રમકડાં – રમકડાં રહી જશે ગુજરાત માટે?
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બેઠક બોલાવી ઝડપી ટોય પાર્કના નિર્માણ અંગે ફિઝિબલ રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા
હાલ સુધી નાની નાની વસ્તુઓ માટે ભારત અન્ય દેશો પર નભેલું હતું તેમાં પણ ખાસ ચાઈના પરની નિર્ભરતા ખૂબ વધારે હતી પરંતુ કોરોના મહામારી બાદ જે રીતે ચાઈનાએ વિશ્વસનીયતા ગુમાવી છે તેવા સમયમાં ભારત ’આત્મનિર્ભર’ બની ચીનનું અવેજી બની શકે તે દિશામાં કાર્યરત થયું છે. ચાઈનીઝ પ્રોડક્ટ્સમાં અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે જેમાં બાળકોના રમવાના રમકડાઓનો પણ મોટો ભાવ છે. રમકડા શબ્દ સાંભળીને બાબત ચોક્કસ નાની લાગે પરંતુ તેવું બિલકુલ નથી. ચાઈના દર વર્ષે રમકડાંની નિકાસ ભારતમાં કરી ખૂબ મોટી રકમ રળી લેતું હતું તેવા સમયમાં હવે ઘર આંગણે રમકડાનું ઉત્પાદન થાય તે માટે અનેકવિધ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે. ગુજરાતમાં પ્રોડક્શન થતી અનેક પ્રોડક્ટ્સ વૈશ્વિક ફલકે છવાયેલી છે ત્યારે હવે ગુજરાતમાં ટોય ક્લસ્ટર નિર્માણ કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તંત્રને ટોય પાર્ક માટે ફિઝિબલ રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીની આગેવાનીમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન(જીઆઈડીસી)ના વિકાસ માટેની બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રીએ ટોય પાર્ક માટે રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રીએ શહેરી વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા આદેશ આપવામાં આવ્યો છે. વિજયભાઈ રૂપાણીએ જીઆઇડીસીમાં કોમન સુવિધાઓ વિકસાવવા અંગે પણ આદેશ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં વધુ જીઆઇડીસી વિકસાવવાની પણ જરૂરિયાત છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જીઆઇડીસી માટે જમીન સંપાદન અંગે પણ વિચાર વિમર્શ કરી ઝડપી જમીન સંપાદન કરવા આદેશ આપ્યા છે જે અગાઉથી જ કરવામાં આવી રહ્યું છે પરંતુ મહામારીને કારણે જમીન સંપાદનની ગતી ધીમી પડી હતી. મુખ્યમંત્રીએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપિત કરવા પણ આદેશ આપ્યો હતો તેમજ આઇટી પાર્ક અને ગાંધીનગર ગિકટ સીટી ખાતે પ્લોટની ફાળવણી કરવા અંગે પણ આદેશ આપ્યો છે. બેઠકમાં જીઆઇડીસી ચેરમેન બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે કૈલાશનાથન સહિતના ઔદ્યોગિક વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.