કોરોના બાદ સૌપ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ સામે ૩ ટેસ્ટ મેચની સીરીઝ રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચી છે જેમાં પ્રથમ ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝે માઈન્ડ ગેમ થકી જીતી હતી ત્યારે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ ડ્રાઈવીંગ સીટ ઉપર જોવા મળ્યું હતું. ચોથા દિવસના અંતે ઈંગ્લેન્ડ ૩૭ રનનાં સ્કોર પર બે વિકેટ ગુમાવી હતી અને ૨૧૯ રનની લીડ પણ મેળવી હતી ત્યારે બાકી રહેતા આજના દિવસમાં વિન્ડીઝને હરાવી શ્રેણી સરભર કરવાની તક ઈંગ્લેન્ડને મળી છે પરંતુ જોવાની વાત એ છે કે, આજના બાકી રહેતા દિવસમાં ઈંગ્લેન્ડની બીજી ઈનીંગનો દાવ પણ હજુ બાકી છે અને ટેસ્ટ મેચ જીતવા માટે આજના દિવસમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને ઓલઆઉટ કરવા પડશે જો આ સ્થિતિ શકય બને તો ઈંગ્લેન્ડ આ બીજી ટેસ્ટ મેચ જીતી શકશે અને ત્રણ મેચની શ્રેણી ૧-૧થી બરાબર કરી શકશે.
ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં માન્ચેસ્ટર ખાતે ૨ વિકેટે ૩૭ રન કર્યા છે. તે વેસ્ટ ઇન્ડીઝથી ૨૧૯ રન આગળ છે. બેન સ્ટોક્સ ૧૬ રને અને જો રૂટ ૮ રને રમી રહ્યા છે. જોસ બટલર શૂન્ય રને કેમર રોચની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી ઝેક ક્રોલે ૧૧ રને રોચની બોલિંગમાં બોલ્ડ થયો હતો. વેસ્ટ ઇન્ડીઝ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં માન્ચેસ્ટર ખાતે ૨૮૭ રનમાં ઓલઆઉટ થયું છે. ઇંગ્લેન્ડને ફર્સ્ટ ઇનિંગ્સમાં ૧૮૨ રનની લીડ મળી છે. તેમના માટે સ્ટુઅર્ટ બ્રોડ અને ક્રિસ વોક્સે ૩-૩ વિકેટ, સેમ કરને ૨ વિકેટ, જ્યારે બેન સ્ટોક્સ અને ડોમિનિક બેસે ૧-૧ વિકેટ લીધી હતી. વિન્ડિઝ માટે ક્રેગ બ્રેઠવેટ, એસ બ્રુક્સ અને રોસ્ટન ચેઝે ફિફટી મારી હતી.
વેસ્ટ ઇન્ડીઝ માટે ઓપનર બ્રેથવેટે ૭૫ રન કર્યા હતા. તેણે ૧૬૫ બોલની ઇનિંગ્સ દરમિયાન ૮ ફોરની મદદથી કરિયરની ૧૯મી ફિફટી મારી હતી. તે બેન સ્ટોક્સની બોલિંગમાં રિટર્ન કેચ આપી બેઠો હતો. એસ બ્રુક્સે પણ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા ૬૮ રનની મહત્ત્વની ઇનિંગ્સ રમી હતી. ટેસ્ટ કરિયરની ૮મી ઇનિંગ્સમાં તેની બીજી ફિફટી અને ત્રીજો ૫૦+ સ્કોર હતો. તે સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે ૧૩૭ બોલની ઇનિંગ્સ દરમિયાન ૧૧ ફોર મારી હતી. રોસ્ટન ચેઝે ફિફટી ફટકારી મહેમાન ટીમ પરથી ફોલોઓનનો ખતરો હટાવ્યો હતો.