“રાજસ્થાનવાળી” ગુજરાતમાં થવાની ભીતિ!!!
સુપ્રીમના આદેશ બાદ રાજસ્થાન સરકારે ૪ મહિના સુધી ફટાકડાના વેચાણ-ખરીદી પર મુક્યો પ્રતિબંધ
બે દિવસ પૂર્વે સુપ્રીમ કોર્ટે ફટાકડા પરના પ્રતિબંધનું ચુસ્તપણે પાલન થાય તેવો આદેશ આપ્યો હતો. સાથોસાથ સુપ્રીમે એવું પણ કહ્યું હતું કે, જો ફટાકડાના પ્રતિબંધનું પાલન ન થાય તો તેના જવાબદાર જે તે શહેરના પોલીસ કમિશ્નરને ગણવામાં આવશે. જેનો સીધો તર્ક હતો કે, આ વર્ષે પણ શું દિવાળી ફટાકડા વિનાની જ રહેશે ? ‘અબતક’એ ઉઠાવેલા સવાલનો પ્રથમ જવાબ સામે આવ્યો છે. રાજસ્થાન સરકારે દિવાળીમાં ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવી દીધી છે. જે રીતે રાજસ્થાન સરકારે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે તેને જોતા શું ગુજરાત રાજસ્થાનવાળી કરશે કે કેમ? તે સવાલ પણ ઉદ્ભવયો છે.
કોરોના મહામારી બાદ સૌ કોઈ સ્વાસ્થ્ય પ્રત્યે અગાઉ કરતા વધુ સજાગ થયા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે પણ આ તરફે સજાગતા બતાવી છે અને પ્રદુષણ ફેલાવતા ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. જેની સાથે જ રાજસ્થાન સરકારે પણ રાજ્યમાં ૪ મહિના સુધી ફટાકડા નહીં ફોડવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રની પ્રજા ઉત્સવપ્રેમી છે. દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવાની સૌરાષ્ટ્રની પ્રજાની તાસીર છે. પરિસ્થિતિ ખરાબ હોય તો પણ ઉજવણી તો કરવી જ તેવી છટા ધરાવતી પ્રજાને શું દિવાળીમાં ફટાકડા નહીં ફોડવાનું ફરમાન આપી દેવામાં આવશે? તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે.
રાજસ્થાન સરકારે નક્કી કર્યું છે કે, આગામી કેટલાક મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે જેને ધ્યાનમાં રાખીને વાયુ પ્રદૂષણને ચકાસવા માટે રાજ્યમાં ૧ ઓક્ટોબરથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધી ફટાકડાના વેંચાણ અને ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.
રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેર, દિવાળી અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે જાન્યુઆરી સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ સંદર્ભમાં જાહેરનામું બહાર પાડ્યું છે.
અશોક ગેહલોત સરકારે એક આદેશ જારી કર્યો છે કે, નિષ્ણાતોએ આગામી કેટલાક મહિનાઓમાં કોરોનાના ત્રીજી લહેરનો ભય વ્યક્ત કર્યો છે. આવી સ્થિતિમાં રાજ્યના લોકોને વાયુ પ્રદૂષણથી મુક્ત કરવા માટે જાન્યુઆરી ૨૦૨૨ સુધી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જાહેરનામામાં સરકારે એમ પણ કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈએ ફટાકડા ફોડવા માટે પરવાનગી આપવી જોઈએ નહીં.