દેશના 80 ટકા એકટીવ કેસ માત્ર છ રાજયમાં; ગુજરાતનો પણ સમાવેશ
દેશના કુલ કેસના 58 ટકા કેસ મહારાષ્ટ્રમાં; પરિસ્થિતિ બેકાબુ
કોરોના વાયરસની વૈશ્ર્વિક મહામારીમાંથી મૂકત થવા વિશ્ર્વભરના દેશોની સરકાર, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વૈજ્ઞાનિકો પ્રયાસમાં ઝુંટાયા છે. વાયરસને નાથવા ભારત સહિત વિશ્ર્વના મોટાભાગનાં તમામ દેશોમાં રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. આ વચ્ચે થોડા સમયનાં વિરામ બાદ કોરોનાએ ભારતમાં ફરી માથું ઉંચકતા પરિસ્થિતિ વણસતી જઈ રહી છે. વધતા વાયરસે સરકારને દોડતી કરી દીધી છે. છેલ્લા વિસેક દિવસથી કેસ સતત વધતા મોદી સરકાર ફરી એકશનમાં આવી ગઈ છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજયોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ગવર્નર સાથે બેઠક યોજવાના છે.જેમાં કોરોના પરિસ્થિતિનો તાગ મેળવશે અને જરૂરી મહત્વના પગલાઓ ભરે તેવી ધારણા છે.
વર્ષ 2020માં માર્ચથી જૂન માસ દરમિયાન જે સ્થિતિ હતી તેના કરતા પણ ઘાતક સ્થિતિ હાલ ઉભી થઈ છે. ગત 15 દિવસમાં 3 લાખ નવા કેસ નોંધાયા છે. તો 1700 લોકોના મોત થયા છે. એમાં પણ સૌથી ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્રમાં ઉભી થઈ છે. દેશના કુલ 58 ટકા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દેશના કુલ 85 ટકા કેસતો માત્ર છ રાજયમાં છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને ગુજરાત, તમિલનાડુનો સમાવેશ છે. કોરોના જે ગતિએ ફરી આગળ ધપી રહ્યો છે. એને જોતા એ પ્રશ્ર્ન જરૂર ઉઠે કે વાયરસ ફરી લોકડાઉન લ્યાવશે કે શું?? કેન્દ્ર સરકાર હવે, આ અંગે શું પગલા ભરશે? નવી ગાઈડલાઈન જારી કરશે કે કેમ?? આવતીકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે કોરોના પરિસ્થિતિ વિશે મહત્વની બેઠકો યોજેલી છેલ્લે રસીકરણ ઝુંબેશ શરૂ થવાના આગલા દિવસે 15મી જાન્યુઆરીએ બેઠક યોજી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને જણાવ્યું કે, 17મી માર્ચે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે દેશના અમૂક જ રાજયોમાં 80 ટકા કેસ છે જે ચિંતાજનક છે. કોરોનાને નાથવામાં રસીની સાથે નિયમોનું પાલન જરૂરી છે. પરંતુ નિયમોનો ઉલાળીયો કોરોનાને વકરવામાં વેગ આપી રહ્યો છે. ગઈકાલે 26,291 નવા કેસ નોંધાયા હતા. જે ગત 85 દિવસના ગાળામાં સૌથી વધુ છે.