ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે અને નાગેશ્વર રાવ દ્વારા આજે સુનાવણી હાથ ધરાશે
બીસીસીઆઈનાં પ્રેસીડેન્ટ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનું પદ છીનવાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. બીજી તરફ ગાંગુલી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે કે તેમના કાર્યકાળનો સમય વર્ષ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવે ત્યારે આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે અને નાગેશ્વરા રાવની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરાશે. આ તકે પ્રશ્ન ઉદભવિત થઈ રહ્યો છે કે શું ગાંગુલી અને જય શાહનું પદ છીનવાઈ જશે કે કેમ ? બીસીસીઆઈએ ૨૧ એપ્રિલનાં રોજ એપેક્ષ કોર્ટમાં પીટીશન દર્જ કરવામાં આવી હતી જેમાં સૌરવ ગાંગુલી અને જય શાહનાં કાર્યકાળનાં સમય મર્યાદામાં વધારો ૨૦૨૫ સુધી કરવાની જાણ પણ કરાઈ છે. સૌરવ ગાંગુલી અને જય શાહ દ્વારા વર્ષ ૨૦૧૯નાં ઓકટોબર માસમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી પરંતુ લોઢા કમિટીનાં નિયમો અનુસાર તેમનો કાર્યકાર ખુબ જ ઓછા સમયનો હોય તેવું પણ જાણવા મળ્યું છે. ચાલુ માસ દરમિયાન કેગનાં નોમિની અલ્કાની રેહાનીએ જય શાહ સામે વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, જય શાહનો કાર્યકાળ પુરો થઈ ગયો છતાં પણ તેને બીસીસીઆઈની એપેક્ષ કાઉન્સીલની બેઠકમાં હાજરી આપી હતી.
જય શાહનાં જણાવ્યા મુજબ આ અંગે તેને કાયદાકિય વિશેષ સલાહ લઈ ૧૭ જુલાઈની બેઠકમાં હાજરી આપી હતી. નવા બીસીસીઆઈનાં નિયમો મુજબ પદ માટેની સમય મર્યાદા વ્યકિત માટે ત્રણ વર્ષની રાખવામાં આવી છે જેમાં બે ટર્મમાં તે વિભાજીત થઈ શકે છે. કોઈપણ વ્યકિત કોઈ સ્ટેટ એસોસીએશન કે બીસીસીઆઈમાં ત્રણ-ત્રણ વર્ષ એમ છ વર્ષ સેવા આપી હોય તો તેને આ પદ માટે યોગ્ય માનવામાં આવે છે પરંતુ નવા કાયદા મુજબ ગાંગુલી અથવા જય શાહ આ કાયદામાં યોગ્ય સાબિત અથવા તો યોગ્ય પુરવાર થતા ન હોવા છતાં તેઓ બીસીસીઆઈનાં મહત્વનાં પદ પર તેઓ કાર્ય કરી રહ્યા છે જેને લઈ કોર્ટમાં વિવાદ પણ કરવામાં આવ્યો છે. આવનારી ૨૭મી જુલાઈનાં રોજ ક્રિકેટ એસોસીએશન ઓફ બેંગાળમાંથી ગાંગુલીની સમય મર્યાદા પૂર્ણ થાય છે તો બીજી તરફ મે માસમાં જય શાહનો કાર્યકાળ સમાપ્ત થયો છે તેમ છતાં તેના દ્વારા એપેક્ષ કાઉન્સીલની બેઠકમાં હાજરી આપવામાં આવી હતી.
ગત વર્ષનાં ડિસેમ્બર માસમાં બીસીસીઆઈની ૮૮મી વાર્ષિક સાધારણસભા યોજાઈ હતી જેમાં બીસીસીઆઈનાં સભ્યોએ આંતરીક સહમતી દાખવી ગાંગુલી તથા તેના ટીમને આવનારા છ વર્ષ સુધી ફરજ બજાવવા માટેની તાકિદ પણ કરાઈ છે. બીસીસીઆઈનાં નિયમો મુજબ કોઈપણ ઓફિસ બેરીયરનાં કાર્યકાળમાં વધારો કરવા માટે બીસીસીઆઈએ સુપ્રીમ કોર્ટની પરવાનગી લેવી ફરજીયાત છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં દર્જ કરાયેલ પીટીશનમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, બીસીસીઆઈનાં મુખ્યપદ જેવા કે પ્રેસીડેન્ટ અને સેક્રેટરીનાં પદ પર જે કોઈ વ્યકિતએ સતત બે વર્ષ સુધી સેવા આપી હોય તો તે ચુંટણીમાં લડવા માટે સક્ષમ નથી અને જો જે કોઈ વ્યકિતએ ચુંટણી લડવી હોય તો તેઓએ ત્રણ વર્ષ સુધીની સેવા અથવા તો ફરજ બજાવી હોવી ફરજીયાત છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થયો છે કે, શું બીસીસીઆઈનાં પ્રેસીડેન્ટ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનું પદ છીનવાઈ જશે કે કેમ ?