• કાઠીયાવાડી મેળાને નજર લાગી???
  • મેળાના ઉદઘાટનને આડે એક જ દિવસ, રાઈડ્સનો મામલો હાઇકોર્ટમાં
  • પહોંચ્યો: રાઈડ્સ વગર જ મેળો થાય તેવો ઘાટ સર્જાતા મેળા રસિકો ચિંતામાં

રાજકોટનો લોકમેળો ચકડોળે ચડ્યો હોય તેમ એક સાંધેને તેર તૂટે તેમ એક પછી એક મુસીબતો આવી રહી છે. જાણે રંગીલા રાજકોટના આ મેળાને નજર લાગી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. મેળાના ઉદઘાટનને એક દિવસ બાકી છે. તેવામાં રાઈડનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. જેને લીધે મેળા રસિકો ચિંતામાં મુકાઈ ગયા છે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત લોકમેળામાં આ વખતે વિવાદ પૂરો થવાનો નામ લેતો નથી. મેળામાં રાઇડ્સની હરાજી દરમિયાન રાજ્ય સરકારની નવી એસઓપીને લઈને વિવાદ થયો હતો. રાઇડ્સના સંચાલકોએ સરકારના નિયમમાં ફેરફાર કરવાની માગણી સાથે ત્રણ ત્રણ વખત હરાજીમાંથી બહિષ્કાર કર્યો હતો. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ સરકારી તંત્ર હવે કોઈ રિસ્ક લેવા માગતું ન હોય તેમ સરકારના નિયમમાં બાંધછોડ કરવા તૈયાર નથી. 31 રાઇડ્સ સંચાલકોએ ફાઉન્ડેશન, સોઇલ રિપોર્ટ અને એનડીટી રિપોર્ટ અંગે ફેરવિચારણા કરવાની માગણી કરી હતી. સરકારી તંત્રએ આ માગણી ફગાવી દેતા રાઇડ્સ સંચાલકોએ મેળાનો બહિષ્કાર કર્યો હતો.

જન્માષ્ટમીના લોકમેળામાં ગણપતિ ઊંધા બેઠા હોય તેમ મેળામાં રાઈડ્સનો વિવાદ ઉદ્ઘાટનના એક દિવસ પહેલા જ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ફાઉન્ડેશન વગરની રાઇડ્સ ચાલુ કરવી કે કેમ ? તેનો ચુકાદો આજે શુક્રવારે હાઇકોર્ટ આપનાર હોય રાઈડ્સ સંચાલકો સહિત મેળાના માણીગરોમાં ભારે ઊંચાટ ફેલાયો છે.

રાજકોટના રેસકોર્સ મેદાનમાં શનિવારથી પાંચ દિવસીય મેળાનો પ્રારંભ થનાર છે. મેદાનમાં રમકડા, રાઈડ્સ, મોતના કૂવા, બોટ સહિત મનોરંજનના સાધનો ઊભા થઈ ગયા છે ત્યારે કલેક્ટર તંત્ર દ્વારા યાંત્રિક માટે ફાઉન્ડેશન, એનડીટી અને સોઇલ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

મેળા ના મેદાનમાં 31 જેટલી રાઈડ્સ ઉભી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તેમાં એક પણ રાઇડ્સમાં ફાઉન્ડેશન ભરવામાં આવ્યું નથી તેના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળામાં રાઈડ્સ ચાલુ કરવાની પરવાનગી આપશે નહીં.

ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીના મેળાની એસઓપીને લઈને જે ઘમાસાણ સર્જાયું છે. હવે લોકોમાં એવો પણ ડર છે કે આવી રીતે નવરાત્રી અને દિવાળીએ પણ કડક નિયમો આવશે તો તહેવારોની ઉજવણી ફિક્કી પડી જશે.

ફાઉન્ડેશન માટે ઓછામાં ઓછા 12 દિવસ જોઈએ, હવે કરવું શક્ય નથી: રાઈડ્સ સંચાલકો

રાઇડ્સ ના સંચાલકોએ શહેરમાં આવેલા ખાનગી મેળામાં સોઇલ રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા ફાઉન્ડેશનની જરૂર નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેના આધારે સરકારે બનાવેલી એસ ઓ પી સામે રાઇડ્સ સંચાલકોએ ગઈકાલે  હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી હતી. પિટિશનમાં સંચાલકોએ એવો મુદ્દો છેડ્યો છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળામાં રાઇડ્સ ઉભી કરવા માટે જે સમય આપવામાં આવ્યો છે તે આ પૂરતો છે. કારણ કે ફાઉન્ડેશન કરવું

હોય તો ઓછામાં ઓછા 12 દિવસ આપવા પડે. પરંતુ તંત્રએ છ દિવસ પહેલા જ મેદાન સોપ્યું છે. આથી આટલા ટૂંકા સમયમાં ફાઉન્ડેશન કરવું શક્ય નથી.

