રાજયમાં કોંગો ફિવરનાં છ કેસ પોઝીટીવ: ૩નાં મોત જયારે ૩ દર્દીની તબિયત સુધારા પર: અમરેલી જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત
એક તરફ વરસાદનાં ભેજયુકત વાતાવરણને પગલે મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચકયું છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોંગો ફિવરે પોતાનો પંજો પ્રસરાવ્યો છે. ભાવનગરની ૩૭ વર્ષીય મહિલાનું કોંગો ફિવરથી મોત નિપજયું છે. જેનાં કારણે કોંગો ફીવરનો મૃત્યુઆંક વધી ૩ થયો છે. કોંગો ફિવરે માથુ ઉચકતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહત્વનું છે કે, રાજયમાં ભયનો માહોલ સર્જનાર કોંગો ફિવર પશુપાલન વ્યવસાય કરતા લોકોમાં વધુ જોવા મળે છે. આ રોગ પશુઓ દ્વારા ફેલાય છે. પશુઓનાં સ્તન પર ઈતરડી નામની જીવાત ચોટેલી હોય છે. આ જીવાત કરડવાથી કોંગો વાયરસની અસર થતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાની ૭૮ વર્ષીય સુખીબેન મેનિયામાં ક્રિમીયન કોંગો હેમોરેજિયા ફિવર વાયરસનાં લક્ષણ મળ્યા હતા. તે લિંબડીનાં જમડી ગામનાં વતની હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મહત્વનું છે કે, રાજયમાં કોંગો ફિવરનાં કહેરમાં અમરેલી જિલ્લો સૌથી વધુ સંવેદનશીલ છે. અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં હળવદની બે મહિલાઓને કોંગો ફિવરનાં લક્ષણો જોવા મળતા દાખલ કરવામાં આવી હતી. તેમનાં નેશનલ વાયરોલોજીમાંથી પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતા. રાજયનાં આરોગ્ય વિભાગે સતાવાર રીતે જણાવ્યું કે, આખાયે રાજયમાંથી કુલ ૧૭ દર્દીઓનાં સેમ્પલ પુના સ્થિત નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા તે પૈકી ૬ દર્દીઓને કોંગો ફિવર હોવાનું ક્ધફર્મ થયુ છે. આ છ દર્દીઓમાં ત્રણનાં મોત નિપજયા છે. જયારે ૩ની તબિયત સુધારા પર છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ અને કચ્છ જિલ્લામાં બે બ્લડ સેમ્પલનાં ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા. જયારે અન્ય કેસ દ્વારકા, પંચમહાલ, મોરબી, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગરનાં નોંધાયા છે.