દેશ બદલ રહા હૈ!!!
દેશના નાગરિકોને તંદુરસ્ત રાખવા સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન: વ્યક્તિગત હેલ્થ આઈડી, હેલ્થ રેકોર્ડ ડિજિટલ બનાવવા, ડોકટરોની ઓનલાઈન નોંધણી સહિતના મુદ્દાને આવરી લેવાયા
દેશનો દરેક નાગરિક રાષ્ટ્રની સંપતિ છે. જેથી નાગરિકને યોગ્ય સારવાર મળી રહે તે જવાબદારી પણ રાષ્ટ્રની બને છે. આવા સંજોગોમાં આગામી તા.૧૫ ઓગષ્ટના સ્વાતંત્રતા પર્વે મોદી સરકાર નેશનલ ડિજીટલ હેલ્થ મિશનની જાહેરાત કરે તેવી શકયતા છે. સરકારના આ અભિયાન અંતર્ગત ઈ-ફાર્મસી અને મેડિસીન સર્વિસને પણ આવરી લેવાશે. નોંધણી પ્રક્રિયામાંથી પસાર થનાર ઈ-ફાર્મસી કે ટેલી મેડિસીન સર્વિસના કારણે પારંપરિક દવાની દુકાનો ઉપર જોખમ તોળાય રહ્યું છે. અત્યાર સુધી ગ્રાહકોને લલચાવવા માટે આ ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીન સર્વિસ ધમપછાડા કરી રહી હતી. અલબત હવે સરકારના નવા અભિયાનના કારણે ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીન સર્વિસ માટે માર્ગ મોકળો બની જશે.
વડાપ્રધાન મોદીની આગેવાનીમાં તૈયાર કરાયેલા નેશનલ ડિજીટલ હેલ્થ મિશનના કારણે દરેક નાગરિકના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેવાશે. કોરોના મહામારી બાદ મોટાભાગની સેવાઓ ડિજીટલ થવા લાગી છે. ઈ-કોમર્સનો જમાનો આવ્યો છે. શિક્ષણ પણ ઓનલાઈન થઈ ચૂકયું છે. મોટાભાગના વ્યવહારો ઓનલાઈન થઈ ચૂકયા છે. ત્યારે મેડિકલ ક્ષેત્રને પણ ડિજીટલ વાઘા પહેરાવવાની તૈયારી સરકારની છે. જેના અનુસંધાને સરકાર હેલ્થ આઈડી, પર્સનલ હેલ્થ રેકોર્ડ, ડીજી ડોકટર, આરોગ્ય સેવા માટેની નોંધણી સહિતની સેવાઓને ઓનલાઈન કરશે. આ ઉપરાંત આ સેવાઓમાં ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીન સર્વિસને પણ જોડી દેવાશે.
સરકારના હેલ્થ અભિયાનથી આરોગ્ય સેવાઓની ક્ષમતા વધશે અને તેમાં પારદર્શીતા આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ યોજનાના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર વૈશ્ર્વિક હેલ્થ કવરેજનું લક્ષ્યાંક પણ પાર થશે તેવી ધારણા છે. નોંધનીય છે કે, વિશ્ર્વની સૌથી મોટી હેલ્થ યોજના આયુષ્માન ભારતની અમલવારી બાદ હવે સરકાર નેશનલ ડિજીટલ હેલ્થ મિશન તરફ આગળ વધી રહી છે. આ અભિયાન અંતર્ગત ૭૫૦ કરોડનું બજેટ ફાળવવાની દરખાસ્ત થઈ હતી.
