ભારતની મીઠી મૂંઝવણને ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડરો હંફાવશે ?
ટી-20નો જંગ આજથી જામશે
ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ભારતીય ટીમે ધૂળ ચટાવ્યાં બાદ હવે આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 70 હજાર પ્રેક્ષકોની હાજરીમાં ટી-20 મેચનો જંગ જામશે. ઇંગ્લેન્ડની ટીમના ઓલ રાઉન્ડરો ભારતીય ટીમને ટી-20 જંગમાં હંફાવશે તેવો સવાલ ઉદભવી રહયો છે. કારણ કે, ઇંગ્લેન્ડ પાસે વર્લ્ડના શ્રેષ્ઠ ઓલ રાઉન્ડરો છે જેમાં બેન સ્ટોક, મોઇન અલી, જિમી એન્ડરસન સહિતના પીઢ ખેલાડીઓ ભારત માટે અઘરા સાબિત થઈ શકે છે. સામે ભારતીય ટીમમાં ખેલાડીઓની પસંદગી માટે અસમંજસની સ્થિતિ છે. જો કે, ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીએ જણાવ્યું હતું કે, ઓપનિંગની કમાન રાહુલ-રોહિત સંભાળશે તે નિશ્ચિત છે જ્યારે બોલિંગમાં કોની પસંદગી કરાશે તેના પર પ્રશ્નાર્થ છે. ભારતની મીઠી મૂંઝવણને ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડરો હંફાવશે કે કેમ ? તે તો હવે આ પાંચ મેચની સિરીઝ પૂર્ણ થયા બાદ જ કહી શકાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી-20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે 7 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઇન્ડિયા છેલ્લી 7 શ્રેણીથી ટી-20માં અજેય છે. ટીમે છેલ્લે ફેબ્રુઆરી 2019માં કાંગારૂ સામે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં શ્રેણી ગુમાવી હતી. જ્યારે ઇંગ્લેન્ડ સામે તો 2014થી બાઈલેટરલ શ્રેણી ગુમાવી નથી, પરંતુ ટી-20માં ભૂતકાળના રેકોર્ડ અને માભા કરતાં વર્તમાન ફોર્મ અને મોમેન્ટમનું વધુ મહત્ત્વ છે. ટેસ્ટ શ્રેણી પોતાના નામે કર્યા છે પછી યજમાન ફરી એકવાર સ્પિન-ટુ-વિન ફોર્મ્યુલા અપનાવી શકે છે.ભારત આ મેચમાં સિલેક્શનના ટેન્શન સાથે મેદાને ઊતરશે. પ્રથમ ટી-20માટેની પ્લેઈંગ-11માં વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલ જ શ્યોરશોર્ટ સ્ટાર્ટર છે. બીજા ઓપનર માટે શિખર ધવન અને લોકેશ રાહુલ વચ્ચે રેસ જામી હતી. જોકે મેચના એક દિવસ પહેલાં વિરાટે પ્રેસ- કોન્ફરન્સમાં ક્લિયર કરી દીધું છે કે રોહિત અને રાહુલ ફર્સ્ટ ચોઈસ ઓપનર્સ છે, ધવન ત્રીજો ઓપનર છે. જ્યારે મિડલ ઓર્ડરમાં બે સ્થાન માટે ઋષભ પંત, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશાન વચ્ચે રેસ છે. આખી શ્રેણી દરમિયાન મિડલ ઓર્ડરમાં સ્પોટ માટે બધા ધુરંધરો વચ્ચે ઇન્ટેન્સ ફાઇટ જોવા મળશે.
રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં વી.સુંદર, અક્ષર પટેલ અને રાહુલ તેવટિયા વચ્ચે સાતમા ક્રમને પોતાનો કરવા માટેની રેસ જામશે. જો ટીમ મેનેજમેન્ટ ત્રણ સ્પિનર્સ સાથે રમવાનું વિચારે તો આ ત્રણમાંથી બે પ્લેયર્સને અંતિમ-11માં જગ્યા મળી શકે છે. એનાથી ટીમની બેટિંગને પણ સારી ડેપ્થ મળી જશે, તેથી લાગી રહ્યું છે કે કેપ્ટન કોહલી ત્રણ સ્પિનર્સને રમાડી શકે છે.મોટેરા ખાતે સૈયદ મુસ્તાક અલીની મેચોથી એ અંદાજો આવી ગયો કે તાપમાનનો મેચના રિઝલ્ટ પર અને સ્પિનના યુઝ પર સીધો ઈમ્પેક્ટ રહેશે. ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટની 7 નોકઆઉટ મેચમાં એ સ્પષ્ટ થયું કે, પ્રથમ ઇનિંગ્સમાં સ્પિનર્સને બીજી ઇનિંગ્સની સરખામણીએ વધુ ફાયદો થયો. બીજી ઇનિંગ્સમાં ખાસ કરીને ઝાકળ બોલર્સ માટે બોલ ગ્રિપ કરવાનું કામ અઘરું કરશે. સૈયદ મુસ્તાક અલીમાં ફર્સ્ટ ઇનિંગ્સમાં સ્પિનર્સે દર 25 રને એક વિકેટ ઝડપી જયારે બીજી બોલિંગ કરતી વખતે દર 47 રને એક વિકેટ ઝડપી.ભારતની સરખામણીએ ઇંગ્લેન્ડની બેટિંગ લાઈન-અપ વધુ સેટલ્ડ છે. જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ અને ઓઇન મોર્ગન. તેમના ટોપ-6 એકદમ નક્કી છે. જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જોફરા આર્ચર, આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડનનું પણ પ્લેઈંગ-11માં રમવું નિશ્ચિત છે. આર્ચરની ઇન્જરી વિશે સસ્પેન્સ યથાવત છે. એ જોતાં ઇંગ્લેન્ડ પાસે 2-3સ્પોટ ખાલી રહે છે. સાતમા, આઠમા નંબરે મોઇન અલી, સેમ કરનમાંથી કોઈ બેની પસંદગી થશે. અને જો આર્ચર ઈજાગ્રસ્ત હોય તો માર્ક વૂડ અથવા રીસ ટોપ્લેમાંથી એકને તક મળશે.