દેશના ચીફ વિઝિલન્સ કમિશનરની મહત્વની પોસ્ટ માટે આગામી તા.23 જુન સુધીમાં નિર્ણય લેવામાં આવશે. ખાલી પડેલી સીવીસી પોસ્ટ માટે વડા પ્રધાન, ગૃહ મંત્રી અને વિરોધ પક્ષના નેતાની બનેલી કમિટીમાં નવા સીવીસી અંગે નિર્ણય લેવામાં આવે છે. જેમાં ગુજરાત કેટરના સેવા નિવૃત આઇપીએસ અધિકારી સહિત પાંચ સનદી અધિકારીઓના નામની ચર્ચા ચાલી રહી છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી હમેશા કલ્પના બહારના જ કંઇ નવું નામ આપે તો ગુજરાત કેડરના નિવૃત આઇપીએસ ડાર્ક હોર્સ સાબીત થશે તેવી ચર્ચા થઇ રહી છે. દેશના ચીફ વિઝિલન્સ કમિશનર સંજય કોઠારી તા.23 જુન 2021ના રોજ નિવૃત થતા હોવાથી તેમની ખાલી પડનાર પોસ્ટ પર નવા અધિકારીની નિમણુંક કરવા માટે ઉચ્ચ કક્ષાએ ધમધમાટ શરૂ થયો છે.
હાલના ચીફ વિઝિલન્સ કમિશનર સંજય કોઠારી હરિયાણા કેડરના 1978ની આઇએએસ બેન્ચના અધિકારી છે. તેઓ 2016માં ડીપાર્ટમેન્ટ ઓફ પર્શનલ એન્ડ ટ્રેનિંગના સચીવ તરીકે નિવૃત થયા હતા. જુલાઇ 2017માં રાષ્ટ્રપતિના સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
દેશના તત્કાલિક ચીફ વિઝિલન્સ કમિશનર કે.વી.ચૌધરી નિવૃત થયા બાદ તેમના સ્થાને કેન્દ્ર સરકારના હાઇ લેવલ સિલેકશન કમિટિએ રાષ્ટ્રપતિના સચિવ સંજય કોઠારીને ચીફ વિઝિલન્સ કમિશનર તરીકે નિમણુંક આપવામાં આવી હતી. તેમનો કાર્યકાળ ચાલુ વર્ષના જુન માસમાં પુરો થતો હોય તેમના સ્થાન માટે વડા પ્રધાન, ગૃહ મંત્રી અને વિરોધ પક્ષના નેતાની બનેલી કમિટિ ટૂંક સમયમાં મળશે તેમાં પીએમઓ દ્વારા શોર્ટ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક નામ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ઇડીના વર્તમાન વડા સંજય મિશ્રા, એનઆઇએના પૂર્વ વડા વાય.સી.મોદી, સીબીઆઇના પૂર્વ વડા રિષીકુમાર શુકલા અને સીબીડીટીના પૂર્વ વડા પી.સી.મોદીના નામની ચર્ચા ચાલી રહી છે. જો કે, વડા પ્રધાન મોદી ફરી એક વખત સીવીસી જેવી મહત્વની જગ્યા ચર્ચામાં નામ ન હોય તેવા નિવૃત અધિકારીને બેસાડી વધુ એક વખત કરિશ્મા બતાવશે તેવી ચર્ચા થઇ રહી છે.
નરેન્દ્રભાઇ મોદી વડા પ્રધાન બન્યા બાદ ગુજરાત કેડરના આઇપીએસ અધિકારીને દિલ્હી ખાતે ડેપ્યુટેશનમાં લઇ જઇ સીબીઆઇ જેવી મહત્વની એજન્સીમાં નિમણુંક આપી હતી. તાજેતરમાં જ સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર પદે ફરજ બજાવી ચુકેલા ગુજરાત કેડરના નિવૃત આઇપીએસ અધિકારીની પંસદગી થાય તેવી શકતતા વ્યક્ત થઇ રહી છે. વડા પ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના વિશ્ર્વાસુ ગણાતા નિવૃત આઇપીએસ અધિકારીએ સીબીઆઇના કાર્યકાળ દરમિયાન આર્થિક ફોર્ડ અંગેની મહત્વની તપાસ કરી હતી.