કોંગ્રેસને ગુજરાતમાં સત્તા મળે તો તે ‘વિકાસ’ની જવાબદારી કઈ રીતે અને કઈ કક્ષાએ નિભાવશે તે પોલીસી જાણવામાં લોકોને રસ
ગુજરાતનો વિકાસ દર્શાવતા ગુજરાત ‘મોડેલ’ના પ્રચાર-પ્રસારથી વડાપ્રધાન મોદી કેન્દ્રમાં સત્તા મેળવી શકયા છે. ‘વિકાસ’ને વડાપ્રધાન મોદીનો હોલમાર્ક માનવામાં આવે છે. ત્યારે ઓગષ્ટના અંતમાં શ‚ થયેલો ‘વિકાસ ગાંડો થયો છે’નો પ્રચાર લોકોની જીભે ચડી ગયો છે. જો કે, આ પ્રચારના માધ્યમથી ભાજપ ઉપર માછલા ધોતો વિરોધ પક્ષ કોંગ્રેસ સત્તા મળ્યા બાદ વિકાસને ‘ડાહ્યો’ કરી શકશે ? એટલે કે ગુજરાતના વિકાસને આગળ ધપાવી શકશે તે અંગે પણ પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વિકાસ ગાંડો થયો છે ના પ્રચારમાં સરકારની નીતિની ઠેકડી ઉડાવી હતી. તેમને તે સમયે વિકાસ કો કયાં હુઆ હૈ તેવા વિધાનો કર્યા હતા. રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ આ વખતે ભાજપ વધુ ગંભીરતાથી લઈ રહ્યો છે. દર વખત કરતા આ વખતે રાહુલ ગાંધીનો પ્રવાસ વધુ અસરકારક જણાઈ રહ્યો છે. પરિણામે ભાજપે એડીચોટીનું જોર લગાડી દીધુ છે. અલબત જો કોંગ્રેસને સત્તા મળશે તો કોંગ્રેસ આ જવાબદારી કઈ રીતે અને કઈ કક્ષાએ નિભાવશે તેવા પ્રશ્ર્ન પણ ઉઠી રહ્યાં છે.
સત્તા સાથે જવાબદારીઓ પણ વધી જતી હોય આ જવાબદારીઓ પર કોંગ્રેસ ખરી ઉતરશે કે નહીં ? કોંગ્રેસ ગાંડો ગણાવતા વિકાસને ડાહ્યો કરી શકશે ? વિકાસને ડાહ્યો કરવા કોંગ્રેસ પાસે કોઈ પોલીસી કે પ્લાન છે ? તે સહિતના પ્રશ્ર્નો લોકોના મનમાં ઉઠી શકે છે. એક રીતે ફરીથી માહોલ જ્ઞાતિવાદ-જાતિવાદ ઉપર આવી ગયો છે. જો કે પ્રચાર-પ્રસારમાં અંતે તો તમામ પક્ષોએ વિકાસના મુદ્દે જ ચૂંટણી લડવી પડશે.
ભાજપનો સોશ્યલ મીડિયા પ્રચાર અત્યાર સુધી કોંગ્રેસ કરતા વધુ ઘાતક હતો પરંતુ આ વખતે ચૂંટણી પહેલા કોંગ્રેસે સોશ્યલ મીડિયામાં પુરતું ધ્યાન આપ્યું છે. વિકાસ ગાંડો થયો છે જેના પ્રચાર પાછળ કોંગ્રેસની સોશ્યલ મીડિયા ટીમનો હાથ છે. અલબત આ સુત્ર સહિતની પ્રચાર-પ્રસારના માધ્યમથી સત્તા મળી જાય તો કયાં પગલા લેવાશે તે સુનિશ્ર્ચીત થતું નથી. ભાજપ સરકારની નીતિથી ખફા લોકો વિકાસ ગાંડો થયો છે ના સૂત્રો વાયરલ કરે છે પરંતુ શું કોંગ્રેસ ભાજપની નીતિથી ખફા લોકોને પોતાની તરફેણમાં કરી શકશે. અથવા તો તેમની માંગ પ્રમાણે કામ કરી શકશે તે પણ મોટો પ્રશ્ર્ન છે.