વિધાનસભાની ચૂંટણીમાં વોટબેંકને ધ્યાને લઇ કોંગ્રેસે મેનિફેસ્ટોમાં બજરંગ દળ ઉપર પ્રતિબંધ મુકવાનો વાયદો કરતા વિવાદ, ભાજપને બેઠા બેઠા મુદ્દો મળી ગયો
અગાઉ સોનિયા ગાંધીએ ગુજરાતમાં મોદીને મોતના સોદાગર બોલીને જે ભૂલ કરી પોતાના જ પગ ઉપર કુહાડો માર્યો હતો. તેવી જ રીતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળ ઉપર પ્રતિબંધ મુકવાનો વાયદો કર્યો છે જેને લઈને વિવાદ ચગ્યો છે અને ભાજપને બેઠા બેઠા મુદ્દો મળી ગયો છે.
બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની કોંગ્રેસ પાર્ટીની ખાતરીથી કર્ણાટકમાં મોટો વિવાદ સર્જાયો છે.જેને પગલે ’મૈં હૂં બજરંગી’ના પોસ્ટરો દરેક જગ્યાએ જોવા મળ્યા છે. ભાજપના નેતાઓ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના કોંગ્રેસના વચનને વળગી રહ્યા છે. પાર્ટીના નેતાઓએ કોંગ્રેસના મેનિફેસ્ટો પર નારાજગી વ્યક્ત કરી હતી અને બજરંગ દળના જંગી સમર્થનમાં બહાર આવ્યા હતા. ઉપરાંત વડાપ્રધાને કર્ણાટકમાં પોતાની તમામ સભાનો પ્રારંભ પણ જય બજરંગીના નાદ સાથે કર્યો હતો. મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ મોડી રાત્રે હાવેરી જિલ્લાના હનાગલમાં પ્રચાર કર્યો અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેઓએ કેસરી શાલ લહેરાવી, જય બજરંગીના નારા લગાવ્યા અને બજરંગ દળના કાર્યકરોના નારા લગાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માટે આ છેલ્લી ચૂંટણી છે. જો તેઓ હારી જશે, તો તેઓ સીધા તેમના ઘરે જશે. તેમના માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. તે ખરેખર કોંગ્રેસ માટે મૃત્યુની સ્થિતિ છે.
તેમણે એમ પણ કહ્યું કે ભગવાન હનુમાનના ભક્તો બજરંગ દળના બજરંગી છે અને કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યું છે કે તે બજરંગ દળના સંગઠન પર પ્રતિબંધ મૂકશે. જો હનુમાનના ભક્તો બળવો કરશે તો સમગ્ર દેશમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે. કોંગ્રેસના ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર આકરી પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસે ભગવાન શ્રી રામને જેલમાં રાખ્યા હતા. હવે તેઓ ભગવાન હનુમાનની પણ ધરપકડ કરવાની તૈયારી કરી રહ્યા છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું કે બજરંગ દળ આરએસએસનો એક ભાગ છે અને યુવાનો સાથે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યું છે. તે ક્યારેય રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થયો નથી. કોંગ્રેસ દ્વારા મુસ્લિમોને ખુશ કરવા માટે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવે છે. કોંગ્રેસ વધુ મગજ વાપરી રહી છે જેથી તેનો બગાડ થાય.
મુસ્લિમ વોટ બેંક માટે નિયંત્રણો લાદવા એ જ્ઞાતિ-જાતિનું ગંદુ રાજકારણ: બજરંગ દળ
બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક નીરજ ડોનેરિયાએ કહ્યું છે કે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં બજરંગ દળ અને પીએફઆઈને એકસાથે દર્શાવવામાં આવ્યા છે. તે ખૂબ જ શરમજનક છે કે તે એક સંગઠનની તુલના કરી રહ્યો છે જે દેશ અને સમાજના ભલા માટે કામ કરે છે નહિ કે આતંકવાદી ઘટનાઓને પ્રોત્સાહન આપતી સંસ્થા સાથે.બજરંગ દળના નેતાએ કહ્યું કે તે મુસ્લિમ મત મેળવવા માટે અમારા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. તેઓએ હંમેશા ધર્મના નામે સમાજને વિભાજિત કર્યો છે. કોંગ્રેસના આ શરમજનક કૃત્ય સામે બજરંગ દળ વિરોધ કરશે.
કોંગ્રેસ બજરંગબલીને પસંદ નથી કરતી : મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ ભગવાન હનુમાનને પસંદ નથી કરતી. તેમણે કહ્યું કે હું વિજયનગર સામ્રાજ્યના લોકોને નમન કરું છું. હું ભગવાન હનુમાનની ભૂમિમાં છું. તેમજ કોંગ્રેસ તેના ઢંઢેરામાં દાવો કરી રહી છે કે તેઓ બજરંગબલીને રોકશે અને જય બજરંગ બલી બોલનારાઓને પ્રતિબંધિત કરશે.
ભાજપ દ્વારા આખા રાજ્યમાં સાંજે હનુમાન ચાલીસા પાઠના કાર્યક્રમ
આજે ભાજપ સમગ્ર કર્ણાટકમાં હનુમાન ચાલીસાનો પાઠ કરશે. બજરંગ દળે કર્ણાટકમાં ’હનુમાન ચાલીસા’ના પાઠના કાર્યક્રમોનું આયોજન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું કે કોંગ્રેસના નેતા કહે છે કે ભાજપના કાર્યકરો હનુમાન ચાલીસાનો પાઠ કેવી રીતે કરવો તે નથી જાણતા. હું સુરજેવાલાને હનુમાન ચાલીસાનું પઠન કેવી રીતે કરવામાં આવે છે તે જોવા અને સાંભળવા સાંજે 7 વાગ્યે આવવાનું આમંત્રણ આપું છું. તેમણે કહ્યું કે હું કર્ણાટકના તમામ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરું છું