સમય સાથે બધું બદલાતું રહે છે, અને બદલાતું રહેવું પણ જોઈએ. કારણકે માનવીના મૂળ સ્વભાવમાં બદલાવનો ગુણધર્મ જન્મજાત છે. તે બદલાવ આપણે બધામાં જોવા મળે છે. આપણે વાત કરીયે ગુજરાતી સિનેમા વિશે. હાલ ગુજરાતી સિનેમા એક નવા સ્વરૂપ સાથે ઉભું થઈ રહ્યું છે. અને આ નવા સ્વરૂપમાં આપણે ઘણા બધા ફેરફારો જોવા મળે છે.
ગુજરાતી સિનેમાનો એક યુગ હતો. જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા જેવા દિગ્ગજ કલાકારોનો જમાનો હતો. લોકો તે ફિલ્મોને ભરપૂર પ્રેમ આપતા. પણ તે બધી ફિલ્મો હંમેશા ગુજરાત અને ગુજરાતી પૂરતી જ સીમિત રહી હતી. ક્યારે પણ તે ફિલ્મોનું વર્ચસ્વ નેશનલ કે ઇન્ટરનેશન લેવલ પર જોવા ના મળ્યું. તેની પાછળનું એક કારણ આપણે ઈન્ટરનેટને પણ આપી શકીયે. કારણકે તે દાયકામાં ફિલ્મોને લઈ કોઈ મોટી તકો ના હતી. ફક્ત થિયેટરમાં જ તમને ફિલ્મો જોવા મળતી.
વાત કરીએ 2010 પછીના સમયગાળાની તેમાં ગુજરાતી ચિત્રપટ્ટને ‘અર્બન ગુજરાતી સિનેમા’નું એક નવું રૂપ મળ્યું છે. આ નવા રૂપને ગુજરાતી પ્રજા સાથે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર ખુબ સારી એવી નામના મેળવી. અત્યારની ગુજરાતી ફિલ્મો મહદ અંશે હિન્દી અને સાઉથની ફિલ્મો સામે ઉભી થઈ રહી છે. ગુજરાતી પબ્લિક પોતાની ભાષામાં પોતાની સંસ્કૃતિનું જે સિનેમા જોવા માંગતી હતી તે હવે તેને મળી રહ્યું છે.
હાલ ઈન્ટરનેટ અને ટેક્નોલોજીના ઉપીયોગથી ફિલ્મોનો વ્યાપ વધ્યો છે. હાલ ફિલ્મો થિયેટર સુધી જ સીમિત રહી નથી. હાલ ઓહો, શેમારૂ મી જેવી એપ્લિકેશનએ એક નવી શરૂઆત કરી છે. જેમાં ઘણી બધી વેબ સિરીઝ, ફિલ્મો લોન્ચ કરવામાં આવે છે. ભવિષ્યમાં ગુજરાતી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ, હોટસ્ટારને ટક્કર મારે તો તેમાં કોઈ નવીન વાત નથી. આ બધું જોતા એવું લાગે છે કે ભવિષ્યમાં ગુજરાતી સિનેમાની નોંધ વિશ્વઆખાએ લેવી પડશે.
એક વાત એ પણ અચૂક કહેવા જેવી છે કે,ગુજરાતી પ્રજા સિનેમા પ્રત્યેની પોતાની ભૂખ સંતોષવા સાઉથ, હોલિવુડ સિનેમા જોવાનું વધુ પસંદ કરે છે. તેની પાછળનું એક કારણ એ પણ છે કે, ગુજરાતી સિનેમામાં બહુ ઓછી એવી ફિલ્મો, વેબસિરીઝ છે કે જેને દર્શકોના દિલ જીત્યા છે. પણ હાલનો સિનેરિયો જોતા એવું લાગે કે ભવિષ્યમાં ગુજરાતી પ્રજાની આ ભુખ ગુજરાતી સિનેમા જ સંતોષી આપશે.