વિધાનસભાની આઠેય બેઠકો હાથમાંથી જતી રહ્યા બાદ હાઇકમાન્ડ આકરા પાણીએ: પ્રદેશના પ્રભારી, પ્રમુખ તેમજ વિપક્ષ નેતાના હોદ્દો જોખમમાં
કાર્યકારી પ્રમુખ પણ કોઇ ફાયદો ન કરાવી શકયા: હાઇકમાન્ડ દિવાળી બાદ ધરખમ ફેરફારના મુડમાં
કોંગ્રેસે વિધાનસભાની આઠેય બેઠક ઉપર હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. જેના પગલે હાઈકમાન્ડ ધુઆફુઆ થઈ ગયું છે.દિવાળી પછી કોંગ્રેસે કકળાટ કાઢવાનો નિર્ણય કરી લીધો છે. જેમાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ તેમજ વિપક્ષ નેતાને હોદા પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવે તો પણ નવાઈ નહિ.
વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો ઉપર વિજયધ્વજ લહેરાવ્યો છે. કોંગ્રેસના હાથમાં એક પણ બેઠક આવવા દીધી નથી. પેટાચૂંટણીની હાર બાદ કોંગ્રેસ હવે દીવાળી પછી કકળાટ કાઢવાના મૂડમાં છે. પેટાચૂંટણીમાં કારમી હાર બદલ પ્રભારી રાજીવ સાતવને હાઈકમાન્ડ તરફથી ઠપકો પણ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાઈકમાન્ડ દ્વારા પ્રદેશના માળખાને ફેરવવાના પ્રયાસો પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને હોદા પરથી દૂર કરવામાં આવે તેવી પણ વાતો વહેતી થઈ છે. આ ઉપરાંત પ્રભારી રાજીવ સાતવનો હોદો પણ જોખમમાં મુકાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા આઠ સિનિયર નેતાઓને એક- એક બેઠકની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જવાબદારી નિભાવવામાં આ નેતાઓ નિષ્ફળ રહ્યા હતા. જે બદલ હાઈકમાન્ડ એક્શનના મૂડમાં છે અને અનેકના હોદા ઉપર જોખમ તોળાઈ રહ્યું છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને પણ મત ખેંચવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ તે કોઈ ફાયદો કરાવી શક્યો નથી. જેની નોંધ પણ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવી છે. હાલ કોંગ્રેસ ઘોડા છૂટયા બાદ તબેલે તાળા મારવા દોડ્યું છે. જે એક્શન ચૂંટણી પૂર્વે લેવાની હતી તે એક્શન ચૂંટણીમાં હાર જોયા બાદ લેવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ ચુંટણીમાં બેઠકો કબજે કરવા માટે ઉંધા માથે થઈ હતી. કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડીને ભાજપના ઉમેદવાર બનેલા નેતાઓ સામે કોંગ્રેસનો ખરાખરીનો જંગ હતો.આ જંગમાં કોંગ્રેસ માટે ગુમાવવામાં સર્વસ્વ હતું જયારે ભાજપ માટે નફો એટલો વકરો હતો શરૂઆતના તબકકામાં કોંગ્રેસ અંદાજે ૨ થી ૩ સીટ પોતાના કબજે કરે તેવું લાગી રહ્યું હતું પરંતુ પરિણામમાં તો કોંગ્રેસના ભાગે મીંડુ આવ્યું હતું. મોરબી-માળીયા બેઠકની સ્થિતિ જોઈએ તો ત્યાં પાટીદારના મત ખેંચવા કોંગ્રેસે હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યો હતો પરંતુ હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષને કોઈ ફાયદો કરાવી શકયો ન હતો અને કોંગ્રેસને આ બેઠક ઉપર નિરાશા સહન કરવાનો વારો આવ્યો હતો.