નલીયા અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો : બુધવારથી પારો બેથી ચાર ડિગ્રી સુધી નીચો પટકાશે
અબતક,રાજકોટ
વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે દિવાળી બાદ બે વખત કમૌસમી વરસાદ પડવાથી આ વર્ષ શિયાળો થોડો ડિસ્ટર્બ થયો છે. ઠંડીના પ્રમાણમાં સતત વધઘટ થઈ રહી છે આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનનો પારો ઉચકાયો છે. આગામી બુધવારથી ફરી ઠંડીનુ જોર વધશે અને લઘુત્તમ તાપમાન 2 થી ચાર ડિગ્રી સુધી નીચુ આવશે. દરમિયાન ડિસેમ્બર માસના અંતમાં શિયાળો બરાબરની જમાવટ કરશે અને મોટાભાગના શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં જોવા મળશે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર આગામી બુધવારથી ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાનનો પારો બે થી ચાર ડિગ્રી સુધી નીચે પટકાશે છેલ્લા ચાર દિવસથી કચ્છના નલીયાનું તાપમાન સિંગલ ડિજિટમાં છે. આજે પણ નલીયા 8.8 ડિગ્રી સેલ્શીયસ સાથે ઠંડીમાં ઠુંઠવાયું હતુ.ં જો કે ગઈકાલની સરખામણીએ નલીયાના તાપમાનમાં 1.4 ડિગ્રીનો વધારો નોંધાતા નલીયાવાસીઓને ઠંડીમાં થોડી રાહત મળી હતી. આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન 16.7 ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ટકા અને પવનની સરેરાશ ઝડપ 6 કિ.મી.પ્રતિકલાક રહેવા પામી હતી. સવારે 8.30 કલાકે પારો 18.6 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગઈકાલની સરખામણીએ રાજકોટમાં આજ ઠંડીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન હાલ ઉત્તર ભારતનાં રાજ્યમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસરતળે આગામી બુધવારથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાનમાં બે થી લઈ ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. ડિસેમ્બર માસના અંતમાં શિયાળો જમાવટ કરશે રાજ્યના મોટાભાગનાં શહેરોનું લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં જોવા મળશે. વહેલી સવારે અને મોડી રાત્રે ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે તેવી ઠંડી પડી રહી છે. બીજી તરફ બપોરના સમયે પંખા ચાલુ રાખવા પડે તેવી ગરમીનો અહેસાસ થઈ રહી છે.