ઈંગ્લેન્ડની ટીમ 550 રનનો લક્ષ્યાંક ઉભો કરે તેવી શકયતા: ટેસ્ટ જીતવાનું તો દૂર ટેસ્ટ બચાવવો પણ લોઢાના ચણા ચાવવા સમાન
રૂટ ભારતમાં સૌથી મોટી ઈનિંગ્સ રમાનાર ઇંગ્લિશ કેપ્ટન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પણ ઈંગ્લેન્ડે દમદાર બેટીંગના કારણે તોતીંગ સ્કોર ઉભો કર્યો છે. આ તોતીંગ સ્કોર હેઠળ ભારતીય ટીમ દબાઈ જાય તેવી શકયતા છે. ઈંગ્લેન્ડની ટીમ 550 રનનો મોટો લક્ષ્યાંક ઉભો કરે તો ભારત માટે ટેસ્ટ જીતવો તો દુર બચાવવો પણ લોઢાના ચણા ચાવવા સમાન થઈ જશે.
ઈંગ્લેન્ડે રનનો ખડકલો કરતા ભારત ફોલોઓનમાં પણ ઉતરી શકે તેવી દહેશત છે. બીજી તરફ જો ભારતના ‘વિરાટ’ ખેલાડીઓ નિષ્ફળ જશે તો મુશ્કેલીઓ વધશે. ઈંગ્લેન્ડની ટીમ દ્વારા 3 સ્પીનર અને 3 ફાસ્ટ બોલર રમાડવામાં આવ્યા છે. બીજી તરફ ભારતના વિરાટ વામણા સાબિત થાય તેવી પણ ભીતિ છે. ઈશાન, નદીમ જેવા ખેલાડીઓને રમાડવાનો નિર્ણય તો ઠીક પરંતુ સ્પીનર કુલદિપ યાદવનો ટીમમાં સમાવેશ કેમ નથી કરાયો તે અંગે પણ સવાલો ઉઠયા છે.
ટેસ્ટના પ્રારંભથી જ ભારતીય ટીમ એટેકીંગ શૈલીમાં રમતી ન હતી. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારતને નબળું સમજીને જે ભુલ ઓસ્ટ્રેલિયાએ કરી હતી તે ભુલ અહીં ભારત ઈંગ્લેન્ડ સામે કરતું હોય તેવી છાપ ઉપસી રહી છે. ઈંગ્લેન્ડના ખેલાડીઓને નબળા આંકવા ભારતની મોટી ભુલ પણ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટના બીજા દિવસની મેચ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને 450થી વધુ રન બનાવ્યા છે. લક્ષ્યાંક 550થી વધુ રહેશે તેવી ધારણા છે. કપ્તાન જો રુટ અને જોસ બટલર ક્રીઝ પર છે. ઓલી પોપ 34 રને આઉટ થયો હતો. તે રવિચંદ્રન અશ્વિન દ્વારા એલબીડબલ્યુ થયો હતો. પોપએ રૂટ સાથે મળીને પાંચમી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી. આ પહેલા રુટે કારકિર્દીની 100મી ટેસ્ટમાં પાંચમી ડબલ સેન્ચુરી ફટકારી હતી. તેણે સિક્સર ફટકારીને 200 રન પૂરા કરનાર ઇંગ્લેંડનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. બેન સ્ટોક્સ 118 બોલમાં 82 રને આઉટ થયો હતો. તેનો શાહબાઝ નદીમે ચેતેશ્વર પૂજારાના હાથે કેચ કરાવ્યો હતો. રુટ અને સ્ટોક્સ વચ્ચે ચોથી વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને અશ્વિને 2-2 અને નદિમે 1 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડની ટીમ ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા મેદાનમાં ઉતારી હતી અને પહેલા જ દિવસે 3 વિકેટે 263 રન બનાવ્યા હતા. ઓપનર રોરી બર્ન્સ અને સિબલીએ ટીમને સારી શરૂઆત કરાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. ઇંગ્લેન્ડને પહેલો ફટકો રોરી બર્ન્સના રૂપમાં મળ્યો હતો. તે 33 રન બનાવિ આઉટ થયો હતો. તેને રવિચંદ્રન અશ્વિને વિકેટકીપર ઋષભ પંતના હાથમાં કેચ આપ્યો હતો. જ્યારે, ડેનિયલ લોરેન્સ શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો. તે જસપ્રીત બુમરાહે એલબીડબલ્યુ કર્યો હતો.
આ ટેસ્ટમાં સૌથી મોટી ઈનિંગ્સ રમાનાર રૂટ ઇંગ્લિશ કેપ્ટન બન્યો છે. છેલ્લો રેકોર્ડ એલેસ્ટેયર કુકના નામે હતો. કુકે 2012માં કોલકત્તા ટેસ્ટમાં 190 રનની ઈનિંગ્સ રમી હતી.ઓવરઓલ ઇંગ્લેંડના કેપ્ટન તરીકે ભારત સામેની સૌથી મોટી ઇનિંગ્સ ગ્રેહામ ગૂચે 1990માં લીડ્સમાં રમી હતી. ત્યારે ગૂચે 333 રન બનાવ્યા હતા. રુટની ઇનિંગ્સ બીજા નંબર પર આવી ગઈ છે.
જાન્યુઆરી 2013થી લઈને ભારતે પોતાના ઘરમાં 35 ટેસ્ટ મેચ રમી છે. આ બીજી વખત છે જ્યારે એક ટેસ્ટમાં સતત બીજી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ. રુટ-સિબલીએ ત્રીજી અને રુટ-સ્ટોક્સે ચોથી વિકેટ માટે 100+ રનની ભાગીદારી કરી. આ પહેલાં 2019/20 માં દક્ષિણ આફ્રિકા સાથે 2 સદીની ભાગીદારી થઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી 5મી વિકેટ માટે 115 રન અને 6ઠ્ઠી વિકેટ માટે 164 રનની ભાગીદારી નોંધાઈ હતી. રૂટ 3 કે તેથી વધુ ટેસ્ટમાં 150+ રન બનાવનાર વિશ્વનો 7મો બેટ્સમેન છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ 2007માં તેણે સૌથી વધુ સતત 4 ટેસ્ટમાં 150+ રન બનાવ્યા. રુટ પહેલા ન્યુઝીલેન્ડનો ટોમ લાથમ આવું કરનાર છેલ્લો બેટ્સમેન હતો. તેણે 2018-19માં સતત 3 ટેસ્ટમાં 150+ રનની ઈનિંગ્સ રમી હતી.