ભારત 39 વર્ષથી વિન્ડિઝનો વન ડેમાં વ્હાઈટ વોશ કરી શક્યું નથી: આજે ઈતિહાસ રચવાની તક
અબતક, અમદાવાદ
ભારત અને વેસ્ટ ઈન્ડિંઝ વચ્ચે ત્રીજી અને છેલ્લી વનડે મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેમાં પહેલી બે મેચ જીતીને સિરીઝમાં અજેય લીડ મેળવનારી ભારતીય ટીમની નજર ક્લીન સ્વીપ પર રહેશે. તેવામાં આ મેચમાં દ્રવિડ અને રોહિત બેન્ચ સ્ટ્રેન્થ ચેક કરશે કે એ જ ટીમ સાથે મેચમાં ઉતરશે એ જોવાજેવું રહેશે. તમને જણાવી દઈએ કે ભારત 39 વર્ષથી વનડે સિરીઝમાં વિંડિઝનો વ્હાઈટ વોશ કરી શક્યું નથી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી વનડે સિરીઝ 1984 માં રમાઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી બંને દેશો વચ્ચે કુલ 21 વન-ડે સિરીઝ રમાઈ છે. ત્યારથી લઈને અત્યારસુધી ભારત એક વખત પણ વેસ્ટ ઇન્ડિઝ સામે ક્લીન સ્વીપ કરી શક્યું નથી. જોકે, વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરના ફોર્મેટમાં 3 વખત ભારતનો વ્હાઈટ વોશ કર્યો છે. જેથી ત્રીજી ઓડીઆઈ દરમિયાન, રોહિત એન્ડ કંપની પાસે છેલ્લી મેચ જીતીને ઈતિહાસ રચવાની તક હશે.સિરીઝ પોતાના નામે કરી ચૂકેલી ટીમ ઈન્ડિયા છેલ્લી મેચમાં બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે. કોરોનાથી રિકવર થઈ કમબેક કરી રહેલા શિખર ધવનની પ્લેઇંગ-11માં એન્ટ્રી થશે, જ્યારે શ્રેયસ અય્યરને પણ મિડલ ઓર્ડરમાં તક મળી શકે છે. બીજી મેચ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે ધવન છેલ્લી મેચ રમશે.
તે જ સમયે, લગભગ 6 મહિના પછી ઓડીઆઈ ટીમમાં વાપસી કરનાર કુલદીપ યાદવ પણ યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે. પેસ એટેકમાં પણ શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજની જગ્યાએ દીપક ચાહર અને અવેશ ખાનને પસંદ કરી શકાય છે.2-0થી સિરીઝ હાર્યા પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ છેલ્લી મેચમાં પોતાનું સન્માન બચાવવા મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે પહેલી બંને મેચમાં વિંડિઝની ટીમ ગેમના દરેક વિભાગમાં વેરવિખેર જોવા મળી હતી. વળી શરૂઆતથી જ પ્રેશર આવ્યા પછી ન તો બેટર કંઈ કરી શક્યા ન બોલર વિકેટ લઈ શક્યા હતા. વિંડિઝ ટીમ ભારત આવે એની પહેલા આયર્લેન્ડે 3 મેચની વન ડે સિરીઝમાં પણ વિંડિઝને 2-1 થી હરાવ્યું હતું.