ઉદારીકરણ બાદ ગરીબી ઘટવાની ઝડપ વધી હતી પરંતુ હવે મંદ પડી
રીઝનલ કોમ્પ્રેહેન્સીવ ઈકોનોમી પાર્ટનરશીપ એટલે કે, આરસીઈપી કરારમાં જોડાવા ભારતે નનૈયો ભણી દીધો હતો. જો કે, ભારતનો આ નિર્ણય ગરીબી નોતરશે ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ભારતમાં ગરીબી દર ૧૯૯૦ થી ૨૦૦૦ સુધીમાં સતત ૩૫ ટકા સુધી ઘટી ગયો હોવાનું અનુમાન છે. પરંતુ ગરીબી ઘટવાની ઝડપ પણ હવે ઘટતી જાય છે. જેની પાછળ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કારણભૂત હોવાનું તાજેતરના એક અભ્યાસ પરી ફલીત થયું છે.
અર્થશાસ્ત્રમાં નોબલ પ્રાઈઝ મેળવનાર અભિજીત બેનર્જી અને અર્થશાસ્ત્રી ઈસ્ર ડુપ્લો દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપારની ગરીબી ઉપરની અસર અંગે વિસ્તૃત છણાવટ થઈ હતી. આ છણાવટ મુજબ આરસીઈપી જેવા કરારના કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધીમી ગતિએ વિદેશી મુડી રોકાણ આવવાની શકયતા હતી. જેના કારણે રોજગારીની તક ઉભી થઈ શકી હોત. બીજી તરફ હરીફાઈના કારણે ગ્રાહકો સુધી સારો માલ પહોંચાડવો બની શકયો હોત. જો કે ભારતે આ કરારી પીછેહટ કરી હતી. જેના કારણે હવે આ તકે હાથમાં રહી નથી.
વર્ષ ૧૯૯૧માં આવેલી આર્થિક ઉદારીકરણની નીતિના કારણે ભારતમાંથી ગરીબી ઝડપી ઘટી હતી. ઉપરાંત ૨૦૦૧ સુધીમાં ૩૫ ટકા સુધી ગરીબીમાં કડાકો બોલી ગયો હતો. પરંતુ હવે ઉદારીકરણમાં મહદઅંશે ફેરફાર થયો છે. જેના કારણે આગામી સમયમાં ભારતમાંથી ગરીબી ઘટવાની ઝડપ પણ ઘટવા પામશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
ભારતમાં ૧૯૯૧ પહેલાની સ્થિતિ સમાજવાદને પ્રેરીત હતી. ત્યારબાદ અમેરિકાની જેમ ઉદારીકરણનો રસ્તો ભારત સરકારે અપનાવ્યો હતો. જો કે, ઉદારીકરણના કારણે અનેક માઠા પરિણામો સમાજવાદ પર પડયા હોવાની વાત કહેવામાં આવે છે. હવે ઉદારીકરણમાં અપાયેલી છુટછાટ જેટલી જ છુટછાટ આરસીઈપીમાં આપવામાં આવે નહીં. જેથી ભારત સરકારે આ કરારમાંથી પીછેહટ કરવાનો નિર્ણય લીધો હતો. સામાન્ય રીતે ભારત સરકારના આ નિર્ણયને સ્થાનિક સ્તરે ખૂબજ આવકાર મળ્યો છે પરંતુ પ્રખર અર્થશાસ્ત્રીઓના મત મુજબ આ નિર્ણય ભારતમાં ગરીબી નોતરી શકે તેવી દહેશત છે.
રીજનલ કોમ્પ્રેહેન્સીવ ઇકોનોમી પાર્ટનરશીપ અંતર્ગત અન્ય દેશો સાથે બેસવાનો ઇન્કાર ભારત દ્વારા કરવામાં આવ્યો હતો. ઉદારીકરણના મુદ્દે ભારતના પગલાની ટીકા થાય તેવી દહેશત વચ્ચે સરકારે આ નિર્ણય લીધો હતો. અન્ય દેશોની માફક આ કરારમાં સ્થાનિક ભારતીયોને કોઇ લાભ નહીં પરંતુ લાંબાગાળાનું નુકસાન હોવાની વાત ઉઠી હતી જેથી સરકારે આ મુદ્દે પીછેહઠ કરી હતી.