ક્રિપ્ટો કરન્સીનું લે-વેચ પ્રતિબંધીત નથી: RBI
ડિજીટલ કરન્સીના વ્યવહાર ગેરકાયદેસર ન હોવાનો આરબીઆઈનો અભિપ્રાય નરોવા-કુંજરોવા જેવો?
દુનિયામાં એક એવો સમય હતો કે જ્યારે કોઈપણ પ્રકારનું ચલણ એટલે કે, મુદ્રા વગર વ્યવહાર થતો હતો ત્યારે વસ્તુના બદલે વસ્તુના વિનીમયથી વ્યવહાર ચાલતો હતો. ત્યારબાદ ધીમે ધીમે ધાતુ અને પછી રાજમહોર વાળી ચલણની વ્યવસ્થા ઉભી થઈ, આજે સમગ્ર દુનિયામાં દરેક દેશો પાસે પોત-પોતાનું ચલણ છે. નોટના આ જમાનામાં હવે ડિજીટલ યુગમાં ક્રિપ્ટો કરન્સીની એન્ટ્રી થઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં ડિજીટાઈઝેશન થઈ રહ્યું છે ત્યારે લેવડ-દેવડમાં પણ સંપૂર્ણપણે બદલાવ આવી રહ્યો છે. મુખ્ય ચલણની સાથે સાથે સમાંતર રીતે ડિજીટલ ક્રિપ્ટો કરન્સીનું પ્રભાવ પણ વધતો જાય છે. ડિજીટલ કરન્સી શું છે અને તે કેવી રીતે કામ કરે છે તેના નફા અને નુકશાનની એક આખી દુનિયા અલગ ઉભી થઈ છે. દરેક રાષ્ટ્રની ચલણ વ્યવસ્થાની સમાંતર ડિજીટલ કરન્સીનું અસ્તિત્વ આવ્યું છે.
બીટ કોઈનથી શરૂ થયેલી ડિજીટલ કરન્સીમાં પણ હવે અલગ અલગ કરન્સીનું ચલણ વધ્યું છે. જો કે, હજુ સમગ્ર દુનિયામાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા મળી નથી. કેટલાંક દેશોએ તેને કાયદેસરતાની માન્યતા આપી છે પરંતુ ભારત સહિતના દેશોમાં હજુ તેને કાયદેસરતા આપી નથી ત્યારે ક્રિપ્ટો કરન્સીના ભારતના રોકાણકારો માટે એક સારા સમાચાર છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2018ના ક્રિપ્ટો કરન્સીના વ્યવહારના પ્રતિબંધને હટાવવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં હાલ ડિજીટલ કરન્સી પર પ્રતિબંધની પરિસ્થિતિ વચ્ચે રોકાણકારો જોખમ ઉપાડીને સાહસીક રીતે રોકાણ કરી રહ્યાં છે. અનિયંત્રીત રીતે વિક્સતી જતી ક્રિપ્ટો કરન્સીનો પરપોટો ક્યારે ફૂટે તે નિશ્ર્ચિત હોતું નથી. તાજેતરમાં જ વિશ્ર્વની સૌથી મોંઘી ગણાતી બીટકોઈન સહિતની કરન્સીમાં ભારે ધોવાણ થયું. ભારતમાં ડિજીટલ કરન્સીના રોકાણની સંખ્યા વધતી જાય છે ત્યારે અત્યારે અસલામત ગણાતા આ રોકાણમાં રોકાણકારો તૂટી પડવા માટે તત્પર બન્યા છે તેવા સંજોગોમાં આ રોકાણ ફળદાયી નિવડશે કે રોકાણકારોને તોડી નાખશે તે તો સમય અને સંજોગો જ બતાવશે. હાલમાં તો ક્રિપ્ટો કરન્સીના વ્યવહારને ગેરકાયદેસર ન હોવાનું પ્રમાણીત કરીને આરબીઆઈએ ડિજીટલ કરન્સી અંગે નરોવા-કુંજરોવાની નિતી અખત્યાર કરી છે.
