બીસીસીઆઈ સરકારને ભલામણ મોકલશે, ધવનનાં નામની શકયતા
પ્રતિસ્થિતિ અર્જુન એવોર્ડ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ આ વર્ષે ક્રિકેટરનાં નામ સરકારને મોકલશે જયારે ઈન્ડિયા ટીમનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ તેના માટે મજબુત દાવેદાર બન્યો છે. ૨૦૧૯નાં વર્ષ માટે પણ બુમરાહ દાવેદાર હતો પરંતુ તે વખતે સિનિયર હોવાનાં નાતે રવિન્દ્ર જાડેજાનું નામ મોકલવામાં આવ્યું હતું. ભારત સરકારે આ વર્ષનાં નેશનલ એવોર્ડ માટેનાં નામની ભલામણ કરી દીધી છે અને દેશનાં વિવિધ રમત ફેડરેશન પાસેથી નામો મંગાવ્યા છે. આ એવોર્ડમાં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડનો સમાવેશ થાય છે. દર વર્ષ કરતા આ વર્ષે કોરોના વાયરસનાં કારણે આ પ્રક્રિયા વિલંબથી શરૂ થઈ છે.
બીસીસીઆઈનાં એક સુત્રનાં જણાવ્યા મુજબ ગયા વર્ષે ટીમ ઈન્ડિયાનાં ત્રણ નામ જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમદ સમીનાં નામ મોકલ્યા હતા તે સમયે બુમરાહ આ રેસમાંથી બહાર થઈ ગયો હતો કારણકે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વર્ષ પૂર્ણ કર્યા હતા. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ૩ વર્ષ પુરા કરનાર બુમરાહ આ વખતે પ્રબળ દાવેદાર બની ગયો છે. બુમરાહે ૨૬ વર્ષની વયે ૧૪ ટેસ્ટમાં ૬૮ વિકેટ, ૬૪ વન-ડેમાં ૧૦૪ વિકેટ અને ૫૦ ટી-૨૦ ૫૯ વિકેટ ઝડપી છે.
મેન્સ અને વિમેન્સ કેટેગરી માટે બીસીસીઆઈનાં હોદેદારો આ મહિનાના અંતમાં સુધીમાં ખેલાડી નિશ્ર્ચિત કરી દેશે. જસપ્રીત બુમરાહ આ માટે મુખ્ય દાવેદાર છે જે છેલ્લા ચાર વર્ષથી ભારતનો આધારભૂત બોલર બની ગયો છે. બોર્ડના સુત્રોનાં જણાવ્યા મુજબ ગયા વર્ષે ૩ નામ મોકલાયા હતા. અર્જુન એવોર્ડ માટેની પસંદગીનાં ધારાધોરણ મુજબ જે-તે ખેલાડી પાસે ૩ વર્ષનો આંતરરાષ્ટ્રીય અનુભવ હોવો જરૂરી છે જોકે છેલ્લા ચાર વર્ષથી ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને ઝડપી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ વર્ષે અર્જુન એવોર્ડ માટેનો પ્રબળ દાવેદાર બન્યો છે અને સાથો સાથ ધવનનાં નામની પણ શકયતા જોવા મળી રહી છે.