કોંગ્રેસમાં ચરમસીમાએ પહોચેલી આંતરિક જુથબંધીના કારણે મધ્યપ્રદેશની સરકાર ગુમાવ્યા બાદ પાર્ટી હાઈકમાન્ડ હવે નહી જાગે તો ટુંકમાં રાજસ્થાન સરકાર પણ ગુમાવવાનો વારો આવશે

દેશના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસની ભૂમિકા આઝાદી અપાવવામાં અતિમહત્વપૂર્ણ રહેવા પામી છે. આવી ઐતિહાસીક પાર્ટી કોંગ્રેસમાં દાયકાઓથી નીચેથી લઈને ઉચ્ચકક્ષા સુધી આંતરીક જુથબંધી વ્યાપેલી છે. અમુક કહેવાતા પીઢ નેતાઓ પાર્ટી હાઈકમાન્ડનો કબ્જો લઈને બેસી ગયા હોય પાર્ટીમાં આ જુથબંધી પ્રબળ બની જવા પામી છે. આવા પીઢ નેતાઓ પોતાનું રાજકીય વર્ચસ્વ છીનવાઈ ન જાય તે માટે પાર્ટીમાં નવા યુવા નેતાઓને આગળ આવતા યેનકેન પ્રકારે રોકી રહ્યા છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટી નવી વિચારધારાથી અલિપ્ત રહીને જૂની વિચારધારામાં જ મર્યાદીત રહેવા પામી છે. કોંગ્રેસમાં વ્યાપેલી આ આંતરીક જુથબંધીના કારણે સમયાંતરે પીઢ અને યુવા નેતાઓ વચ્ચે મતભેદો સર્જાતા રહે છે.જેના કારણે પાર્ટીમાં બળવા જેવી સ્થિતિ ઉભી થવાના કારણે કોંગ્રેસ તુટી રહી છે. તાજેતરમાં યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ પોતાની અવગણનાથી કંટાળીને પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ૧૫ વર્ષ બાદ આવેલી સતાને ગુમાવવી પડી હતી આ ઘટના બાદ કોંગ્રેસ પાર્ટીને આત્મમંથન કરશે કે કેમ? તેવો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કોંગ્રેસમાં વ્યાપેલી જુથબંધીના અને પાર્ટી નેતૃત્વમાં દૂરંદેશી અને કૂનેહનાં અભાવે છેલ્લા બે દાયકાથી પાર્ટીની સતત પડતી થઈ રહી છે વષૅ ૨૦૧૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં દેશભરમાં ફરી વળેલા મોદી વેવમાં ભાજપને સતા મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થતા પાર્ટીમાં નિરાશા વ્યાપી જવા પામી હતી. જે બાદ ડીસેમ્બર ૨૦૧૮માં યોજાયેલી ત્રણ રાજયોની ચૂંટણીમાં ભાજપના વિકલ્પે લોકોએ કોંગ્રેસને સત્તા અપાવી હતી જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં કોંગ્રેસને પાતળી બહુમતી જયારે છતીસગઢમાં કોંગ્રેસને ભારે બહુમતી મળી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પાતળી બહુમતી મળતા જ મુખ્યમંત્રી બનવા માટે પીઢ અને યુવા નેતાઓ વચ્ચે ગજગ્રાહ શરૂ થઈ ગયો હતો. મુખ્યમંત્રી પદ માટે મધ્યપ્રદેશમાં કમલનાથ અને યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયા જયારે રાજસ્થાનમાં અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાયલોટ મેદાનમાં હતા પરંતુ, પાર્ટી હાઈકમાન્ડનો કબજો કરી બેઠેલા પીઢ નેતાઓએ યુવાઓની અવગણના કરીને બંને રાજયોમાં પીઢ નેતાઓને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સત્તા ગુમાવી તે પાછળના કારણો જોઈએ તો મુખ્યમંત્રી બન્યા બાદ કમલનાથે સતત જયોતિરાદિત્ય સિંધિયા તેના સમર્થક મંત્રીઓ છે અને ધારાસભ્યોને કદ પ્રમાણે વેતરવાની શરૂઆત કરી દીધી હતી. વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સિંધિયા પરિવારની પરંપરાગત મનાતી ગૂના બેઠક પરથી પ્રથમવખત જયોતિરાદિત્યનો પરાજય થયો હતો. જયોતિરાદિત્યની હાર પાછળ પણ કમલનાથ જુથની કારીગીરી જવાબદાર માનવામાં આવી રહી છે. આ હાર બાદ કમલનાથે સતત સિંધિયા જૂથની અવગણના કરીને તેમને શોભજન સ્થિતિમાં મૂકી દીધા હતા. રાજયસભાની આગામી ૨૬મીએ યોજાનારી ચૂંટણીમાં મધ્યપ્રદેશની બે બેઠકો સંખ્યાબળના આધારે કોંગ્રેસ પાર્ટીને મળવાની નિશ્ર્ચિત હતી. જેમાંની એક બેઠક જયોતિરાદિત્યએ પોતાના માટે માંગી હતી પરંતુ કમલનાથ જુથે જયોતિરાદિત્યને ટીકીટ ન મળે તે માટે સખળડખળ શરૂ કરી દીધા હતા. પોતાની રાજયસભાની ટીકીટ કપાવવાનું નિશ્ર્ચિત લાગતા જુથબંધીથી કંટાળીને ચેતી ગયેલા જયોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતુ.

