રાજકોટ શહેરમાં જાહેરનામા ભંગના કુલ ૯૨૩૨ કેસ નોંધાયા
લોકડાઉન અમલી બન્યા બાદ સ્થળાંતરીત લોકો તેમના વતન તરફ હિજરત માટે જે રીતે તલ પાપડ થયા હતા તેને લઇ તેમના પર એફઆઈઆર દર્જ કરવામાં આવી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યને તાકીદ કરી જણાવ્યું હતું કે, સ્થળાંતરીત લોકો પર જે એફઆઈઆર દાખલ કરાઈ છે તેને રદ્દ કરવામાં આવે. સ્થળાંતરીત પછી આંતરરાજયમાં હોય, આંતર જિલ્લાઓમાં હોય તે તમામ પર એફઆઈઆર રદ્દ કરવા માટેની તાકીદ હાલ સુપ્રીમ દ્વારા કરવામાં આવી છે. સાથોસાથ સુપ્રીમ કોર્ટે રાજ્યને તાકીદ કરતા જણાવ્યું છે કે, આ તમામ પ્રકારના સ્થળાંતરીત શ્રમિકોને આવનારા ૧૫ દિવસમાં તેમના વતન પહોંચાડવામાં આવે. સુપ્રીમની ભલામણ બાદ કેન્દ્રએ પણ વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેઈન દોડાવવાનો પણ નિર્ણય કર્યો છે. દિલ્હી તથા મુંબઇ પોલીસ દ્વારા શ્રમિકો ઉપર અનેકવિધ ફરિયાદો દાખલ કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ઘણાખરા પરપ્રાંતીય મજૂરો પર એફઆઈઆર દર્જ કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત રાજ્યએ તેના ૨૩ લાખ સ્થળાંતરીત લોકોમાંથી ૨૦.૫ લાખ લોકોને વતન પરત કર્યા છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ૩૭૦૦૦ લોકો તેમના વતન પરત થવા માટે રાહ જોઇ રહ્યા છે.
ઉલ્લેખનીય બાબત છે કે રાજકોટ શહેર સૌરાષ્ટ્ર નું પાટનગર માનવામાં આવે છે તેમજ ઔદ્યોગિક હબ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ઔદ્યોગિક એકમોમાં કામ કરી રોજી મેળવવા મોટી સંખ્યામાં શ્રમિકો રોજી અર્થે રાજકોટને કર્મભૂમિ બનાવતા હોય છે પરંતુ લોક ડાઉન થતા ઉદ્યોગ – ધંધા બંધ થયા જેથી શ્રમિકોની હાલત કથળી હતી. જો કે ઔદ્યોગિક એકમો દ્વારા તેમના કર્મચારીઓની ખેવના કરવામાં આવી હતી. ખોરાક થી માંડી પગાર અને ઉપાડ સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ શ્રમિકોએ સામાજિક ધોરણે દ્રષ્ટિ કરતા વતન પરત ફરવાનું રટણ શરૂ રાખ્યું હતું. શ્રમીકોનો મોટો વર્ગ પગપાળા વતન તરફ દોટ મૂકીને નીકળ્યો હતો. જેના કારણે જાહેરનામા ભંગ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિમાં ક્યાંક લાચારીને કારણે તેઓ વતન તરફ જવા નીકળ્યા હતા જેના કારણે તેમની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી તો હવે આ એફઆઈઆર રદ્દ કરવામાં આવે તેવી તાકીદ સુપ્રીમે કરી છે. ખાસ રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો કુલ જાહેરનામા ભંગના ૯૨૩૨ ગુના નોંધાયા છે.
લેખિત સૂચના મળશે તો તેના આધારે ચોક્કસ કાર્યવાહી કરીશું: ડીસીપી મનોહરસિંહ જાડેજા
આ વિશે રાજકોટ શહેર નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાએ આ અંગે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હજુ સુધી અમને લેખિતમાં મળી નથી. કોપી અમને મળે એટલે પ્રથમ શબ્દશ: અમારે તે સુચનનો અભ્યાસ કરવો પડશે તે બાદ જ આ સૂચન ખરા અર્થમાં કહેવા માંગે છે તે બાબતે અમે સ્પષ્ટતા કરી શકીશું. તેમણે એફઆઈઆર વિશે જણાવતાં કહ્યું હતું કે રાજકોટ શહેરમાં આ પ્રકારની એફઆઈઆર ખૂબ મર્યાદિત છે કેમકે કોઈ સ્થળાંતરણ કરતું હોય તો તે દરમિયાન તેમની ઉપર ખૂબ ઓછી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોઈ સરકારી કચેરી ખાતે મોટી સંખ્યમાં ટોળાં સ્વરૂપે કોઈ એકત્રિત થયું હોય તો જ એફઆઈઆર દાખલ કરવાની ફરજ પડતી હોય છે. આ મામલામાં અમને જો કોઈ લેખિત માં સૂચન મળશે તો ચોક્કસ તેના આધારે કાર્યવાહી કરીશું.
