પ્રવાસી ભારતીય ટીમ આજે સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી20 ક્રિકેટ મેચમાં રમશે ત્યારે તેની પાસે બે ટારગેટ રહેશે. પ્રથમ તો તેને સિરીઝ સરભર કરવા માટે આ મેચ જીતવી જરૂરી છે અને બીજું આગામી ટી20 વર્લ્ડ કપ અગાઉ પોતાની બોલિંગ ચકાસી લેવી પડશે. મંગળવારે રમાયેલી બીજી ટી20માં સાઉથ આફ્રિકા સામે ભારતીય બોલિંગ નબળી જણાઈ હતી અને ગૃહટીમે વરસાદથી પ્રભાવિત મેચમાં ટારગેટ બદલાયાદ પણ એક ઓવર બાકી રાખીને મેચ જીતી લીધી હતી. જો કે હવે આજે અંતિમ ટી20માં આફ્રિકા સામે ભારતના નવોદિતો પ્રાણ પૂરશે?
ભારત આગામી ટી20 વર્લ્ડ કપ માટે એક મજબૂત ટીમ તૈયાર કરી રહ્યું છે ત્યારે આફ્રિકા સામેની વર્તમાન સિરીઝ ખુબ જ મહત્વની સાબિત થશે
ભારત આગામી ટી20 વર્લ્ડ કપ માટે એક મજબૂત ટીમ તૈયાર કરી રહ્યું છે ત્યારે સાઉથ આફ્રિકા સામેની વર્તમાન સિરીઝ તેના માટે અત્યંત મહત્વની છે. તેમ છતાં અત્યાર સુધી તેને કમસે કમ ટી20 માટે સંતોષજનક પરિણામ મળ્યું નથી. બીજી તરફ ભારતની બેટિંગમાં ખાસ કોઈ સમસ્યા જણાતી નથી. યશસ્વી જયસ્વાલ કે શુભમન ગિલ સારા ફોર્મમાં છે તો સૂર્યકુમાર યાદવ અને રિન્કુ સિંઘે મંગળવારની મેચમાં તેમનું શાનદાર ફોર્મ પુરવાર કરતાં અડધી સદી ફટકારી હતી.
ભારતના ભાવિ બોલિંગ આક્રમણને છેલ્લા ત્રણ સપ્તાહમાં ઝઝૂમવું પડ્યું નહીં હોય તેટલી મહેનત મંગળવારે સાઉથ આફ્રિકન બેટ્સમેન સામે કરવી પડી હતી. ખાસ કરીને લેફ્ટ આર્મ પેસર અર્શદીપ સિંઘ અને તેના સાથી મુકેશ કુમાર સામે ગૃહટીમના બેટ્સમેને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. ઓપનર રેઝા હેન્ડ્રિક્સે પ્રારંભિક ઓવરમાં શરૂઆતમાં 15.50 અને ત્યાર બાદ 11.33ના રેટથી બેટિંગ કરીને ટીમના વિજયનો પાયો રચી દીધો હતો.આવા સંજોગોમાં ભારતીય ટીમે સિરીઝ બચાવવા માટે હવે આકરી મહેનત કરવી પડશે.