1.monday 2 1

જયોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડતા તેમના પગલે તેમના કટ્ટર સમર્થક મનાતા કમલનાથ સરકારમાં રહેલા છ મંત્રીઓ સહિત ૨૨ ધારાસભ્યોએ પણ કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો. આ ધારાસભ્યોએ રાજીનામા આપતા લઘુમતીમાં આવી ગયેલી કમલનાથે સરકાર બચાવવા સ્પીકરનો ઉપયોગ કરવાથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી પ્રયાસો કર્યા હતા. પરંતુ કમલનાથ સરકાર બચાવની સ્થિતિમાં ન પહોચી શકતા આખરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડયું હતુ મધ્યપ્રદેશમાં થયેલા સિંધિયાના બળવાની ઘટનામાં રાહુલ ગાંધીએ સક્રિય રસ દાખવ્યો હોતતો કમલનાથ સરકાર બચી જાત તેવી ચર્ચાઓ કોંગ્રેસી વર્તુળોમાં થઈ રહી છે. કારણ કે રાહુલ અને જયોતિરાદિત્ય બંને કોલેજ સમયના ગાઢ મીત્રો છે. બંનેએ પોતાની રાજકીય કારકીર્દીણ સાતે શરૂ કરી હતી.

જયોતિરાદિત્યના પિતરાઈ ભાઈએ કરેલા આક્ષેપ મુજબ જયોતિરાદિત્યએ કમલનાથ સરકારમાં પોતાની સાથે તથા પોતાના ટેકેદારો સાથે થતા અન્યાય અંગે રાહુલ ગાંધીને રજૂઆત કરવા અનેક વખત સમય માંગ્યો હતો પરંતુ, રાજકીય અપરિપકવ મનાતા રાહુલે મહિનાઓ સુધી સિંધિયાને મળવાનો સમય આપ્યો ન હતો. જેથી કંટાળીને આખરે સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતુ જે બાદ તેમના ટેકેદારો એવા છ મંત્રીઓ સહિત ૨૨ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કમલનાથ સરકારને રાજીનામું આપી દેવું પડયું હતુ હાલમાં આવી સ્થિતિ રાજસ્થાનની છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની કાર્ય પધ્ધતિ સામે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ અનેક વખત પોતાનો આક્રોશ વ્યકત કરી ચૂકયા છે. આમ, મધ્યપ્રદેશની ઘટનામાંથી ધડો લઈને કોંગ્રેસ આત્મમંથન નહી કરે તો રાજસ્થાનમાં પણ સરકાર પર જોખમ ઉભુ થનારૂ છે. ઉપરાંત આગામી દિવસોમાં કોંગ્રેસ ટુકડા-ટુકડામાં વહેચાય જશે તેવી સ્થિતિ ઉભી થવાની સંભાવના રાજકીય પંડીતો સેવી રહ્યા છે.

‘યુવા આક્રોશ રેલી’ યોજનારા રાહુલ કોંગ્રેસના યુવા નેતાઓનો વ્યથા સમજી શકતા નથી!

વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મ્હાત આપવા તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુંવા મતદારો પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ જેના ભાગરૂપે કોંગ્રેસે દેશભરમાં યુવાનોને લગતા મુદાઓ થયેલા આંદોલનોને સમર્થન આપ્યુંહતુ. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન, ઠાકોર અને દલિત આંદોલનને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો હતો. રાહુલે યુવા મતદારોને મોટી સંખ્યામાં આકર્ષવા લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં યુવા આક્રોશ રેલીઓ યોજી હતી. પરંતુ, ચૂંટણી પહેલા દેશભરમાં ફરી વળેલી મોદી સુનામીમાં કોંગ્રેસના કારમો પરાજય થયો હતો. યુવા આક્રોશ રેલી યોજીને યુવાનોને તેમની સમસ્યાનો નિકાલ લાવવાનો વાયદો કરનારા રાહુલ ગાંધી તેમની પાર્ટીના યુવા નેતાઓની વ્યર્થા સમજી શકતા નથી તેમના મિત્ર સમાન મનાતા જયોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ છોડવાના કારણે સાબિત થયું છે. સચિન પાયલોટની ગણતરી પણ રાહુલ ગાંધીની નજીકના નેતાઆમાં થાય છે. સચિન પાયલોટે પણ પોતાની ગેહલોત સરકાર પ્રત્યેની નારાજગી જાહેરમાં વ્યકત કરવી પડે તે જ દર્શાવે છે કે રાહુલ ગાંધી તેની પાર્ટીના યુવા નેતાઓની વ્યર્થા સમજી શકતા નથી.

કોંગ્રેસમાં દૂરંદેશી ટોચના નેતૃત્વના અભાવે પાર્ટીની હાલત ‘દિશાવિહીન’

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને ૨૦૧૪ અને ૨૦૧૯ની બે લોકસભા ચૂંટણીમાં કારમો પરાજય વેઠવો પડયો હતો. જેનાથી પોતાનામાં રાજકીય પરિપકવતા ન હોવાનું પૂરવાર થતા રાહુલે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતુ જે બાદ, પાર્ટી હાઈકમાન્ડનો કબજો કરીને બેઠેલા પીઢ નેતાઓએ બિમાર સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષા બનાવી દીધા હતા. આ પીઢ નેતાઓએ જો ગાંધી પરિવાર સિવાયના કોઈ નેતાને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે તો પાર્ટી અનેક જુથોનાં વહેચાઈ જવાનો ભય ઉભો કરીને નવી નેતાગીરીને આગળ આવવા દીધી ન હતી. સોનિયા ગાંધી બિમાર હોય સંપૂર્ણ સમય પાર્ટીની કાર્યવાહીમાં આપી શકતા નથી જેથી, પાર્ટી હાઈકમાન્ડનો કબ્જો કરીને બેઠેલા પીઢ નેતાઓ પોતાને યોગ્ય લાગે તેવા નિર્ણયો લઈ રહ્યા છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટીની સતત પીછેહઠ થઈ રહી છે. જયાં સુધી પાર્ટીમાં દૂરંદેશી નેતાની પાર્ટી અધ્યક્ષ તરીકે નિમણુંક નહી થાય ત્યાં સુધી કોંગ્રેસની હાલત દિશાવિહિન રહેવાની સંભાવના રાજકીય પંડીતો વ્યક્ત કરી રહ્યા છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ ‘આત્મમંથન’ નહીં કરે તો રાજસ્થાન સરકાર પર પણ જોખમ!

કોંગ્રેસમાં વ્યાપેલી જુથબંધીના કારણે રાજસ્થાનમાં પણ પાર્ટીએ પીઢ નેતા અશોક ગેહલોતને ફરીથી મુખ્યમંત્રી બનાવ્યા છે. જયારે રાજસ્થાનની જીત જેની આકરી મહેનતના કારણે મળી છે તેવા યુવા નેતા સચિન પાયલોટને નાયબ મુખ્યમંત્રી પદ આપીને મનાવી લેવાયા છે. રાજસ્થાન સરકારના ૧૫ માસના કાર્યકાળ દરમ્યાન ગેહલોત અને પાયલોટ વચ્ચે સમયાંતરે મતભેદો બહાર આવતા રહે છે. ગેહલોત સરકારમાં પાયલોટ સતત પોતાની અવગણનાથી ગુંગળામણ અનુભવી રહ્યાનું જગજાહેર છે. રાજસ્થાન વિધાનસભામાં પણ કોંગ્રેસ પાસે પાતળી બહુમતી છે. જો મધ્યપ્રદેશની ઘટનામાંથી સબક લઈને કોંગ્રેસ તુરંત આત્મમંથન નહી કરે તો રાજસ્થાનમાં પણ પાયલોટ સિંધિયાવાળી કરે તેવી સંભાવના છે. જો પાયલોટ કોંગ્રેસ છોડે તો તેમના સમર્થક ધારાસભ્યોના રાજીનામાના કારણે રાજસ્થાનમાં પણ કોંગ્રેસને સત્તા ગુમાવવી પડે તેવી સ્થિતિ ઉભી થવાની સંભાવના છે. રાજસ્થાનમાં ગેહલોત સરકારને ઉથલાવવા માટે તમામ તૈયારીઓ કરી ચૂકયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.