કાશ્મીરના પૂંછમાં સેનાનું ઓપરેશન ખાત્મો શરૂ: લોકોને ઘરની બહાર ન નીકળવા તાકીદ
આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત : સેનાએ આખા વિસ્તારમાં નજર રાખવા માટે પેરા કમાન્ડો અને હેલિકોપ્ટર કર્યા તૈનાત
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ બિન-કાશ્મીરી લોકોની હત્યા કર્યા બાદ સેના તરફથી પ્રહાર શરૂ થઈ ગયો છે. સુરક્ષાદળે પૂંછ જિલ્લાના મેંઢર વિસ્તારમાં લોકોને ઘરની અંદર રહેવા માટે જણાવ્યું છે. કારણકે છુપાયેલા આતંકવાદીઓને સેના ભાગવા નહીં દે. પાસેના જંગલમાં છુપાયેલા આતંકવાદીઓ પર અંતિમ હુમલાની સેના તૈયારી કરી રહી છે. જે રીતે હવે ભારતે આતંકવાદ વિરુદ્ધ યુદ્ધના મંડાણ કર્યા છે તે એક સંકેત છે કે, હવે ભારત આતંકવાદને જરા પણ શાંખી નહીં લે. એક તરફ સેનાના ૯ જવાનોએ શહીદી વ્હોરી છે તેમ છતાં હવે ભારતીય સેના પીછેહઠ કરવા માંગતી નથી. બીજી બાજુ કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર વર્ષ ૨૦૨૪ની ચુંટણી ફક્ત બે મુદ્દા પર લડનારી છે. જેમાં પ્રથમ મુદ્દો ભારત એક આર્થિક મહાસતા અને બીજો આતંકવાદ પર સંપૂર્ણ લગામ. ત્યારે આતંકવાદનો ખાત્મો કરી દેવા સેનાને પણ છૂટોદોર આપી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આસપાસના વિસ્તારોમાં સ્થાનિક મસ્જિદોમાંથી આ જાહેરાત કરવામાં આવી છે કે લોકો ઘરની અંદર રહે. લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ જંગલ તરફ જાય નહીં અને પશુઓને પણ ઘરમાં જ રાખે. અધિકારીઓએ કહ્યું કે જેઓ બહાર ગયા છે તેઓ પોતાના પશુ સાથે જલદી ઘરે પરત ફરે.
પૂંછ અને રાજૌરીમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવાઈ રહેલું આ અભિયાન નવમાં દિવસમાં પ્રવેશ્યું છે. આ સમગ્ર ઓપરેશનમાં અત્યાર સુધીમાં ૯ સુરક્ષાકર્મી જીવ ગુમાવી ચૂક્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત છે. સેનાએ આ આખા વિસ્તારમાં નજર રાખવા માટે પેરા કમાન્ડો અને હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.
આ વિસ્તાર પહાડી છે અને ગાઢ જંગલ છે, જેના કારણે ઓપરેશન વધુ મુશ્કેલ અને ખતરનાક થઈ ગયું છે. પૂંછના સુરનકોટ વિસ્તારમાં ૧૨ ઓક્ટોબરે થયેલી ગોળીબારીમાં એક જેસીઓ સહિત સેનાના ૫ જવાન શહીદ થઈ ગયા હતા. ૧૪ ઓક્ટોબરે વધુ ૨ જવાન શહીદ થયા હતા અને શનિવારે ૧૬ ઓક્ટોબરે વધુ એક જેસીઓ અને એક જવાનના શબ મળી આવ્યા હતા.
અહીં નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા બિન-કાશ્મીરી વ્યક્તિઓના ટાર્ગેટ કિલિંગમાં અત્યાર સુધી ૧૧ વ્યક્તિઓની હત્યા કરી છે. આતંકીઓ દ્વારા હત્યાકાંડ બાદ પોલીસ દ્વારા પણ આતંકીઓને શોધી શોધીને ઠાર મારવામાં આવી રહ્યા છે. હત્યાકાંડમાં સામેલ ચાર આતંકીઓને પોલીસે ઠાર માર્યા છે. આતંકીઓનો સફાયો કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં આવેલ રાજૌરીના જંગલોમાં સેના દ્વારા ૬ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે અને હજું સર્ચ ઓપરેશન યથાવત છે. મૃત આતંકીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું સામે આવ્યું છે.
કાશ્મીરમાં ભારતીય સેનાએ ૬ આતંકીઓને કર્યા ઠાર
કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી પરિસ્થિતી સૌથી ખરાબ થઈ છે. આતંકીઓ હવે અહીયા સામાન્ય નાગરીકોને ટાર્ગેટ કરી રહ્યા છે. જેથી સેના દપણ હવે તો અહીયા એકશન મોડમાં આવી ગઈ છે અને સેના દ્વારા હવે આતંકીઓને શોધી શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે. મંગળવારે રાજૌરીના જંગલોમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા છ આતંકવાદીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા છે. જોકે હજુ સેનાનું ઓપરેશન ચાલુ છે અને સેના અને આતંકીઓ વચ્ચે મૂઠભેડનાં બનાવો બની રહ્યા છે.
સેનનાં ૧૬ કોર્પસ નાં જવાનો હાલ તો ૩ થી ચાર મોરચે આતંકવાદીઓ સાથે લડી રહ્યા છે. રાજૌરી પૂંછમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સૈનિકોની શહીદી બાદ 16 ઓક્ટોબરે સીડીએસ જનરલ બિપિન રાવત પણ મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે લોકલ કમાંડર્સની મુલાકાત લીધી હતી અને આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન્સની જાણકારી પણ મેળવી હતી.