પાટીદારોને અનામત કવોટા અંગે વિધાનસભાની ચૂંટણી પહેલાં ખુલાસો કરવા કોંગ્રેસની મહામૂંઝવણ
વિધાનસભાની ચૂંટણીના ઢોલ ઢબુકી ઉઠયા છે. ત્યારે પાટીદારોનું વલણ કયાં પક્ષની તરફેણમાં રહેશે તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે તાજેતરમાં જ કોંગ્રેસને અનામત કવોટા અંગેનું વલણ સ્પષ્ટ કરવા કહી દીધું છે. ત્યારે કોંગ્રેસ ચૂંટણીને અનુલક્ષીને હાર્દિકને અનામત અંગેનો શું ખુલાસો કરશે તેના પર પાટીદાર મતદારોના વલણનો આધાર રહેશે તેવી ચર્ચા થઈ રહી છે.
ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર સહિતના સામાજીક નેતાઓએ ભાજપ અને કોંગ્રેસમાં જોડાઈ જતાં આગામી ચૂંટણી વધુ રસપ્રદ બની છે. ભાજપે અત્યાર સુધી વિકાસના મુદ્દે ચૂંટણી લડી અને જીતી જાણી છે. ત્યારે આ વખતેની ચૂંટણી જ્ઞાતિ-જાતિવાદ તરફ ઢળેલી હોવાથી ભાજપને તેની શું અસર થશે તે ચર્ચાનો વિષય બની ગયો છે. કોંગ્રેસે તો અત્યારથી જ પોતાના શસ્ત્રો સજાવી લીધા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા એક મહિનાથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજયના અનેક વિસ્તારોની મુલાકાતો લઈ ચૂકયા છે.
તાજેતરમાં અશોક ગેહલોત સાથેની મુલાકાત દરમિયાન હાર્દિક પટેલે અનામત કવોટા તરફ કોંગ્રેસનો શું ‚ખ છે તે સ્પષ્ટ કરવાની માંગણી કરી હતી. જો કે હજુ સુધી કોંગ્રેસનું વલણ સ્પષ્ટ થયું નથી. કોંગ્રેસ સીધી રીતે પાટીદાર મતદારોનો સાથ તો ઈચ્છે છે પરંતુ અન્ય સમાજના મતદારોને નારાજ પણ નથી કરવા માંગતી. પરિણામે કોંગ્રેસનું અનામત પ્રત્યેનું વલણ ગુંચવાઈ ગયું છે. જેની સામે ભાજપ સરકારનું વલણ સ્પષ્ટ હોવાથી ભાજપને આ વિષયમાં વધુ ફાયદો છે. કોંગ્રેસની મુંઝવણ જો લાંબા સમય સુધી રહેશે તો કોંગ્રેસના હાથમાંથી બન્ને તરફના મત સરી જાય તેવી સંપૂર્ણ શકયતા છે.
બીજી તરફ મહેસાણામાં પાટીદાર અનામત આંદોલન સમયે વિસનગરમાં સ્થાનિક ધારાસભ્યની ઓફિસ સહિતના સ્થળોએ તોડફોડ મામલે હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિતનાઓ સામે ફરિયાદ થઈ હતી. આ કેસને લઈ કોર્ટે મહેસાણા જિલ્લામાં આવવા માટે ૯ મહિનાનો પ્રતિબંધ મુકયો હતો. ગઈકાલે કેસની મુદત હતી જેમાં આરોપીઓ કોર્ટમાં હાજર ના રહેતા બચાવ પક્ષના વકીલે કોર્ટને મુદત માફીની અરજી કરી હતી. જો કે હવે હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ સરેન્ડર થવા તૈયાર છે.
આ કેસમાં અગાઉ ચોથા એડિશ્નલ સેશન જજ અગ્રવાલે મુદત માફીની અરજી ફગાવી દેતા આરોપીઓ ત્રણ મુદતોમાં ગેરહાજર રહ્યાં હોય, બિન જામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરી ૧૫ નવેમ્બરની મુદત આપી હતી. પરંતુ આ મામલે હવે હાર્દિક કોર્ટના શરણે જશે. આ કેસ અંગે હાર્દિકે કહ્યું છે કે, જો પોલીસ મારી ધરપકડ કરવા માંગતી હોય તો હું સરેન્ડર થવા માટે તૈયાર છું.