સરકારના અભિયાન હેઠળ હવે નાગરિક ઈચ્છે ત્યારે પોતાના યુનિક હેલ્થ આઈડી સાથે આધારકાર્ડને પણ જોડી શકશે. આ આઈડી આખા દેશમાં ઉપયોગમાં લઈ શકાશે. હોસ્પિટલ, લેબોરેટરી કે ફાર્મસીમાં આ આઈડીના માધ્યમથી આરોગ્ય સેવા લઈ શકાશે. અલબત હેલ્થ મિશન અંતર્ગત નોંધાવવું ફરજિયાત રહેશે નહીં. સરકારની આ યોજનાથી સ્થાનિક દવાઓની દુકાનને ફટકો પડે તેવી સ્થિતિ છે. સરકાર ડિજીટલ પ્લેટફોર્મ માટે માર્ગ મોકળો કરશે તો ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીન તરફ ગ્રાહકો વધુ આકર્ષાશે. પરિણામે ઈ-ફાર્મસીના કારણે દવાની દુકાનોને તાળા લાગી શકે તેવી ભીતિ છે. જો કે, કોરોના મહામારી બાદ મોટાભાગની શોપીંગ કે સર્વિસ ઓનલાઈન થવા જઈ રહી છે. ત્યારે અનેક પડકારોનો સામનો પણ આ સેવાઓમાં કરવો પડી શકે છે. હાલ તો મોદી સરકાર ૧૫મી ઓગષ્ટે આરોગ્ય માટેના ડિજીટલ પ્લેટફોર્મની જાહેરાત કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
ડિજિટલ હેલ્થ સિસ્ટમની અમલવારીમાં શું ધ્યાનમાં લેવાશે?
આરોગ્ય સેવાઓને ડિજીટલ પ્લેટફોર્મ આપવા માટેની અમલવારીથી આરોગ્ય માટેના ડેટા કલેકટ કરવાની ગુણવતા સુધરશે. નાગરિકના આરોગ્યના ડેટાને એક સ્થળે સ્ટોર કરવામાં આવશે. તેને આપવામાં આવેલા હેલ્થ આઈડી કાર્ડથી સારવાર, નિદાનમાં સરળતા રહેશે. આ પદ્ધતિની અમલવારીથી તબીબોને નિદાન કરવામાં વધુ અનુકુળતા રહેશે.
હેલ્થ મિશનમાં આટલું આવરી લેવાશે
મોદી સરકારના નેશનલ ડિજીટલ હેલ્થ મિશન અંતર્ગત નાગરિકોને હેલ્થ આઈડી અપાશે. આ ઉપરાંત વ્યક્તિગત હેલ્થ રેકોર્ડ પણ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ રહેશે. ડીજી ડોકટર સેવાના માધ્યમથી દેશભરના તબીબોની એક પ્લેટફોર્મ ઉપર નોંધણી થશે. હેલ્થને લગતી સુવિધાની પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીનને પણ સરકારના અભિયાન હેઠળ આવરી લેવાશે.
સાયબર સિક્યુરીટી મુદ્દે ખતરો પણ ખરો!
દેશમાં વધુને વધુ ક્ષેત્રો ડિજીટલાઈઝ થઈ રહ્યાં છે. પરંતુ કોઈ પદ્ધતિના જેમ સારા પરિણામ હોય છે તેમ કેટલીક ખરાબ અસરો પણ જોવા મળે છે. સરકારના આરોગ્ય અભિયાનમાં અનેક પાસાઓ સારા છે પરંતુ આ અભિયાન ઓનલાઈન હોવાથી સાયબર સિક્યુરીટી પર મોટો ખતરો છે. કોઈના ડેટા ચોરાય શકે તેવી દહેશત પણ છે. આરોગ્યને લગતા ડેટા સાથે છેડછાડ પણ થઈ શકે છે.
ડિજિ ડોકટર વિકલ્પથી તબીબોની વિગતો ચપટીમાં મળી જશે
ડીજી ડોકટરના વિકલ્પના કારણે હવે દેશના તમામ તબીબોને એક પ્લેટફોર્મ ઉપર લાવી શકાશે. તેમના સંપર્ક નંબર પણ હાજર રહેશે. ડીજી ડોકટરના કારણે દર્દીને જ્યારે પ્રિસ્ક્રીપ્શનની જરૂર હશે ત્યારે તબીબે કરેલી ડિજીટલ સહી તે પ્રિસ્ક્રીપ્શન માટે ઉપયોગ થઈ શકશે. ઝડપી અને સચ્ચોટ નિદાન માટે ડીજી ડોકટર પ્લેટફોર્મ મહત્વનું સાબીત થશે.