ફરિયાદનો યોગ્ય નિકાલ કરવા સુપ્રીમ, હાઇકોર્ટ અને રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરાઈ : દિલીપ પટેલ
આ વિશે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયના મેમ્બર દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે લોક ડાઉનના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાં આશરે ૨ લાખ જેવી ફરિયાદો નોંધાઇ છે જેના કારણે પોલીસ અને ન્યાયમંદિર એમ બન્નેને ખૂબ મોટું ભારણ આવશે. આ કેસોની સંખ્યાને જોતા એવું કહી શકાય કે આ કેસનો નિકાલ કરવામાં આશરે ૨ વર્ષનું ભારણ આવશે. જેથી આ તમામ ફરિયાદોને રદ્દ કરવી જોઈએ. અમે અગાઉ રાજ્ય સરકારને લેખિતમાં રાજુઆત કરી છે કે આ તમામ ફરિયાદ અંગે યોગ્ય વિચારણા કરવી જોઈએ અંગે યોગ્ય નિકાલ કરવો જોઈએ. અમે હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટને પણ લેખિતમાં રજુઆત કરી છે કે અગસૂ ભૂતકાળમાં સ્કવેર સીટી સમયે જ્યારે લોકોને પાણી મળતું બંધ થયું હતું ત્યારે લોકો ઊંડા ખાડા કરી તેમાંથી પાણી મેળવતા હતા. તેમની ઉપર પાણી ચોરી અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એકટના અસંખ્ય કેસો નોંધાયા હતા. તે સમયે ન્યાય મંદિરોએ માનવતાનો અભિગમ દાખવી વ્યાજબી દંડ કરીને કેસનો નિકાલ કર્યો હતો. તેવી જ રીતે આ સમયગાળામાં પણ યોગ્ય વિચારણા કરી આ તમામ કેસનો નિકાલ કરવો જોઈએ તેવું મારૂ સ્પષ્ટપણે માનવું છે.
સ્થળાંતરિતોએ લાચારીને કારણે સ્થળાંતર થવું પડ્યું હોય, ફરીયાદ રદ્દ થાય તો આવકારદાયક: એસ.કે.વોરા
આ મામલે રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ કે વોરાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે લોકો પર એફઆઈઆર થઈ છે તે જાહેરનામા ભંગની ફરિયાદ છે જે કોઈ ગંભીર ગુનો નથી. લોક ડાઉનના પ્રારંભિક તબક્કામાં લગભગ એક થી દોઢ મહિના સુધી સ્થળાંતરીતોએ ક્યાંય જવા નું વિચાર્યું પણ ન હતું પરંતુ તે બાદ એમને જે કંઈ તકલીફ પડી, જ્યાં કામ કરતા હોય ત્યાં જે કોઈ વિવાદ થયો તે બાદ તેમણે વતન તરફ જવાની જીદ પકડી જેના કારણે તેમના પર ફરિયાદ થઈ છે. આવા સંજોગોમાં કુલ ત્રણ રીતે એફઆઈઆર રદ્દ થઈ શકે. પ્રથમ તો જો કોઈ વ્યક્તિ હાઇકોર્ટમાં જઈને રદ્દ કરવાની અરજી કરે તો નામદાર હાઇકોર્ટ આ મામલે યોગ્ય સુનાવણી કરી એફઆઈઆર રદ્દ કરી શકે છે. બીજી પદ્ધતિ એ છે કે સરકાર અને હાઇકોર્ટ એમ બન્ને ને એફઆઈઆર રદ્દ કરવાની સતા છે તો એ રીતે પણ રદ્દ થઈ શકે કેમકે આ એફઆઈઆર કોઈ વ્યક્તિ વિશેષ પર નહીં પરંતુ રક ચોક્કસ સમુદાય પર થઈ છે જેથી ખૂબ મોટી સંખ્યામાં એફઆઇઆર નોંધાઇ છે. અને ત્રીજી પદ્ધતિ એ છે કે જે તે વ્યક્તિ નામદાર કોર્ટમાં જઈને પોતાના ગુનાની કબૂલાત આપે તો કોર્ટ દ્વારા મામૂલી દંડ આપીને મામલો પૂરો લરી દેવામાં આવતો હોય છે, હાલ કઈ રીતે આ કાર્યવાહી કરવામાં આવશે તે એક મહત્વપૂર્ણ બાબત છે.તેમણે સ્થળાંતરણ ની વ્યાખ્યા બાબતે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે કોઈ એક રાજ્ય માથું અન્ય રાજ્યમાં જાય કે એક શહેરમાંથી અન્ય શહેરમાં જાય કે પાસ વિના ઘરની બહાર નીકળે તમામનો સમાવેશ સ્થળાંતરીતોની વ્યાખ્યામાં જ કરવામાં આવે છે તેમજ તમામ વિરુદ્ધ એક સરખી ફરિયાદો જ થતી હોય છે.