મેળાઓને ફાયર એનઓસી કઇ રીતે મળશે?

રાઇડ્સ શરૂ કરવા માટે રાજકોટ શહેરમાં ચાર જેટલા ખાનગી મેળાના સંચાલકોએ પોલીસ કમિશનર દ્વારા બનાવવામાં આવેલી જોઈન્ટ કમિટી સમક્ષ અરજી કરી હોવાનું માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. સરકારી તંત્ર આયોજિત રેસકોસ લોકમેળામાં હજુ સુધી એક પણ રાઈડ્સના સંચાલકોએ અરજી કરી નથી. બીજી તરફ કોર્પોરેશનમાં પણ ફાયર ઓફિસર જ ન હોય ફાયર એનઓસી આપશે કોણ તે પણ પ્રશ્ન સર્જાયો છે.

રાઈડ્સની કામગીરી બંધ કરાવી દેવાય

ગઈકાલે મોડી સાંજે કલેક્ટર, પ્રાંત અને પોલીસ અધિકારીઓનો કાફલો રેસકોર્ષ મેદાનમાં પહોંચી રાઈડ્સ ઉભી કરવાની કામગીરી બંધ કરાવી રાઈડ્સને આપવામાં આવેલા વીજ કનેક્શન પણ બંધ કરી દેવામાં આવતા રાઈડ્સ સંચાલકોમાં સોપો પડી ગયો હતો. રેસકોર્ષ મેદાનમાં 31 પ્લોટ ઉપર રાઈડ્સ અને ફજતફાળકા ફાઉન્ડેશન વગર જ ઉભા કરવામાં આવ્યા છે. આ મામલે કલેક્ટર અને પોલીસ તંત્ર દ્વારા રાઈડ્સ સંચાલકો સાથે ગઈકાલે બેઠક કરવામાં આવી હતી. તેમાં સરકારની એસઓપી મુજબ જે રાઈડ્સ હશે તેને મંજૂરી

આપવાની તાકીદ કરવામાં આવી હતી. પરતું આમ છતાં પણ રાઈડ્સ સંચાલકોએ નિયમમાં છૂટછાટ મળવાની આશાએ રાઈડ્સના માચડા ઉભા કરી દિધા હતા. બાદમાં કલેક્ટર તંત્ર દ્વારા સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી હતી કે, કોઈ છૂટછાટ આપવામાં આવશે નહી. બાદમાં રાઈડ્સ સંચાલકોએ સરકારના નિયમમાં રાહત આપવાની માંગણી સાથે હાઈકોર્ટમાં રિટ પીટીશન દાખલ કરવામાં આવી હતી. દરમિયાન હાઈકોર્ટનો ચૂકાદો આવે તે પહેલા જ આજે મોડીસાંજના પોલીસ અધિકારી અને કલેક્ટર તંત્રના આલા અફસરો મેળાના મેદાનમાં પહોચી રાઈડ્સ ઉભી કરવાની ચાલતી કામગીરી બંધ કરાવી દિધી છે.

રાઈડ્સને લઈ લોકોની લાગણી અધિકારીઓએ સમજવી જરૂરી

કલેક્ટરે એવું કહ્યું હતું કે, રાઈડ્સ હોય તો જ મેળો માણી શકાય એવું ન હોય. રાજકોટના પાંચ દિવસીય લોકમેળામાં આશરે 8થી10 લાખ લોકો આવતા હોય ત્યારે તેની સલામતિનો પ્રશ્ન અગત્યનો છે. મેળામાં જાદુગર, નાની રાઈડ્સ સહિતના મનોરંજનના સાધનો છે. આમ છતા અન્ય આકર્ષણ ઉમેરવામાં આવશે. જો કે રાઈડ્સને લઈને અધિકારીઓએ લોકોની લાગણી સમજવી જરૂરી છે. રાઈડ્સ વગરનો મેળો એટલે ફટાકડા વગરની દિવાળી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.