ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં અગાઉથી જ ઇચ્છા મૃત્યુને મંજૂરી: ભારત પરિસ્થિતિઓને ધ્યાને રાખી ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય

કોઈ વ્યક્તિ કે તેનો પરિવાર મેડિકલ કે અન્ય કોઈ જરૂરી કારણોસર ઈચ્છા મૃત્યુ ઝંખતો હોય તેવા કિસ્સામાં દેશનું બંધારણ આ પ્રકારની ઇચ્છા મૃત્યુને અનુમતિ આપે તેવો કાયદો બનાવવાની જરૂરિયાત ચોક્કસ હવે ભારતમાં પણ ઉભી થઇ છે.

ન્યુઝીલેન્ડમાં રવિવારે સવારે ઈચ્છા મૃત્યુનો કાયદો લાગુ થઈ ગયો છે. આ કાનૂન હેઠળ હવે લોકો પોતાની મરજીથી મૃત્યુ પામી શકે છે. આ પહેલા કોલમ્બિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, લક્ઝમબર્ગ, સ્પેન, નેધરલેન્ડ્સ અને સ્વીત્ઝર્લેન્ડ જેવા દેશોમાં ઈચ્છા મૃત્યુને કાયદામાં સ્થાન મળી ચૂક્યું છે. ન્યુઝીલેન્ડમાં ફક્ત એ લોકોને મૃત્યુની પરવાનગી મળશે, જે ટર્મિનલ ઇલનેસથી પીડિત છે એટલે કે એવી બીમારી જે છ મહિનામાં જિંદગી ખતમ કરી નાખે છે.

ઈચ્છા મૃત્યુ માટે ન્યુઝીલેન્ડમાં ઓછામાં ઓછા બે ડોક્ટરોની સંમતિ અનિવાર્ય છે. આ કાયદાને લાગુ કરવા માટે ન્યુઝીલેન્ડમાં લોકમત લેવામાં આવ્યો હતો જેમાં 65 ટકા લોકોએ આના પક્ષમાં વોટ આપ્યા હતા.

ભારતમાં ઈચ્છા મૃત્યુ અને દયા મૃત્યુ બંને ગેરકાયદેસર છે કેમકે, મૃત્યુનો પ્રયાસ આઈપીસી કલમ 309 અંતર્ગત આત્મહત્યાનો અપરાધ છે. જો કે, હવે આ કાયદામાં ફેરફારની તાતી જરૂરિયાત છે. જે રીતે ન્યુઝીલેન્ડમાં કાયદો પસાર કરવામાં આવ્યો છે તેવી જ રીતે ભારતમાં આ કાયદો લાગુ પાડવાની જરૂરિયાત છે.

અનેક લોકો તેમના જીવનના અંતિમ તબક્કામાં ખૂબ પીડાતા હોય છે. જે લોકો અમુક બીમારીનો શિકાર બન્યા હોય અને તેમનું નિદાન લગભગ અશક્ય હોય તો ફક્ત મૃત્યુશૈયા પર મોતની રાહ જોતા રીબાતા હોય છે અને તેમની આ સ્થિતિ જોઈને તેમનો પરિવાર પણ એક વિયોગથી પીડાતું હોય છે. તે સંદર્ભે આ કાયદો ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે.

ભારતમાં અગાઉ પણ ઈચ્છા મૃત્યુનું ચલણ હતું જ જેનો પુરાવો આપણી પૌરાણિક કથાઓ છે. જે રીતે સતીપ્રથા અંગે દેશના લગભગ લોકો જાણતા જ હશે. તે પ્રથા બીજું કંઈ નહીં પરંતુ એક પ્રકારનું ઈચ્છા મૃત્યુ હ હતું. પતિના વિયોગમાં જિંદગીભર પીડાવા કરતા તેની સાથે જ અનંતમાં લીન થઈ જવાની આ પ્રથા એક સમયે અસ્તિત્વમાં હતી જ. આ વાતનો મતલબ એવો પણ નથી કે, સતી પ્રથા તદ્દન સાચી જ હતી.

બળજબરીથી સતી થવા માટે પરિવાર અને સમાજ દ્વારા દબાણ કરવું તે ચોક્કસ અપરાધ છે. આ બંને બાબતોને અલગ તારવવાની પણ તાતી જરૂરિયાત છે. ઈચ્છા મૃત્યુ પોતાની મરજી પ્રમાણે લીધેલું પગલું છે અને આ પગલું લેવા પાછળ યોગ્ય કારણ છે કે કેમ? તેની ચકાસણી પણ ચોક્કસ થવું જ જોઈએ અને આ પગલું દબાણ લાવીને ભરવા મજબૂર કરાતું હોય તો ચોક્કસ કાર્યવાહી પણ થવી જ જોઈએ.

ન્યુઝીલેન્ડમાં ઈચ્છા મૃત્યુને મુખ્યત્વે બે શ્રેણીઓમાં વિભાજીત કરાયાં છે. પહેલું સક્રિય ઈચ્છા મૃત્યુ  અને બીજું નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. સક્રિય ઈચ્છા મૃત્યુમાં ટર્મિનલ ઇલનેસથી પીડિત વ્યક્તિના જીવનનો અંત ડોક્ટરની મદદથી તેને ઝેરનું ઇન્જેક્શન દેવા જેવું પગલું ભરીને કરી શકાય છે.

નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ એટલે કે જ્યાં ટર્મિનલ ઇલનેસથી પીડિત વ્યક્તિ લાંબા સમયથી કોમામાં હોય ત્યારે સંબંધીની સંમતિથી ડોક્ટર લાઈફ સપોર્ટ ઇકવીપમેન્ટ બંધ કરી દે છે જેથી જીવનનો અંત આવે છે. જોકે, ઘણાં લોકોનું માનવું છે કે સક્રિય હોય કે નિષ્ક્રિય, ઈચ્છા મૃત્યુ એ હત્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.