એક તરફ ચાંદીએ ૬૦,૦૦૦ની સપાટી તોડી બીજી તરફ સોનુ ૫૧,૦૦૦ની નજીક
વિશ્ર્વ બજારમાં સોના-ચાંદીની તેજી બેફામ બની છે. તાજેતરમાં જ સોનુ ૧૮૫૭ ડોલર તથા ચાંદી ૨૨ ડોલરની સપાટી વટાવી ગઈ હતી. ભારતમાં પણ સોના-ચાંદીની તેજીએ રફતાર પકડી છે. માર્કેટમાં ચાંદી ૬૦,૦૦૦નું લેવલ જ્યારે સોનુ ૫૧,૦૦૦ની સપાટી કુદાવીને સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. ત્યારે રોકાણકારોના મનમાં સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે, સોના-ચાંદીમાં તેજીની ગાડીને બ્રેક લાગશે કે કેમ ? અલબત નિષ્ણાંતોનું માનવું છે કે, ગોલ્ડ એમસીએક્સના ઓગષ્ટ ફીચરના સોદામાં સોનામાં ૫૧૨૦૦નું રસીસ્ટેન્સ દેખાઈ રહ્યું છે.
મલ્ટી કોમોડીટી એકસચેન્જના ઓગષ્ટના ગોલ્ડ કોન્ટ્રાકટ ૦.૩૨ ટકાના વધારા સાથે રૂ ા.૫૦,૮૬૦ પર ટ્રેડ થયો હતો. સપ્ટેમ્બરનું ફયુચર પણ ૦.૨ ટકાના વધારા સાથે ૬૧,૦૭૦એ ટ્રેડ થયો હતો. કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે સોના-ચાંદીમાં રોકાણકારોનો રસ વધ્યો છે. વૈશ્ર્વિક અર્થતંત્રને કોરોનાની ઘણી મોટી અસર રહેવાની દહેશતના પગલે વૈશ્ર્વિકસ્તરે સોનુ-ચાંદી વધી રહ્યાં છે. આ સીવાય અનેક દેશોની બેંકો સોનાની ખરીદી કરી રહી છે. ચાંદીમાં પણ અત્યારે રોકાણને ધ્યાનમાં રાખીને જ ખરીદી ચાલુ છે. આ સાથે જ વધતા ભાવને જોઈને ઔદ્યોગીક વપરાશકારો પણ ચાંદીની ખરીદી કરવા દોડયા છે. અનિશ્ર્ચિતતાના કારણે સ્ટેબલ રોકાણ તરફ રોકાણકારોનો ટ્રેન્ડ છે. જ્વેલરીમાં ડિમાન્ડ નથી પરંતુ બિસ્કીટમાં ઘરાકી છે. તેના પરથી રોકાણકારોના રસનો અંદાજ મળે છે.
- સોના-ચાંદીના ભાવ કેમ વધ્યા ?
મહામારીની મારામારી વચ્ચે અર્થતંત્ર ઉપર માઠી અસર રહેવાના ડરે રોકાણકારોનો સમુદાય સોના-ચાંદીમાં રોકાણ કરવા તરફ તોડ્યા છે. આ ઉપરાંત અનેક દેશોની બેંકો પણ સોનાની ખરીદી કરતી હોવાથી ભાવમાં વધારો ઝડપી બન્યો છે. ચાંદીમાં પણ હવે રોકાણ કરવાની તક મળી છે. અત્યાર સુધી ચાંદી ઔદ્યોગીક વપરાશમાં પણ લેવાતું હોવાથી સોના જેટલો લગાવ ચાંદીમાં નહોતો પરંતુ સમીકરણો બદલાયા છે. ચાંદીમાં આવેલા ઉછાળાના પગલે ઔદ્યોગીક વપરાશકારો પણ હવે ખરીદી કરવા દોડ્યા છે.
- બિસ્કીટમાં ઘરાકી નિકળતા રોકાણકારોના રસનો અંદાજ મળ્યો
સોનુ-ચાંદી સુરક્ષીત રોકાણ ગણાય છે. કોરોનાથી અર્થતંત્ર પરની અસર અનિશ્ર્ચિત હોવાના કારણે આવી ધાતુઓમાં રોકાણકારો રસ દાખવે છે. અત્યારે જવેલરીમાં જોઈએ એટલી ડિમાન્ડ નથી ત્યારે બિસ્કીટમાં ઘરાકી વધી છે તેના પરથી રોકાણકારોના રસનો અંદાજ મળી જાય છે.