રાજસ્થાનમાં ગહેલોત અને પાયલોટ વચ્ચેનો વિવાદ ખતમ કરવા હાઈકમાન્ડે કમર કસી
અબતક, નવી દિલ્હી : પંજાબ કોંગ્રેસના આંતરિક વિવાદ બાદ હવે રાજસ્થાન કોંગ્રેસમાં પણ વિવાદ સર્જાવાની અણી એ છે. પંજાબમાં જેમ મુખ્યમંત્રી અમરીન્દર સિંઘ અને નવજોતસિંઘ સિધુ વચ્ચે વિવાદ સામે આવ્યો હતો. તેવી જ રીતે રાજસ્થાનમાં અશોક ગહેલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. આ વિવાદને ખતમ કરવા હાઇકમાન્ડ કમર કસી રહી છે.
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલો રાજકીય ઝઘડો અટકવાનું નામ નથી લઈ રહ્યો.આ વિવાદ હજુ વધવાની અટકળો એકદમ વધી ગઈ છે અને પાર્ટી સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલ શુક્રવારે જયપુર પહોંચી ગયા હતા. આ સાથે રાજસ્થાનમાં કોંગ્રેસ પ્રભારી અજય માકન પણ જયપુર પહોંચી ગયા હતા.
રાજસ્થાનમાં 28 જુલાઈએ મંત્રી મંડળનુ વિસ્તરણ થશે. પાયલોટ જૂથના ધારાસભ્ય મુકેશ ભાકર અને રામનિવાસ ગાવરિયાનુ કહેવુ છે કે, જે રીતે કોંગ્રેસ દ્વારા દેશમાં બદલાવ થઈ રહ્યા છે તે જોતા અમને ન્યાય મળશે તેમ લાગે છે.મંત્રીમંડળના વિસ્તરણ પહેલા કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલ અને રાજસ્થાન પ્રભારી અજય માકન જયપુર પહોંચ્યા છે અને તેમણે અશોક ગહેલોત સાથે બેઠક પણ યોજી હોવાનું જાણવા મળ્યું છે.
નવા મંત્રી મંડળમાં પાયલોટ જૂથના ધારાસભ્યોને સ્થાન આપી પાયલોટને રાજી રખાશે
ઉલ્લેખનીય છે કે, સચિન પાયલોટ દ્વારા પોતાના જૂથના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી લાંબા સમયથી માંગણી થઈ રહી છે પણ મુખ્યમંત્રી અશોક ગહેલોત તેના પર ધ્યાન આપી રહ્યા નહોતા. જોકે હવે હાઈકમાન્ડે મામલો પોતાના હાથમાં લઈ લીધો હોય તેમ લાગે છે. હવે સચિન પાયલોટના જૂથના ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શકયતા જણાઈ આવે છે.