમોનો સરેઆમ ઉલાળીયો કરી રહ્યા છે. કોરોના સાવ ચાલ્યો જ ગયો હોય, તેમ ઉમેદવારો, મતદારોને ઘરે રસોડાં બંધ, અને ઠેર ઠેર વિસ્તારોમાં ભજીયાં, પાઉૅ-ભાજી, ઉંઘીયું ચાપડીની ‘ફુડ પાટી’ મનાવાઇ રહી છે. કોરોના હોય તો શું? મેહુના… એનાં ધાટ સર્જી ઉમેદવારો કોરોના વિસ્ફોટને આમંત્રણ નોતરતા ‘ચૂંટણી મેળા વડા’ યોજી રહ્યા છે.
મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ફરી લોકડાઉન
કોઇ સામાન્ય માણસ ભુલે ચુકે…. માસ્ક વગર દેખાય તો ‘હજાર’ રૂપિયાનો દંડ ફટકારાય છે. એટલું જ નહીં હમણાં તો માસ્ક વિનાના એક યુવકને ઢોર માર મરાયો હોવાનો જુનાગઢમાં કિસ્સો સામે આવ્યો હતો.. તો શું રાજકારણીઓને આ નિયમો લાગુ નથી પડતા?? રાજકારણીઓ કેમ સદા દંડમાંથી બાકાત રહી જાય છે. રાજકારણીઓ ચૂંટણી પ્રચારમાં ‘ધેલા’ થયા છે મતદારોને રીઝવવા ભજીયા, પાઉભાજી, ચાપડી ઉંધીયું, આઇસ્ક્રીમ, શરબત જેવા ભોજનની તમને લિજજત કરાવશે પણ મતદારોએ ‘ઉમેદવારો’ની જેમ ‘ઘેલા’ ન થઇ નિયમોનું પાલન કરવું જોઇએ. કારણ કે કોરોનાને ફેલાતા વાર નથી લાગતી એનાથી આપણે સૌ કોઇ જાણકાર છીએ મહારાષ્ટ્રમાં કોરોના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અમરાવતી જિલ્લામાં ફરી એકવાર લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે આ અંગેની જાહેરાત કરતા અમરાવતી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે ૮ વાગ્યાથી સોમવારે સવારે ૭ વાગ્યા સુધી લોકડાઉન અમલી રહેશે. આ સમય દરમિયાન બજારો અને અન્ય મથકો બંધ રહેશે. જો કે, આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહેશે. જ્યારે સમયે યવતમાલમાં લોકડાઉન લાદવામાં આવ્યો નથી, પરંતુ ઘણા નિયંત્રણો મુકવામાં આવ્યા છે. સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર રમતો પણ બંધ રહેશે, જ્યારે ધાર્મિક કાર્યક્રમો માં ફક્ત પાંચ લોકો જ હાજર રહી શકશે. યવતમાલ જિલ્લાની શાળા-કોલેજો ૨૮ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. રેસ્ટોરન્ટ્સ, ફંક્શન હોલ અને લગ્ન સમારોહમાં ૫૦ ટકા જેટલી ક્ષમતામાં લોકો એકઠા થઈ શકે છે. આ સિવાય ૫ કે તેથી વધુ લોકો જાહેર જગ્યાએ એકઠા થઈ શકશે નહીં. રાજ્યમાં બુધવારે કોરોનાના ૪૭૮૭ નવા કેસ નોંધાયા છે, જે વર્ષ ૨૦૨૧માં એક દિવસમાં સૌથી વધુ કેસ છે. ગુરુવારે સવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આ મુદ્દે બેઠક મળી હતી. અજિત પવારે બપોરે મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ અમરાવતી, યવતમાલ અને અકોલા જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી છે અને કોરોના ચેપને લઈને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. યોગ્ય નિર્ણય જલ્દી લેવામાં આવશે.