દક્ષિણ સુરતથી 120 કિ.મી. દૂર આવેલા દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ નાર્ગોલ પોર્ટનો ગ્રીન ફિલ્ડ બંદર તરીકે વિકાસ કરવાની મહત્વપૂર્ણ યોજનાને રૂપાણી સરકારે આજે લીલી ઝંડી આપી દીધી છે. કચ્છના મુંદ્રા બંદરનો વિકાસ કરનાર ગુજરાતની વિખ્યાત અદાણી કંપનીને જ નાર્ગોલ પોર્ટનો વિકાસ કરવાની કામગીરી સોંપવાનું રાજ્ય સરકારે મન મનાવી લીધુ હોય તેવી શકયતા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાર્ગોલ પોર્ટના પીપીપી ધોરણે વિકાસ કરવાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
સરકારે નાર્ગોલ પોર્ટ માટે ‘બુટ’ પદ્ધતિ સાથે વિકાસનું આયોજન કર્યું, એ ક્ષમતા માત્ર અદાણી પાસે
નાર્ગોલ પોર્ટ મુંબઈથી 140 કિ.મી. દૂર અને દક્ષિણ સુરતથી 120 કિ.મી. દૂર આવેલું છે
નાર્ગોલ પોર્ટનો વિકાસ બુટ ધોરણે પીપીપી મોડેલ પર કરવામાં આવશે. બુટ એટલે બિલ્ડ, ઓન, ઓપરેટ અને ટ્રાન્સફર પદ્ધતિ. નાર્ગોલ પોર્ટના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે બિડીંગ પ્રોસેસ કરીને પારદર્શી અને ફલેક્સીબલ પ્રક્રિયાથી પોર્ટ ડેવલોપર્સની પસંદગી કરવામાં આવનાર છે પરંતુ સુમાહિતીગાર સુત્રોના જણાવ્યા મુજબ મુંદ્રા પોર્ટનો વિકાસ કરનાર અદાણી કંપનીને જ નાર્ગોલના ડેવલોપર્સ તરીકેની કામગીરી સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે. બંદરના વિકાસ માટે પ્રારંભીક ધોરણે રૂા.3800 કરોડનું રોકાણની સંભાવના છે. બુટ પીરીયડ 30 વર્ષના બદલે 50 વર્ષનો રાખવાનો અભિગમ ગુજરાત સરકારે એટલા માટે અપનાવ્યો છે કે, ઉદ્યોગો માટે સાનૂકુળ હવામાન ઉભુ કરી શકશે.
આ બંદરનો વિકાસ થતાં 4 કરોડ ટન કાર્ગો હેન્ડલીંગની ક્ષમતા ઉભી કરશે. આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉદ્યોગ ગૃહોને દરિયાઈ વેપાર માટે નાર્ગોલનું પોર્ટ ખુબજ અનુકુળ બની રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ વલસાડ જિલ્લામાં આવેલા નાર્ગોલને વિકસીત કરવા માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ગુજરાત સરકારે પ્રોજેકટ કાર્યરત થવામાં લાગતા લાંબા સમયને ધ્યાનમાં રાખીને બુટ પીરીયડ 30ના બદલે 50 વર્ષનો રાખવાનુ નક્કી કરતા ઉદ્યોગોએ આવકાર આપ્યો છે.
મુંબઈથી 140 કિ.મી. દૂર અને સુરતથી 120 કિ.મી. દૂર હોવાથી આ બંદર દિલ્હી-મુંબઈ ઉદ્યોગ કોરીડોર માટે ખુબજ વ્યૂહાત્મક બંદર માનવામાં આવે છે. આ ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કેચમેન્ટ વિસ્તારનો 38 ટકા ભાગ ગુજરાતમાં આવે છે તેથી ગુજરાતને મહત્તમ લાભ મળશે અને કાર્ગો પરિવહનમાં ગુજરાતના હિસ્સામાં ઉત્તરોતર વધારો થતો જશે.