આરબીઆઈએ સોમવારે એવો નિર્દેશ આપ્યો હતો કે, ક્રિપ્ટો કરન્સીનો વ્યવહાર પ્રતિબંધીત નથી. સુપ્રીમ કોર્ટે આ અંગેના સ્પષ્ટ કરેલા વલણ સામે આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે. અત્યારે તો આરબીઆઈની પરિસ્થિતિ નરોવા-કુંજરોવા જેવી છે. ભારતમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપવાની વિચારણા થઈ રહી છે. તેવા સંજોગોમાં આ વ્યવહાર પ્રતિબંધીત ન હોવાનું રિઝર્વ બેંકે ઠેરવ્યું છે ત્યારે ભવિષ્યમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા મળે તેવા સંજોગો દેખાઈ રહ્યાં છે. દેશમાં ક્રિપ્ટો કરન્સીનું રોકાણ અત્યારે 100 ટકા કાયદેસર માનવામાં આવે છે. હવે આરબીઆઈએ ડિજીટલ કરન્સીના વ્યવહારને પણ કાયદેસર ઠેરવ્યું છે ત્યારે જેબ પેના અવિનાશ શેખરે જણાવ્યું હતું કે, આરબીઆઈના આ નિર્ણયથી ડિજીટલ કરન્સીમાં રોકાણકારોનું રોકાણ વધશે. જો કે, ડિજીટલ કરન્સીમાં કૌભાંડ અને લોકોના પૈસા ડુબી જાય તેવી દહેશતની તલવાર સતત લટકતી રહે છે. અત્યારે આ કરન્સી પર કોઈનું નિયંત્રણ નથી ત્યારે ભારત જેવા નાગરિકોની ખેવના ધરાવતા દેશો માટે ક્રિપ્ટો કરન્સીને છુટો દૌર આપવાનું મન માનતું નથી. જો કે હવે દુનિયામાં ડિજીટલ કરન્સીનો વ્યવહાર વધતો જાય છે ત્યારે ભારતમાં પણ ડિજીટલ કરન્સીના વ્યવહારને કાયદેસરતા આપવાની દિશામાં પગલા ભરાઈ રહ્યાં છે. આજે રિઝર્વ બેંકે ક્રિપ્ટો કરન્સીના વ્યવહારને બિનપ્રતિબંધીત ગણાવીને રોકાણકારોમાં રાજીપો ફેલાવ્યો છે.
ક્રિપ્ટો કરન્સી શુ છે?
આજે જેને જુઓ તે ક્રિપ્ટો કરન્સી પાછળ દોડતા દેખાય છે. ખુબજ ઓછા સમયમાં ક્રિપ્ટો કરન્સીએ નાણાકીય ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ પ્રસ્થાપિત કરી દીધું છે. કેમ કે ક્રિપ્ટો કરન્સીને ડિજીટલ મની અને માત્ર ઓનલાઈન ઉપલબ્ધ હોય તેને ફિઝીકલી લેવડ-દેવડ નથી કરી શકાતી. ક્રિપ્ટો કરન્સીનું ચલણ દુનિયાભરમાં થાય છે અને સરકારનું કોઈ નિયંત્રણ ન હોવાના કારણે કરમાળખુ કે પ્રતિબંધીત વ્યવહારો નડતા નથી. ક્રિપ્ટો કરન્સી અત્યારે ડિજીટલ કરન્સી તરીકે રોકાણ અને વપરાશ માટે આદર્શ બની રહી છે અને તેનો ઉપયોગ પણ વધી રહ્યો છે. બીટ કોઈનથી શરૂ થયેલી ક્રિપ્ટો કરન્સી અત્યારે 1 હજારથી વધુ મુદ્રામાં ઉપલબ્ધ છે. ભારત પણ લક્ષ્મી નામની ડિજીટલ કરન્સી લાવવાની વિચારણા ચાલી રહી છે.
ભારતની ડિજીટલ કરન્સીની દુનિયામાં”લક્ષ્મી” આગમનની તૈયારી
વિશ્ર્વભરમાં અત્યારે ડિજીટલ કરન્સીની વધતી જતી બોલબાલામાં ભારતની પણ પોતાની કરન્સી હોવી જોઈએ તેવા વિચાર સાથે આરબીઆઈ દ્વારા પોતાની ક્રિપ્ટો કરન્સી બનાવવાનું વિચારાઈ રહ્યું છે. લક્ષ્મી કોઈન નામની ભારતીય ડિજીટલ કરન્સીની તૈયારી ચાલી રહી છે. વર્ચ્યુઅલ કરન્સીમાં ભારતની લક્ષ્મીના આગમનની તૈયારીઓની રોકાણકારો પણ ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યં છે. લક્ષ્મીએ સમૃદ્ધિનું પ્રતિક છે ત્યારે વિશ્ર્વભરના ભારતીયો લક્ષ્મીના આગમનની રાહ જોઈ રહ્યાં છે. ભારતમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં ડિજીટલ કરન્સીની દુનિયામાં લક્ષ્મી પણ આવશે.
ભારત સરકાર ક્રિપ્ટો કરન્સીને લઈને વિચારાધીન
ભારત સરકારે સંસદમાં ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશીયલ ડિજીટલ કરન્સી વિધેયક લાવવાનો નિર્ણય કર્યો છે. આ વિધેયક અંગે જોકે હજુ જાહેરાત કરવામાં આવી નથી. આ કાયદો ભારતમાં ક્રિપ્ટો કરન્સીના ઉપયોગને કાનૂની રીતે નિયંત્રીત કરશે. ક્રિપ્ટો કરન્સી પર ભારતના પ્રત્યેક પગલા પર દુનિયાની નજર રહેલી છે. કદાચ આગામી સત્રમાં આ કાયદો રજૂ કરવામાં આવે તેના પર રોકાણકારોની નજર રહેલી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને સ્પષ્ટ કરી દીધુ છે કે, સરકારની નીતિ ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવા પર નથી જ. ખરેખર સરકાર ક્રિપ્ટો કરન્સીના આધાર માટે ટેકનોલોજી બ્લોક ચેઈનને સુરક્ષીત કરવા માગે છે.