13થી 15મે સુધી યોજાનારી ચિંતન શિબિરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પ્રશાંત કિશોર સાંસદો, ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓ સાથે કરશે ચિંતન
9 વર્ષ બાદ કોંગ્રેસ રાજસ્થાનના ઉદયપુરમાં ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજવા જઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉદયપુર શહેરમાં ચિંતન શિબિર માટે બે લક્ઝરી હોટલ બુક કરવામાં આવી છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને રાજ્યના પ્રભારી અજય માકને ઉદયપુરની મુલાકાત લીધી હતી અને ચિંતન શિબીર માટે ઘણી હોટલોની મુલાકાત લીધી હતી, જેમાંથી હાલમાં બે હોટલને ફાઈનલ કરવામાં આવી છે. જો કે, ચિંતન શિબીરની તૈયારીઓને લઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સીએમ અશોક ગેહલોત અને રાજસ્થાનના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે બંને પાસેથી ફીડબેક લીધા છે.
9 વર્ષ બાદ ચિંતન શિબિર યોજાઈ રહી છે લગભગ 9 વર્ષ બાદ રાજસ્થાનમાં કોંગ્રેસની આ રાષ્ટ્રીય ચિંતન શિબિર હશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પ્રશાંત કિશોર સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ 13 થી 15 મે સુધી પ્રસ્તાવિત ચિંતન શિબિરમાં હાજર રહેશે. આ ચિંતન શિબિરમાં કોંગ્રેસના તમામ સાંસદો અને ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. આ સાથે પાર્ટીના પદાધિકારીઓ અને સક્રિય કાર્યકરોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. મિશન 2024 અંતર્ગત કોંગ્રેસની એક્શન પ્લાન વિશે દરેકને માહિતગાર કરવામાં આવશે. જેના પર પ્રશાંત કિશોર પણ ચર્ચા માટે હાજર રહેશે. સાથે જ પાંચ રાજ્યોની હાર બાદ ત્રણ દિવસ સુધી ચાલનારા આ કેમ્પમાં નેતાઓ અને કાર્યકરો પાસેથી હારનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે કોંગ્રેસ આગામી વર્ષે યોજાનારી ગુજરાત, હિમાચલ પ્રદેશ તેમજ કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ બનાવશે.
કાર્યક્રમ દરમિયાન કેટલાક નેતાઓએ નવી રણનીતિ બનાવતા રાહુલ ગાંધી ફરી અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે.
જેમ કે 9 વર્ષ પહેલા ચિંતન શિબિરમાં જ રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2013માં જયપુરમાં આવી જ ચિંતન શિબિર યોજાઈ હતી. ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં જવા માટેની તૈયારીઓ અને રણનીતિ અંગે શિબિરમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીને પણ પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. યોગાનુયોગ એ સમયે પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હતા.
જોકે, નિષ્ણાતો માને છે કે મેવાડને ચિંતન શિબિર માટે બે કારણોસર પસંદ કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે જેમ દિલ્હીની સત્તા સુધી પહોંચવા માટે ઉત્તર પ્રદેશ મહત્વપૂર્ણ છે, તેવી જ રીતે રાજસ્થાનની ગાદી પર બેસવા માટે મેવાડને જીતવું જરૂરી છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ મેવાડને જીતવા માંગે છે. બીજું કારણ એ છે કે આ વિસ્તાર ગુજરાતની નજીક છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે, કોંગ્રેસ પક્ષની આ ચિંતન શિબિરમાં ગુજરાતમાં ભાજપના 27 વર્ષ જૂના કિલ્લાને તોડવાની રણનીતિ તૈયાર કરવામાં આવશે. જાણકારોના મતે જે પાર્ટી મેવાડમાં સૌથી વધુ સીટો જીતે છે, જયપુરમાં એ જ સરકાર બને છે, તો ગુજરાતની સાથે રાજસ્થાનમાં પણ આવનારી ચૂંટણીની રણનીતિ હેઠળ તેને યોગ્ય માનવામાં આવે છે.
કોંગ્રેસ તુટે છે: ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્ર્વિન કોટવાલ રાજીનામુ આપવાના મુંડમાં
આદિવાસી નેતા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાજપમાં જોડાય તેવી સંભાવના
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ તુટી રહી છે. કોંગ્રેસના એક પછી એક મોટા નેતાઓ પંજાનો સાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે દરમિયાન છેલ્લા ઘણા સમયથી પક્ષની કાર્યશૈલીથી ભારોભાર નારાજ ઉત્તર ગુજરાતના કદાવર આદિવાસી નેતા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્ર્વિનભાઇ કોટવાલે હવે પક્ષ સાથે છેડો ફાડી નાંખવાનું મન બનાવી લીધું છે. ટુંક સમયમાં તેઓ કોંગ્રેસના પ્રાથમીક સભ્યપદેથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી છે. તેઓ મે માસના પ્રથમ અથવા બીજી સપ્તાહમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લ્યે તેવી સંભાવના જણાય રહી છે.
