અમિત જેઠવાના પિતાએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી: સુનાવણીમાં ઉતાવળ ન કરવા કરી માગ
આરટીઆઇ એક્ટિવીસ્ટ અમીત જેઠવાની થયેલી હત્યા કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિતનાને અદાલતે દોષિત ઠરાવી ફટકારેલી સજા સામે હાઇકોર્ટમાં થયેલી અપીલની સુનાવણી આવતા તાત્કાલિક ચલાવવા અંગેના નિર્ણય સામે મૃતક અમીત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી અપીલની સુનાવણીમાં ઉતાવળ ન કરવા દાદ માગી છે. કેસ લાંબો સમય સુધી કોર્ટમાં પેન્ડીગ રહે ત્યારે કાયદાની કેટલીક જોગવાય અનુસાર દિનુ બોઘાને જામીન મળી શકે તેવી શકતાઓ કાયદા નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
આરટીઆઇ એક્ટિવીસ્ટ અમીત જેઠવા દ્વારા ગીર પંથકમાં ચાલતી ગેરરીતી અંગેની વિગતો માગી રાજકીય સાંઠગાંઠ ધરાવતા શખ્સોને ખુલ્લા પાડવા પ્રયાસ કરતા અમીત જેઠવાની બોલતી બંધ કરવા અમદાવાદ ખાતે 2010માં સરા જાહેર હત્યા કરવામાં આવી હતી.
અમીત જેઠવા હત્યા કેસની સુનાવણી સીબીઆઇની ખાસ કોર્ટમાં પુરી થતા અદાલતે તા.11 જુન 2019ના રોજ પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત છને આજીવન કેદની સજા ફટકારી હતી. સજાના હુકમ સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.
હાઇકોર્ટમાં થયેલી અપીલની સુનાવણી ચાલી રહી છે. ગઇકાલની સુનાવણી દરમિયાન તા.19 એપ્રિલથી અપીલની સુનાવણી દરરોજ કરી તાત્કાલિક કેસ ચલાવવા દલીલ થઇ હતી. બીજી તરફ ફરિયાદ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. થોડા સમય પૂર્વે સુપ્રીમ કોર્ટ દ્વારા દેશની તમામ નીચેની અદાલતોને આદેશ આપવામાં આવ્યો છે કે વર્તમાન કે ભૂતપુર્વ સાંસદ કે ધારાસભ્ય સામે પડતર કેસની તાત્કાલિક સુનાવણી હાથ ધરી નિર્ણય કરી નિકાલ કરવા હુકમ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને નીચેની કોર્ટ કે હાઇકોર્ટ દ્વારા આ પ્રકારના કેસના નિકાલ લાવવા મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગત તા.5 માર્ચે ફરિયાદ પક્ષ દ્વારા હાઇકોર્ટમાં રજુઆત કરી હતી તેમાં અમીત જેઠવા હત્યા કેસના ચુકાદો અને ચાર્જશીટ સહિતના 20 હજારથી વધુ દસ્તાવેજ હોવાથી તેના અભ્યાસ માટે સમયની માગ કરી છે. અપીલ દાખલ થઇ તે પહેલાં સાત હજાર જેટલી અપીલ પડતર છે. આ સુનાવણી ત્વરીત જણાતી નથી. જ્યારે દિનુ બોઘાના એડવોકેટ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, આ અપીલ પર ઝડપથી સુનાવણી હાથ ધરવા માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે દીનું બોઘાની અપીલ પૂર્વે હાઇકોર્ટમાં નીચલી અદાલતોના હુકમ સામે 7000 જેટલી અપીલ થયેલી છે. અને તે પડતર છે. આ કેસમાં સજા કાપતા દોષીતોની અપીલ ઉપટ ત્વરિતપણે સુનાવણી કરવાની જરૂર જણાતી ન હોવાનું જાણવા મળ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશની તમામ હાઇકોર્ટને આદેશ આપવામાં આવ્યો હતો કે વર્તમાન કે ભૂતપૂર્વ ધારાસભ્ય કે સાંસદોના કેસો પર ત્વરિત પણે સુનાવણી કરીને તેના ઉપર યોગ્ય નિર્ણય કરવામાં આવે. આ આદેશને પગલે નીચલી અદાલતો સહિત હાઇકોર્ટમાં આ પ્રકારના કેસોની સુનાવણી કરવામાં આવી રહી છે.