એસએઆઈસી મોટર હાલોલ ખાતે ઈલેકટ્રીક એસયુવી ગાડીઓનું નિર્માણ શરૂ
કરશે: જીનપીંગ સાથેની મુલાકાત દેશનાં વેપાર ઉધોગને વધુ મજબુત બનાવશે
અમેરિકા અને ચાઈના વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનાં પગલે ચાઈના માટે ગુજરાત આશીર્વાદરૂપ રાજય સાબિત થશે તેવું લાગી રહ્યું છે. આગામી વર્ષોમાં ચાઈનાની નાઈન ડ્રેગન વર્લ્ડ વાઈલ્ડ કંપની તેની પેપર મેન્યુફેકચરીંગ ફેકટરી ભારતમાં સ્થાપશે. સાથોસાથ વાત સામે આવી રહી છે કે, ચાઈનાની સૌથી મોટી ઓટો મોબાઈલ કંપની એસએઆઈસી મોટર્સ હાલોલ ખાતે ઈલેકટ્રીક એકસયુવી ગાડીનું નિર્માણ કરશે.
સાણંદ ખાતે ચાઈનાની ગ્રેટ વોલ મોટર પણ ઈલેકટ્રીક વાહનોનું ઉત્પાદન કરવા માટે તૈયારી દાખવી છે અને તે દિશામાં પગલા પણ લઈ રહી છે. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર ચાઈનાનાં પ્રેસીડેન્ટ જીનપીંગ આગામી સમયમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ મુલાકાત ભારત અને ચાઈના વચ્ચેનાં વેપાર ઉધોગને વધુ મજબુતી આપશે તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. યુએસ અને ચાઈના વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનાં પગલે ચાઈનીઝ કંપનીઓ ડેરી પ્રોડકટમાં પણ રોકાણ કરશે તેવું સામે આવી રહ્યું છે. નાઈન ડ્રેગન વર્લ્ડ વાઈલ્ડ કંપની ૪૫૦૦ કરોડનાં રોકાણ સાથે ભારતમાં પગલા પાડશે.
આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને જો ધ્યાને લેવામાં આવે તો વિશ્વનાં અનેકગણા દેશો માટે ભારત આશીર્વાદરૂપ માનવામાં આવે છે જેનું કારણ એ છે કે, ટેકસ પોલીસી અને વેપાર કરવા માટે જે સુચારુ આયોજન હોવું જોઈએ તે ખુબ સારી રીતે જોવા મળી રહ્યું છે. પ્રો ઈન્ડસ્ટ્રી પોલીસી તથા સારા ઈન્ફ્રાસ્ટ્રકચરનાં કારણે ચાઈનીઝ રોકાણકારોમાં ગુજરાત સૌથી વધારે ડિમાન્ડમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ચાઈનાની ઘણી ખરી કંપનીઓ ગુજરાતમાં પોતાનું સામ્રાજય સ્થાપશે તે વાત પણ સામે આવે છે.
ચીની ડ્રેગનની સૌથી મોટી ઓટો મોબાઈલ કંપની એસએઆઈસી ચાલુ વર્ષનાં અંતિમ માસમાં બેટરીથી ચાલતા એસયુવી વાહનોનું નિર્માણ કરશે જયારે ચાઈનાની બીજી સૌથી મોટી કંપની ગ્રેટ વોલ મોટર્સ સાણંદ ખાતે ઉત્પાદનને લઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમેરિકા સાથેની ટ્રેડવોરમાં જે કર વધારવામાં આવ્યા છે તે જોતા ચાઈનીઝ કંપની ભારતમાં રોકાણ કરી નિકાસમાં પણ સૌથી વધુ પ્રાધાન્ય આપશે તેવું સરકારી સુત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે. ચાઈના ઈન્ડિયા ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સેન્ટરનાં સેક્રેટરી જનરલ જગત શાહે જણાવ્યું હતું કે, ચાઈના ઓટો કમ્પોનેટ મેન્યુફેકચરીંગ, ઓટો મોબાઈલ, ટેકસટાઈલ, ફાર્માસ્યુટીકલ અને ફુડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં રોકાણ કરશે ત્યારે ભારત કોર્પોરેટ ટેકસ કટનાં નિર્ણય બાદ ચાઈનીઝ રોકાણને ભારતમાં વધુ પ્રાધાન્ય મળશે. ચાઈનીઝ કંપનીઓની રોકાણની સંખ્યામાં વધારો થતો ચાઈનીઝ કંપનીએ નવા સ્ટાર્ટઅપ સાથે પણ કરારો કર્યા છે જેમાં અમદાવાદ સ્થિત ગ્રીડ બોટસ ટેકનોલોજી સાથે ચાઈનાની બે કંપનીઓએ એગ્રીમેન્ટ કરી ટેકનોલોજી કોમર્શીયાઝેશન ક્ષેત્રમાં પર્દાપણ કરી રહ્યા છે.
ચાઈના સરકારે પણ ચાઈનીઝ કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. ચાઈના તેનાં જીડીપીનાં ૧૮ ટકા ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટમાં ખર્ચ કરે છે જેથી ગુજરાતમાં નવું ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું થશે તે વાત પણ સામે આવે છે. ભારતમાં ચાઈના આશરે ૬૦૦ થી ૭૦૦ મિલિયન ડોલર રૂપિયા પાણી, મેટ્રો અને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં વાપરવાનું પણ જણાવ્યું હતું ત્યારે ચાલુ માસમાં ચાઈનાનાં પ્રેસીડેન્ટ જીનપીંગ ભારત આવી રહ્યા છે ત્યારે તેમની આ મુલાકાત ચાઈના અને ભારત વચ્ચેનાં વેપારીક સંબંધોને વધુ મજબુત બનાવશે તેવી આશા પણ સેવવામાં આવી રહી છે.