ગુજરાતમાં છેલ્લા ર7 વર્ષથી સત્તાથી વંચીત કોંગ્રેસ વિધાનસભાની આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપને બરાબરની ફાઇટ આપવા માટે ગંભીર બની છે. વિધાનસભાની ચુંટણી નજીક આવતા કોંગ્રેસ સતત તુટી રહી છે. કોંગ્રેસના એક પછી એક મોટા માથાઓ પક્ષ છોડી અન્ય રાજકીય પાર્ટીઓમાં જોડાઇ રહ્યા છે. દરમિયાન ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્ર્વિન કોટવાલ છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ છે તેઓને મનાવવામાં હાઇકમાન્ડ સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આગામી 1લી મે અર્થાત ગુજરાતના સ્થાપના દિને કોંગ્રેસ પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આપી રહ્યા છે. ત્યારે જ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવાનો ભાજપે પ્લાન બનાવ્યો છે. ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્ય અશ્ર્વિન કોટવાલ આગામી એકાદ સપ્તાહમાં કોંગ્રેસ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે અને 1લી મેના રોજ રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત વેળાએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરે તેવી સંભાવના હાલ વર્તાય રહી છે.
દરયિમાન ગઇકાલે વડગામના પૂર્વ કોંગી ધારાસભ્ય મણીલાલ વાઘેલા એ સી.આર. પાટીલની ઉ5સ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 2012 વિધાનસભાની ચુંટણીમાં વડગામ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા હતા. દરમિયાન યુવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સામે સક્ષમ ઉમેદવાર ઉતારવા માટે ભાજપે ઓપરેશન મણીલાલ પાર પડયુ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
કોંગ્રેસની કઠણાઇ : ચાણક્ય પ્રશાંત કિશોરે વિશ્ર્વાસ તોડ્યો?
હવે પેઈડ પોલિટિકલનું પ્રમાણ વધી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. ખાસ તો કોંગ્રેસે જેને ચાણક્ય માનીને વિશ્વાસ કર્યો તે પ્રશાંત કિશોરને લઈને બે મહત્વના બનાવ સામે આવ્યા છે કે જેના પરથી એવું લાગી રહ્યું છે કે તેને કોંગ્રેસનો વિશ્વાસ તોડ્યો હોય.
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને તેમની કંપની ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી એટલે કે આઇ પેક હવે અલગ અલગ દિશાઓમાં ચાલી રહી છે. જ્યાં કોંગ્રેસ સાથે પ્રશાંત કિશોરની નિકટતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ તેમની કંપની આઇ-પેક એ તેલંગાણામાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ સાથે જોડાણ કર્યું છે. મળતી માહિતી મુજબ, પ્રશાંત કિશોરની કંપની આઈ-પેક તેલંગાણામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ટીઆરએસના ચૂંટણી પ્રચારનું સંચાલન કરશે. 2023ની વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને પ્રશાંત કિશોર એટલે કે પીકેની કંપની આઈ-પેક વચ્ચે પણ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
એક તરફ કોંગ્રેસ સાથેની ચર્ચાઓ વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને મળી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના તેલંગાણા પ્રભારી મણિકમ ટાગોરના એક ટ્વિટથી રાજકીય ચર્ચાઓ વધી છે. તેમણે નામ લીધા વિના એવો પ્રશ્ન પૂછ્યો છે, જેને કિશોર અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના વડાની બેઠક સાથે જોડવામાં આવી રહ્યો છે.
ટાગોરે કોઈનું નામ લીધા વગર ટ્વીટ કર્યું, “કોઈપણ વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરો જે તમારા દુશ્મનનો મિત્ર હોય.” તેણે પ્રશ્ન કર્યો, ’શું આ સાચું છે?’ ખાસ વાત એ છે કે તેલંગાણામાં ટીઆરએસ અને કોંગ્રેસને પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. હવે સીએમએ પોતે જાહેરમાં કહ્યું છે કે કિશોર ટીઆરએસ સાથે કામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સાથે ચાલી રહેલી ચર્ચાએ સવાલો ઉભા કર્યા છે.