છેલ્લા બે મહિનાથી ભારતભરમાં મોટાપાયે ફેલાઈને જાનહાની સર્જનાર કોરોનાના ડેલ્ટા વેરીયન્ટનો ડંખ ત્રીજી લહેર નોતરશે તેવી આશંકા આરોગ્ય નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે. કોરોનાનું ડેલ્ટારૂપ વિશ્ર્વના અનેક દેશોમાં ઝડપથી પ્રસરી રહ્યું છે અને રોજેરોજ સેંકડો લોકો તેની ઝપટે ચડી રહ્યાં છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ભારતમાં સૌપ્રથમ 2020ના અંત ભાગમાં ડેલ્ટાનો પરચો મળ્યો હતો પરંતુ તેના કેસ નોંધાયા નહોતા. ગુજરાતમાં 2 દિવસ અગાઉ ડેલ્ટા સંસ્કરણના બે કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
અત્યારે બ્રિટન, ઈઝરાયલ, રશિયા અને ઓસ્ટ્રેલીયામાં ડેલ્ટા ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ડેલ્ટાના કેસમાં ઉછાળો નોંધાયો છે. ડેલ્ટા વાયરસ ખુબજ ઘાતક છે અને ઝડપથી ચેપ લગાવે છે. મોટાભાગના દેશોમાં સઘન વેક્સિનેશનને કારણે કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ત્યારે ડેલ્ટા વેરીયન્ટ નવો પડકાર લઈને ફરીવાર અનેક લોકોને ઝપેટમાં લઈ લેશે તેવી શંકા રાખવામાં આવી છે. કોરોનાએ વિશ્ર્વમાં અત્યાર સુધીમાં 39 લાખ લોકોનો ભોગ લઈ લીધો છે એટલે ડેલ્ટાનો ડંખ ભારત સહિતના દેશમાં ત્રીજી લહેર લાવી શકે તેવો ભય ઉભો થયો છે.
ભારત પછી સૌથી વધુ ખતરો ડેલ્ટાને કારણે બ્રિટન અને યુરોપમાં ઉભો થયો છે. સૌથી વધુ કેસો 35204 બ્રિટનમાં નોંધાયા છે. એ તમામ કેસ ડેલ્ટાના છે. આ રીતે ત્યાંના ડેલ્ટાના કેસોની સંખ્યા વધી 1,11,157 થઈ ગઈ છે. રોજિંદા કેસોમાં ડેલ્ટા વેરીયન્ટ જ જોવા મળી રહ્યો છે. ઈંગ્લેન્ડના જાહેર આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, અત્યારે બ્રિટનમાં નવા નોંધાતા કેસોમાંથી બહુમતિ કેસોમાં ડેલ્ટા વાયરસ જોવા મળી રહ્યો છે જે વધુ ચિંતાજનક છે. જર્મનીમાં પણ ગયા સપ્તાહે ડેલ્ટાના કેસો નોંધાયા છે. જર્મનીના પ્રમુખ એન્જેલા મર્કરે સમગ્ર યુરોપને ચેતવણી આપી છે કે, કોરોના વાયરસ સામેના જંગમાં યુરોપ તંગદોર પર ચાલી રહ્યું છે. એવામાં સૌથી વધુ ઝડપથી ચેપ ફેલાવતા ડેલ્ટાએ પ્રવેશ ર્ક્યો છે. રશિયામાં ડેલ્ટા વાયરસના 20,000 કેસ નોંધાયા છે.
આ તમામ કેસ મે ના અંતથી જુનના મધ્ય સુધીમાં નોંધાયા છે. મોસ્કોમાં નવા કેસો પૈકીના 90 ટકા કેસો ડેલ્ટા કોવિડ વાયરસના જોવા મળ્યા છે જેના પરિણામે રશિયા અને સમગ્ર યુરોપમાં ભયની લાગણી પ્રસરી વળી છે. ઉનાળા દરમિયાન પણ ડેલ્ટા બહુ ઝડપથી ફેલાઈ શકે છે. જે લોકોએ રસી લીધી નથી તેવા યુવાનોને ઝડપથી અસર કરી શકે છે તેવું યુરોપના નિષ્ણાંત એન્ડ્રીયા એમોને જણાવ્યું હતું. કોરોનાના અન્ય રૂપ કરતા ડેલ્ટાનું સંસ્કરણ ઝડપથી ફેલાય છે. અન્ય કેસો કરતા અનેકગણી વધુ ઝડપથી વ્યક્તિ ડેલ્ટાનો શિકાર બની શકે છે. ઓસ્ટ્રેલીયા અને ઈઝરાયલ જેવા દેશોએ ડેલ્ટાના જોખમને જોઈને નવા નિયંત્રણો લાગુ કરવા પડ્યા છે. સિડનીને લોકડાઉન કરી દેવું પડ્યું છે.
વિશ્ર્વમાં સૌથી વધુ ઝડપથી લગભગ આખા દેશનું રસીકરણ કરવાની સિધ્ધી પ્રાપ્ત કરનાર ઈઝરાયલે માસ્ક પહેરવાનું ફરીથી ફરજિયાત બનાવવું પડ્યું છે. એક દિવસમાં 100થી વધુ નવા કેસો નોંધાયા હતા. કોરોનાના અન્ય સંસ્કરણોએ વિદાય લીધા બાદ ઈઝરાયલમાં ડેલ્ટાએ પ્રવેશ કરી નવો પડકાર ઉભો કરી દીધો છે. બાંગ્લાદેશ પણ ડેલ્ટાના કારણે પરેશાન થઈ રહ્યું છે. નવા કેસો ડેલ્ટાના કારણે જ વધી રહ્યાંનું બાંગ્લાદેશના આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
નવાઈની વાત એ છે કે, કોરોનાના તમામ પ્રકારના વેરીયન્ટની અત્યાર સુધી મોટાભાગે સુરક્ષીત રહેલા આફ્રિકા ખંડમાં ડેલ્ટા ઝડપથી ફેલાઈ રહ્યો છે. આફ્રિકાના એક નિષ્ણાંત જોહન કેંગાસોંગે ડેલ્ટાને અત્યંત ઘાતક અને વિનાશક વાયરસ ગણાવ્યો છે.