૧૮ વર્ષના ભારતીય ખેલાડીએ અમેરિકાના ખેલાડી સાથે ૭૮ ચાલ બાદ મૅચ ડ્રૉ કરી હતી : આજે ટાઈબ્રેક મેચ
આર. પ્રજ્ઞાનાનંદ વિશ્વનાથન આનંદ બાદ ચેસની સેમી ફાઇનલમાં પહોંચનાર બીજો ભારતીય બન્યો હતો. ગઈ કાલે પ્રજ્ઞાનાનંદ અઝરબૈજાનમાં રમાતી ફિડે વર્લ્ડ કપની ટુર્નામેન્ટની સેમી ફાઇનલ મૅચમાં અમેરિકાના ખેલાડી ફેબિઆનો કારુઆના સામેની મૅચ ડ્રૉ કરવામાં સફળ થયો હતો. ૧૮ વર્ષના ભારતીય ખેલાડીએ અમેરિકાના ખેલાડી સાથે ૭૮ ચાલ બાદ મૅચ ડ્રૉ કરી હતી.
પ્રજ્ઞાનાનંદ ગઈ કાલે બ્લૅક પ્યાદાં સાથે રમ્યો હતો. હવે ભારતીય ગ્રૅન્ડ માસ્ટ આજે સફેદ પ્યાદાંઓ સાથે રમશે. ગઈ કાલની મૅચ દરમ્યાન ભારતીય ખેલાડી ઘણો દબાણમાં રહ્યો હતો એમ છતાં એ મૅચને ડ્રૉ કરવામાં સફળ રહ્યો હતો. દરમ્યાન વિશ્વનો નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસને સ્થાનિક ફેવરિટ નિજાત અબોસોવને હરાવીને આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાના દાવાને મજબૂત કર્યો હતો.
ચેસ-લેજન્ડ વિશ્વનાથન આનંદે શૅર કરવામાં આવેલા વિડિયોમાં બેહદ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ભારતીય ચેસ માટે આ ઐતિહાસિક પળ છે. દરેક ખેલાડીઓ ખૂબ સારી રીતે જે રમત રમી રહ્યા છે અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.